SURAT

એક પરિવાર સુરતનાં કાપડ માર્કેટમાં 30 GST રજિસ્ટર્ડ પેઢીઓના નામે કરે છે ઠગાઈ

સુરત: ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (ફોગવા)ના પ્રમુખ અશોક જીરાવાળા(Ashok Jirawala)એ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)ને આવેદનપત્ર મોકલી પ્રિ પ્લાન ઉઠમણાં કરનારા સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી છે. એ સાથે ગુજસીટોક કાયદાની કલમ-24માં સુધારો કરી પોન્ઝી સ્કીમની જેમ વારંવાર આર્થિક ગુના આચરતા ચીટરો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.

  • ફોગવાની ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત: પ્રિ-પ્લાન ઉઠમણાં કરનારા સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરો
  • ગુજસીટોક કાયદાની કલમ-24માં સુધારો કરી પોન્ઝી સ્કીમની જેમ વારંવાર આર્થિક ગુના આચરતા ચીટર્સ સામે કાર્યવાહી કરો : અશોક જીરાવાળા

ફોગવાએ સમગ્ર ગુજરાતમાં આવેલાં 7 લાખ પાવર લૂમ્સ અને 80 હજાર ઓટોમેટિક લૂમ્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા તરીકે આ માંગ કરી છે. જેને 35 વિવિંગ સોસાયટીએ સમર્થન આપ્યું છે. ટેક્સટાઇલ વિવિંગ ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપે છે. ટેક્સટાઇલ ઉદ્યોગ ખેતી પછી સૌથી વધારે રોજગારી આપતો ઉદ્યોગ છે. ટેક્સટાઇલ ઉદ્યોગ રાજ્ય તથા કેન્દ્ર સરકારને ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટ ટેક્સની માતબર રકમ આપે છે. આ જ કાયદાની કલમ 2(d )માં વેપારીઓ સાથે આયોજનબદ્ધ રીતે માલ લઇ કોઈપણ જાતની ચૂકવણી નહીં કરવાના ઈરાદે કોઈ વેપારી પોતાની ઓફિસ બંધ કરી ભાગી જાય અથવા દુકાન ચાલુ રાખી પેમેન્ટ નહીં કરે તેવા કિસ્સાને પણ કલમ 2(a) હેઠળ એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ ગણી ઉમેરો કરવો જોઈએ. હાલમાં આવા આર્થિક અપરાધીઓ ઈ.પી.કો.ની કલમ-406માં રહેલી કાયદાની છટકબારીનો ઉપયોગ કરી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી ભાગી જાય છે અને જ્યારે પકડાઈ જાય તો 10 જ દિવસમાં જામીન મેળવી બીજા આવા ક્રાઇમની તૈયારીમાં લાગી જાય છે.

એક જ પરિવારના ભાઈ, ભત્રીજા, મામા, ભાણિયા સહિતનું કુટુંબ 30 GST રજિસ્ટર્ડ પેઢીઓના નામે ચીટિંગ કરે છે: ફોગવા
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે, એક કિસ્સામાં આખાને આખા પરિવારના સભ્યો આ છેતરપિંડીના ધંધામાં ખૂબ જ સક્રિય છે. પરિવારના ભાઈઓ, ભત્રીજાઓ, મામા, ભાણિયાઓ તથા સગા સંબંધીઓના નામે લગભગ 30 જેટલા જુદી જુદી પેઢીઓનાં જીએસટી રજિસ્ટ્રેશન મેળવી પ્રિપ્લાન ઠગાઈ કરે છે. એટલું જ નહીં વિવર્સ માલનાં નાણાં માંગે તો વકીલ મારફત હેરસમેન્ટની નોટિસ મોકલે છે. કાપડ માર્કેટમાં આવી ઘણી બધી ટોળકીઓ શહેરમાં સક્રિય છે. દરેક ઉઠમણામાં પડદા પાછળનો ખેલાડી અલગ જ હોય છે. ખૂબ જ આયોજનપૂર્વક આખું ષડયંત્ર કરવામાં આવે છે. આ અંગે ખૂબ ઊંડાણમાં જઈ બારીકાઇથી તપાસ કરવામાં આવે તો તેમનાં મૂળ સુધી પહોંચી શકાય તેમ છે. એક-બે કિસ્સામાં મૂળ સુધી તપાસ કરી દોષિતોને સખત સજા કરવામાં આવે તો દાખલો બેસી શકે છે. સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરને માર્કેટમાં ઉઠમણું કરવાના ઈરાદા સાથે કામ કરતા 57 જેટલા વેપારી અને 5 જેટલા દલાલોની યાદી આપવામાં આવી હતી. પરંતુ ફોજદારી અને સિવિલ કાયદાની ગૂંચવણને કારણે યોગ્ય પગલાં ભરી શકાયાં ન હતાં.

ઉઠમણાં કરનારા સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા માંગ
છેલ્લા ઘણા સમયથી સુરતમાં સંગઠિત આર્થિક અપરાધોની સંખ્યા યોગ્ય કાયદાના અભાવે સતત વધતી જાય છે અને ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે, આવા અપરાધીઓના મેળાપીપળામાં આર્થિક અપરાધને લગતા હાલના કાયદાની જોગવાઈ સમજીને અપરાધ કરવામાં આવે છે, તે જોતાં એવું લાગી રહ્યું છે કે આ પ્રકારના અપરાધ એક ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ છે. મોટા ભાગે આવા આર્થિક ગુનેગારો ચોર કોટવાલને દંડે એ રીતે તેમના ભોગ બનેલા વેપારીને કાયદાના ઓથા હેઠળ રંજાડે છે. આવી વિકટ પરિસ્થિતિમાં વેપારીઓનું હિત જાળવવા, ગુજરાત સરકાર દ્વારા ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ હેઠળ કાર્યવાહી કરવા માટે ગુજસીટોક-2015ના કાયદાની કલમ 2 (d ) મુજબ આર્થિક અપરાધની શ્રેણીમાં કાર્યવાહી થવી જોઈએ.

Most Popular

To Top