Charchapatra

ફૂટપાથનો મૂળ હેતુ સચવાવો જોઈએ

સુરતને નં. 1 બનાવવાના મોટેભાગના માપદંડોમાં સુરતના શાસકો, વહીવટકર્તાઓ સતત પ્રયત્નશીલ રહે છે. અને એમાં પ્રજાજનોના જરૂરી સાથ સહકારથી ખરાં પણ ઉતરે છે. જેના કારણે સુરતની ખૂબસૂરતીમાં અને પ્રજાજનોની સગવડમાં ચોક્ક્સ વધારો થયો છે. જેમ કે સુરતના લગભગ બધાજ રોડની બાજુમાં ફૂટપાથ બનાવવામાં આવ્યા છે. સુરતમાં વાહનોની અવરજવર અને ઝડપને ધ્યાનમાં લઈએ તો રાહદારીઓ તેમાંય ખાસ કરીને બાળકો અને વૃધ્ધો માટે તો ફૂટપાથ ખૂબ જ સુખ-સગવડદાયી અને ઉપયોગી છે.

પરંતુ આ ફૂટપાથો પર મોટેભાગે પાન-ગુટકા, ચા, ખાદ્યપદાર્થો, તૈયાર કપડાં કે અન્ય ચીજવસ્તુઓ વેચતા લારી-ગલ્લા, રેંકડીઓ, પાથરણાવાળા ઉપરાંત મજૂરી કરતા કેટલાક લોકો ફૂટપાથ પર રહેતા અને સૂતા જોવા મળે છે. આવા રોટલો અને ઓટલો મેળવતા શ્રમિકો કે રોજગારો માટે કોઈને પણ વાંધો નહીં, પણ સહાનુભૂતિ જ હોય. અહીં આવા લોકોને હેરાન પરેશાન કરવા નહીં પણ શાસકો અને વહીવટકર્તાઓનું ધ્યાન એ બાબત તરફ દોરવાનો પ્રયત્ન છે કે એવી કોઈ વ્યવસ્થા કરવાની જરૂર છે કે જેથી અત્યારે ફૂટપાથ પર આધારિત જે લોકો છે તે પણ સચવાય અને જે હેતુ માટે ફૂટપાથ બનાવવામાં આવી છે તે હેતુ સધાય તથા ફૂટપાથ પર ચાલવાવાળાને રોડ પર ચાલવું ન પડે કે કોઈ અકસ્માતનો ભય ન રહે, રસ્તા ઉપરાંત ફૂટપાથો પર કેટલીક જગ્યાએ (ખાસ કરીને ચાર રસ્તા પર) જ્યાં આવી વસ્તુઓનું વેચાણ થાય છે ત્યાં જે ટ્રાફિક જામ થાય છે કે અકસ્માત થાય છે તેની સંભાવના ઓછી થાય. સાથેસાથે આપણે પ્રજાજનોએ પણ સમજવાની જરૂર છે કે રોડ પર ગમેતેમ આડેધડ વાહન પાર્ક ન કરવું અને માફકસરની ઝડપે કાળજીપૂર્વક વાહન ચલાવી રાહદારીઓનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ.
સુરત     – મિતેશ પારેખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top