SURAT

VIDEO: પત્નીના બર્થ ડે માટે પરિવાર હોટલમાં જમવા જતો હતો અને અચાનક બ્રિજ પર દોડતી કારમાં આગ લાગી

સુરત(Surat): શહેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર સોમવારે રાત્રે એક દોડતી કારમાં (RunnigCarFire) આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પત્નીના બર્થ ડે સેલિબ્રેશન (BirthDayCelebration) માટે પરિવાર હોટલમાં જમવા જતો હતો ત્યારે અચાનક દોડતી કારમાં આગ ફાટી નીકળી હતી. સદ્દનસીબે પરિવારે આગ વધુ વકરે તે પહેલાં કારની બહાર નીકળી જતા કારમાં બેઠેલા ચારેય જણાનો બચાવ થયો હતો. ફાયર બ્રિગેડે કોલ મળતા જ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અડાજણ અને લાલદરવાજા વિસ્તારને જોડતા ચંદ્રશેખર આઝાદ (જિલાણી) બ્રિજ પર સોમવારે રાતે એક દોડતી કારમાં આગ લાગી ગઈ હતી. કારમાં આગ લાગી હોવાની ઘટનાથી અંદર બેઠેલો પરિવાર અજાણ હતો. બ્રિજ પર દોડતી અન્ય એક બાઈકના ચાલકે કારમાં સવાર લોકોને આગ લાગી હોવા અંગે જાણ કરી હતી. તેથી તાત્કાલિક કારમાં સવાર પરિવારના 4 સભ્યો ચાવી પણ કાઢ્યા વગર હેન્ડબ્રેક લગાવીને બહાર નીકળી ગયા હતા.

સમયસર બહાર નીકળી જતા તમામ બચી ગયા હતા. કારની બહાર નીકળ્યા બાદ ઓઈલ ટેન્કર અને ટાયર ફાટતાં આસપાસમાં અફડાતફડી મચી ગઈ હતી. ફાયરબ્રિગેડે રસ્તો બંધ કરી આગ પર કાબુ મેળવ્યો એ દરમિયાન કાર બળીને ખાક થઈ ગઈ હતી. આગના પગલે રસ્તો બંધ કરી દેવાતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતાં.

વધુમાં મળતી માહિતી અનુસાર આ કાર શૈલેષભાઈ કાકડિયાની માલિકીની હતી. શૈલેષભાઈ સિંગણપોરમાં અક્ષરદીપ સોસાયટીમાં રહે છે. સોમવારે તેમની પત્નીનો બર્થડે હોવાથી પરિવારના ચાર સભ્યો જમવા માટે હોટલ જઈ રહ્યા હતાં. દરમિયાન કારમાં આગ લાગી ગઈ હતી. બોનેટ નીચેથી આગ દેખાતી હોવાની જાણ ડાબી બાજુથી જતા બાઈક ચાલકે કરી હતી, જેથી તાત્કાલિક તમામ લોકો કારની બહાર દોડી ગયા હતા. ત્યાર બાદ આગ વધુ પ્રચંડ બની હતી. જો થોડું મોડું થયું હોત તો અનહોનિ સર્જાઈ જાત.

શૈલેષભાઈ કાકડિયાએ કહ્યું કે, કારનો નંબર જીજે 33 બી 1349 હતો. તે ડિઝલ કાર હતી. 7 વર્ષ જૂની આ કાર માત્ર શહેરમાં જ ઉપયોગમાં લેવામાં આવતી હતી. કાર માત્ર 55 હજાર કિલોમીટર જ ચાલી હતી. ગેસવાળી કાર સળગ્યાના બનાવો સાંભળ્યા હતાં પરંતુ ડિઝલ કારમાં આગ લાગે તે પહેલીવાર જોયું. કારનો વીમો છે. લક્ઝુરિયસ કારમાં આગ લાગી તો ચોક્કસપણે કોઈ ખામી હશે. અમે કંપની પર કેસ કરવાની પણ તૈયારી કરી રહ્યા છીએ.

Most Popular

To Top