SURAT

ભારત-પાકિસ્તાનની બોર્ડર અંગે સુરતની સ્કૂલોમાં આવ્યો એક લેટર અને…

સુરત (Surat): હાલમાં સુરતની સ્કૂલોમાં ભારત -પાકિસ્તાન બોર્ડર અંગે આવેલા એક પત્રએ ચર્ચા જગાવી છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મોકલાયેલા આ પરિપત્રના પગલે સુરતની સ્કૂલના સંચાલકો વિચારમાં પડી ગયા છે. ખરેખર આ પત્ર ભારત-પાકિસ્તાનની બોર્ડર અંગેનો છે. શું છે આ પરિપત્રમાં ચાલો તે જાણીએ…

ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા બનાસકાંઠાના નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેનો શૈક્ષણિક પ્રવાસ યોજવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને પરિપત્ર કર્યો છે. આમ, ગુજરાત સરકાર નડાબેટને હવે શૈક્ષણિક પ્રવાસ માટે પ્રમોટ કરશે.

રાજ્ય સરકાર દ્વારા બોર્ડર ટુરિઝમ એન્ડ એડ્વેન્ચર ટુરિઝમના વિકાસ અર્થે વાઘા બોર્ડર ખાતે યોજાતી રિટ્રીટ સેરેમનીથી પ્રેરાઈને બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જેમાં વિદ્યાર્થીઓને સીમાંત સ્થળે રહેતા ગ્રામજનોનું જીવન નિહાળવાની તક મળે તેમજ દેશની સીમાઓને પોતાના જીવનના જોખમે રાત-દિવસ દેશ અને દેશવાસીઓને સુરક્ષિત રાખતા આપણા વીર સૈનિકો અને તેમનું જીવન નિહાળીને વિદ્યાર્થીઓ પ્રેરણા મેળવે એ માટેના પ્રયાસ શરૂ કરાયા છે.

વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના વધારે મજબૂત થાય એ હેતુથી શાળાઓ દ્વારા નડાબેટ ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે એ માટે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં અધિકારીઓને તેમના તાબાની સ્કૂલોમાં નડાબેટના પ્રવાસ માટે પ્રેરિત કરવા માટે જણાવવામાં આવ્યું છે. રાજ્યના ટુરિઝમ વિભાગે શિક્ષણ વિભાગને પત્ર લખી શૈક્ષણિક પ્રવાસની રજૂઆત કરી હતી. જે પછી પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું જણાય આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નડાબેટ ખાતે વિદ્યાર્થીઓનું ગ્રુપ શૈક્ષણિક પ્રવાસે જશે તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ટુરિઝમ વિભાગે આપશે. આમ, ગુજરાત સરકાર હવે નડાબેટને શૈક્ષણિક પ્રવાસ માટે પ્રમોટ કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.

નડાબેટ ખાતે વિવિધ ટુરિઝમ ફેલિસિટી પણ ઊભી કરાઈ છે
નડાબેટ ખાતે વિવિધ ટુરિઝમ ફેસેલિટી પણ ઊભી કરવામાં આવી છે, જેમાં એડ્વેન્ચર ફેસેલિટી, એક્ઝિબિશન હોલ કમ મ્યુઝિયમ, ત્રણ હજારથી વધારે લોકો બેસી શકે તેવી વ્યવસ્થા સાથેનું પરેડ ગ્રાઉન્ડ, અજય પ્રહારી સ્મારક, ફૂડ કોર્ટ, ઓડિટોરિયમ, એરાઈવલ પ્લાઝા, સોવેનિયર શોપ, જુદા જુદા વોર વેપન તથા ઝીરો પોઈન્ટ પર બેઝિક ટુરિસ્ટ ફેસેલિટી ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે.

Most Popular

To Top