Charchapatra

ભારતીય ચલણમાં નોટબંધી સંબંધ આજનો નહિ ૬૯ વર્ષ પુરાણો છે

ભારતમાં ચલણી નોટો પાછો ખેંચવાનો નિર્ણય આડકતરો રાજકીય સંબંધ ખરો.ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અને ત્યાર બાદ ૧૯૭૭માં યોજાયેલી ચૂંટણીમાં જનતા પાર્ટીની ખીચડી સરકારમાં વડા પ્રધાન તરીકે (આપણા ગુજરાતી) મોરારજી દેસાઈ અને બીજા સમર્થન આપનારા સાથીદારોએ અગાઉની સરકાર સામે ભારે ખુન્નસથી કામ લીધું.જેમાં સિલસિલાબદ્ધ અનેક આરોપો લઈને પાઠ ભણાવવા માટે સને-૧૯૭૮માં રૂ.એક હજાર,રૂ.પાંચ હજાર અને રૂ.દસ હજારની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય લેવાયો.કારણ કે આજના ભારતમાં રૂ.પાંચ હજાર કે રૂ.દસ હજારની ચલણી નોટોની એટલા માટે જરૂર ન હતી કે એ વખતે જયારે ૧૦ ગ્રામ સોનાની કિંમત રૂ.૬૯૫/- હતી.

ત્યારે આટલી મોટી ચલણી નોટોની શું જરૂર હોય,યોગાનુયોગ ફરી વાર રૂ.પાંચસો અને રૂ.એક હજારની ચલણી નોટો રદ કરવાનો બીજી વારનો નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લેતાં એ સમયે એકંદરે આવકાર મળ્યો હતો.જેમાં આશય એ હતો કે કાળા નાણાં ઉપરાંત બનાવટી નોટો ત્રાસવાદમાં વપરાતા નાણાંને અંકુશમાં લાવવાનો હતો.  જો કે ચલણમાં રહેલા સિક્કા અને નોટો રદ કરવાનો સિલસિલો આઝાદી પછીનાં થોડાં વર્ષમાં શરૂઆત થઇ હતી.દેશને આઝાદી મળ્યા બાદ રૂપિયો ગાડાના પૈંડા જેટલો રહ્યો હતો.પૈસાને બદલે આનાનું ચલણ હતું.

એક રૂપિયો એટલે સોળ આનામાં વહેંચાયેલો હતો.સૌથી નાનો એકમ હતો,પાઈ,બાર પાઈનો એક આનો થતો હતો.અંગ્રેજો સલ્તનતની વિદાય પછી પણ આના ચલણમાં રહ્યા.રૂપિયાથી ઓછી રકમના સિક્કામાં અડધો (આઠ આના) સહિત ચાર આના,બે આના અને એક આના ઉપલબ્ધ હતા.જો કે ચલણમાં ફેરફારની શરૂઆત ૧૯૫૪થી થઇ.અગાઉ અંગ્રેજી રાજમાં (૧૯૪૬માં) રૂ.એ હજાર અને રૂ.દસ હજારની નોટો ચલણમાંથી રદ કરવામાં આવી હતી.તેમને ૧૯૬૫માં ફરી દાખલ કરવામાં આવતા સાથે રૂ.પાંચ હજારની નોટ પણ નવી મૂકવામાં આવી.બીજા વર્ષે ‘ઇન્ડિયન કોઈનેજ એક્ટ’માં ફેરફાર કરાયો.તા-૧લી એપ્રિલ-૧૯૫૭ થી આખરે આનાનું ચલણ નીકળી ગયું અને પાઈની જગ્યાએ નયા પૈસાએ સ્થાન લીધું.

મેટ્રિક પદ્ધતિ પ્રમાણે એક રૂપિયો ૧૦૦ નયા પૈસાનો બનેલો હતો.૧૯૬૪ની સાલ સુધી રૂપિયાનો સૌથી નાનો એકમ નયા પૈસા તરીકે ઓળખાતો રહ્યો.સમયાંતરે રૂપિયાનું મૂલ્ય તો ઘટતું ગયું. એક,બે અને ત્રણ પૈસાના સિક્કા ચલણમાંથી દૂર થતા ગયા.રૂપિયા,બે રૂપિયાની નોટોનું સ્થાન સિક્કાએ લઇ લીધું.વર્ષ-૧૯૮૭માં પાંચસોની ચલણી નોટ મુકાઈ અને વર્ષ-૨૦૦૦થી રૂ.એક હજારની નોટ અમલમાં આવી હતી.જો કે હાલની સરકારે અગાઉના પાંચ વર્ષમાં રૂ.એક હજારની નોટ નાબૂદ કરીને રૂ.બે હજારની ચલણી નોટ લાવી દીધી છે.
ભરૂચ-વીરેન્દ્રસિંહ અટોદરિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઉચ્ચ નૈતિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ
‘ગુજરાતમિત્ર’ના તારીખ બીજી માર્ચના અંકમાં પ્રથમ પાના પર જ ગ્રીસમાં પેસેન્જર ટ્રેન અને માલગાડી સામસામે અથડાતાં છત્રીસ લોકોનાં મૃત્યુ થયાં હોવાના સમાચાર છપાયા છે. આ સમાચાર વિગતે વાંચતાં એમાંથી એવી હકીકત સાંપડે છે કે આ અકસ્માત થયા બાદ ગ્રીસના પરિવહન મંત્રી કોસ્તાલ કારમાનલિસ બનાવ સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાંનાં દૃશ્યો જોઈ તેઓ અત્યંત ભાવુક થઈ ગયા હતા. આ બનાવ પછી તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને એવું કહ્યું છે કે જે લોકો અયોગ્ય રીતે મૃત્યુ પામ્યાં છે તેમને સન્માન દર્શાવવા માટે રાજીનામું આપવું એ મારી ફરજ છે. આ આખી વાત મંત્રીશ્રી કોસ્તાસે એમના જીવનમાં અપનાવેલી નૈતિકતાનું એ જીવતું જાગતું પ્રતીક છે.
નવસારી – ઈન્તેખાબ અનસારી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top