Madhya Gujarat

ખેડાની 6 બેઠક પર આજે લોકશાહીનો પર્વ ઉજવાશે

નડિયાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા માટે આજે બીજા તબક્કામાં ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પર આજે લોકશાહીના પર્વની ઉજવણી થશે. આજે ખેડા જિલ્લામાં અંતિમ મતદાર યાદીમાં નોંધાયેલા 16 લાખથી વધુ લોકો મતદાન કરશે. આ તરફ ચૂંટણી પ્રશાસને લાખો મતદારો સામે હજારો કર્મચારીઓની ફોજ લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે મેદાને ઉતારી દીધી છે. જિલ્લાની માતર, નડિયાદ, મહુધા, ઠાસરા, મહેમદાવાદ અને કપડવંજ વિધાનસભાની બેઠકો માટે આજે 16 લાખ ઉપરાંતના મતદારો નિયત કરેલા મતદાન કેન્દ્રો પર પહોંચી મતદાનમાં જોડાશે. આ પહેલા આજે રવિવારે જિલ્લાના 6 જગ્યાએથી EVM ચૂંટણી સામગ્રી જે તે બુથ પર પહોચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો ચૂંટણીની આગલી રાત સુધી તમામ ઉમેદવારોએ ખાટલા બેઠકો અને ડોર ટુ ડોર પ્રચાર અભિયાન ચાલુ રાખ્યુ હતુ. 39 હજાર યુવા મતદારો પ્રથમ વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.એલ બચાણીએ તમામ વિધાનસભા મતવિસ્તારના ઈ.વી.એમ. ડિસ્પેચ સેન્ટરોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરીને જે-તે વિધાનસભાના ચુંટણી અધિકારીઓ, મદદનીશ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.જિલ્લાની 6 વિધાનસભાઓમાં 8,16,338 પુરૂષ મતદારો તથા 7,84,594 મહિલા મતદારો તથા 87 અન્ય મતદારો મળી કુલ 16,00,925 જેટલા મતદારોના મતથી 44 ઉમેદવારોનું ભાવિ સીલ થશે. જિલ્લામાં 1744મતદાન મથકો પર મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. સવારે 8 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે મતદાનના દિવસે દરેક મતદાન મથક પર સવારે 7 વાગે મોક પોલિંગ કરવામાં આવશે. ત્યારબાદ સવારે 8 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

વિધાનસભા બેઠક મુજબ મતદારોની સંખ્યા
માતર બેઠક : 1,28,786 પુરુષ મતદારો, 1,23,349 સ્ત્રી મતદારો અને અન્ય 9 મળી કુલ 2,52,144 મતદારો છે. જેમાં 18થી 19 વયના 6,327 તથા 20થી 29 વયના 54,563 મતદારો છે. આ કુલ મતદારોમાંથી 80થી વધુ વયના 4442, દિવ્યાંગ મતદારો 3501, સેવા મતદારો 97 તથા મહાનુભાવો મતદારો 203 છે.
નડિયાદ બેઠક : 1,38,8729 પુરુષ મતદારો, 1,35,057 સ્ત્રી મતદારો અને અન્ય 46 મળી કુલ 2,73,832 મતદારો છે. જેમાં 18થી 19 વયના 4,616 તથા 20થી 29 વયના 48,071 મતદારો છે. આ કુલ મતદારોમાંથી 80થી વધુ વયના 7,822, દિવ્યાંગ મતદારો 3767, સેવા મતદારો 102 તથા મહાનુભાવો મતદારો 128 છે.

મહેમદાવાદ બેઠક ઃ 1,27,582 પુરુષ મતદારો, 1,22,930 સ્ત્રી મતદારો અને અન્ય 9 મળી કુલ 2,50,521 મતદારો છે. જેમાં 18થી 19 વયના 6,325 તથા 20થી 29 વયના 56,136 મતદારો છે. આ કુલ મતદારોમાંથી 80થી વધુ વયના 3,728, દિવ્યાંગ મતદારો 3,692, સેવા મતદારો 85 તથા મહાનુભાવો મતદારો 137 છે.
મહુધા બેઠક ઃ 1,29,330 પુરુષ મતદારો, 1,22,804 સ્ત્રી મતદારો અને અન્ય 6 મળી કુલ 2,52,140 મતદારો છે. જેમાં 18થી 19 વયના 6,324 તથા 20થી 29 વયના 52,618 મતદારો છે. આ કુલ મતદારોમાંથી 80થી વધુ વયના 4,727, દિવ્યાંગ મતદારો 3,949, સેવા મતદારો 111 તથા મહાનુભાવો મતદારો 121 છે.

ઠાસરા બેઠક ઃ 1,39,680 પુરુષ મતદારો, 1,33,284 સ્ત્રી મતદારો અને અન્ય 5 મળી કુલ 2,72,969 મતદારો છે. જેમાં 18થી 19 વયના 7,571 તથા 20થી 29 વયના 59,322 મતદારો છે. આ કુલ મતદારોમાંથી 80થી વધુ વયના 4,746, દિવ્યાંગ મતદારો 4,663, સેવા મતદારો 138 તથા મહાનુભાવો મતદારો 172 છે.
કપડવંજ બેઠક ઃ 1,52,011 પુરુષ મતદારો, 1,47,296 સ્ત્રી મતદારો અને અન્ય 12 મળી કુલ 2,99,319 મતદારો છે. જેમાં 18થી 19 વયના 8,172 તથા 20થી 29 વયના 70,100 મતદારો છે. આ કુલ મતદારોમાંથી 80થી વધુ વયના 4,573, દિવ્યાંગ મતદારો 4,522, સેવા મતદારો 128 તથા મહાનુભાવો મતદારો 97 છે.

6 સ્થળેથી EVM ડિસ્પેચિંગ કરાયા
જિલ્લાના છ સ્થળ પરથી ડીસ્પેચ સેન્ટર ખોલવામાં આવ્યા છે. જ્યાથી ચૂંટણીલક્ષી સામગ્રી મતદાન બુથ સુધી પહોચાડવામાં આવી રહી છે. તાલુકા મથકો પર ડિસ્પેચ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં સવારે 9 વાગ્યાથી ડીસપેચ સેન્ટર શરૂ થઈ ગયા છે. 115 માતર એન સી પરીખ હાઇસ્કુલ, 116 નડિયાદ બાસુંદીવાલા પબ્લિક હાઇસ્કૂલ, 117 મહેમદાવાદ શેઠ જે એચ સોનાવાલા હાઈસ્કૂલ, 118 મહુધા એમ ડી શાહ કોલેજ, 119 ઠાસરા ભવન્સ કોલેજ ડાકોર, 120 કપડવંજ એમ પી મ્યુનિસિપાલટી હાઇસ્કૂલ ખાતે ડીસ્પેચ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.

ચૂંટણીમાં આ છે ખાસ બાબતો
દરેક મતદાન મથકે પોલીસતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ઈવીએમ મશીનોનું ટ્રેકિંગ અને જિલ્લાકક્ષાએ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં 39 હજાર જેટલા યુવા મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદારો વધુમાં વધુ મતદાન કરે તેવા આશયથી ચુંટણીતંત્ર દ્વારા વિધાનસભાદીઠ એક-એક મોડેલ, એક-એક દિવ્યાંગ મતદાન મથકો, એક-એક ઈકોફ્રેન્ડલી મતદાન મથકો, 42 જેટલા મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

6370નો સ્ટાફ મતદાન પ્રક્રિયામાં જોતરાશે
મતદાન મથકો પર કુલ 6,370 સ્ટાફ ખડે પગે રહેશે. અને 2662 બેલેટ યુનીટ, 2352 કંટ્રોલ યુનિટ અને 2535 વીવીપેટનો ઉપયોગ થનાર છે. 1744 મતદાન મથકો પૈકી 50% મતદાન મથકો એટલે કે 872 મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટીગ રહેશે. 61 જેટલા મતદાન મથકો વિશિષ્ટ હશે. જેમાં મહિલા સંચાલિત, યુવા સંચાલિત, ઈકો ફ્રેન્ડલી અને દિવ્યાંગ મતદાન મથકોનો સમાવેશ થાય છે. જિલ્લાના 75 જેટલા મતદાન મથકો આ વખતે એવા ઉભા કરાયા છે કે ત્યાં હેલ્થ ચેકઅપના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા ચુંટણી અધિકારીએ રિસિવીંગ ડિસ્પેચીંગ સેન્ટરની મુલાકાત લીધી
ખેડા જિલ્લા કલેક્ટર અને ચુંટણી અધિકારી કે.એલ.બચાણીએ વિધાનસભાની ચુંટણીના એક દિવસ પૂર્વે જિલ્લાના વિવિધ રીસીવીંગ-ડિસ્પેચીંગ સેન્ટરની મુલાકાત લઈ, તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમજ જે તે વિધાનસભાના ચુંટણી અધિકારીઓ અને મદદનીશ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મતદાન મથકોનું સંપૂર્ણ સંચાલન દિવ્યાંગો દ્વારા કરવામાં આવશે
તારીખ 5 મી ડિસેમ્બરને સોમવારના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી માટે ખેડા જિલ્લામાં 6 મતદાન મથકોનું સંપૂર્ણ સંચાલન દિવ્યાંગો દ્વારા કરવામાં આવનાર છે. તમામ છ વિધાનસભા બેઠક પર એક-એક દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં 115-માતર ખાતે પ્રાથમિક શાળા, પશ્ચિમ ભાગ, ત્રાજ, 116-નડિયાદ ખાતે જીવનવિકાસ એજ્યુકેશન એકેડમી, ઓવરબ્રિજ નજીક, નડિયાદ, 117-મહેમદાવાદ ખાતે પ્રાથમિક કુમારશાળા, દક્ષિણ ભાગ, સિહુંજ, 118-મહુધા ખાતે વીણા તાબે લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા, 119-ઠાસરા ખાતે અણદી પ્રાથમિક શાળા અને 120-કપડવંજ ખાતે તોરણા તાબે હિરાપુર પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. આ તમામ 6 મતદાન મથકો પર પ્રિસાઈન્ડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર સહિતના તમામ સ્ટાફ તરીકે દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી છે.

872 મતદાન મથકો લાઈવ મોનિટરિંગ કેમેરાથી સજ્જ કરાયાં
દરેક ચુંટણી વખતે ક્યાંકને ક્યાંક બોગસ મતદાન થતું હોવાની બુમો ઉઠતી હોય છે. ત્યારે બોગસ મતદાન થતું અટકાવવા માટે તંત્ર દ્વારા ખેડા જિલ્લાના 872 મતદાન મથકો પર લાઈવ મોનીટરીંગ કેમેરા લગાવવામાં આવ્યા છે. જેની મદદથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મતદાન પ્રક્રિયાનું સતત મોનીટરીંગ કરવામાં આવશે.

વિશેષ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં
જિલ્લાના વધુમાં વધુ મતદારો પોતાનો કિંમતી મત આપવા પ્રેરાય તે હેતુસર વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં દરેક વિધાનસભા દીઠ એક-એક મોડલ મતદાન મથક, એક-એક દિવ્યાંગ મતદાન મથક, એક-એક ઈકોફ્રેન્ડલી મતદાન મથક, મહિલાઓ સંચાલિત 42 સખી મતદાન મથકો, ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં 75 મતદાન મથકોમાં 60 વર્ષથી વધુ વયના તથા દિવ્યાંગ મતદારો માટે મતદાન કર્યાં બાદ હેલ્થ ચેકઅપની વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Most Popular

To Top