બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુની આગામી નેટફ્લિક્સ ફિલ્મ ‘ગાંધારી’ રિલીઝ પહેલાં જ કૉપિરાઇટ વિવાદમાં સપડાઈ છે. ફિલ્મની વાર્તા અને કૉન્સેપ્ટ અંગે લેખક કલ્યાણ બાંદીએ ગંભીર આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે ફિલ્મની કહાની તેમના દ્વારા વર્ષો પહેલાં લખાયેલી અને રજિસ્ટર કરાયેલી વાર્તા સાથે ઘણી હદ સુધી મળતી આવે છે. કલ્યાણ બાંદીનો આરોપ ફિલ્મની લેખિકા અને નિર્માતા કનિકા ઢિલ્લોં તરફ છે. બીજી તરફ કનિકા ઢિલ્લોંની પ્રોડક્શન કંપની કથ્થા પિક્ચર્સે આ તમામ આરોપોને ફગાવી દીધા છે અને ફિલ્મને સંપૂર્ણપણે ઓરિજિનલ ગણાવી છે.
શું છે ‘ગાંધારી’ ફિલ્મની કહાની?
તાપસી પન્નુની ‘ગાંધારી’માં તેઓ એક એવી માતાની ભૂમિકા ભજવી રહી છે, જે પોતાની અપહરણ કરાયેલી પુત્રીને બચાવવા માટે સંઘર્ષ કરે છે. ફિલ્મનો વિષય એક માતાની પોતાની સંતાન માટેની લડત અને તેની પાછળ ઊભી થતી ખતરનાક પરિસ્થિતિઓ સાથે જોડાયેલો છે. આ ફિલ્મ કનિકા ઢિલ્લોંએ લખી અને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની જાહેરાત થયા બાદ હવે તેના કૉન્સેપ્ટને લઈને કૉપિરાઇટનો વિવાદ ઊભો થયો છે.
લેખક કલ્યાણ બાંદીનો શું દાવો છે?
કલ્યાણ બાંદી IIT મદ્રાસના પૂર્વ વિદ્યાર્થી છે અને હાલમાં સેન્ટ્રલ GST તથા કસ્ટમ્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે કામ કરે છે. તેમનો દાવો છે કે તેમણે વર્ષ 2019માં ‘ગાંધારી’ નામથી એક વાર્તા લખી હતી અને તેને રજિસ્ટર પણ કરાવી હતી. તેમના જણાવ્યા મુજબ તેમની વાર્તામાં પણ એક માતાની આસપાસની કહાની હતી, જે બાળકોની તસ્કરી કરતા ગેંગના સંપર્કમાં આવ્યા બાદ અત્યંત આક્રમક અને શક્તિશાળી રૂપ ધારણ કરે છે. તેમને આરોપ છે કે તેમની મૂળ વાર્તાના કેટલાક મહત્વપૂર્ણ તત્વો હાલ બની રહેલી ફિલ્મ સાથે મળતા આવે છે.
કલ્યાણ બાંદીના જણાવ્યા પ્રમાણે તેમણે 2019માં પોતાની આ કહાની અંગે મોનિકા શેરગિલનો સંપર્ક કર્યો હતો. તે સમયે મોનિકા શેરગિલ Voot સાથે જોડાયેલા હતા અને હાલમાં નેટફ્લિક્સમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે. બાંદીનો દાવો છે કે તેમણે તેમને પોતાની 8 પાનાની વાર્તા અને 2 પાનાનું ‘ગાંધારી’નું સિનોપ્સિસ મોકલ્યું હતું. તેમની વાર્તા જોવામાં આવી હતી, પરંતુ થોડા સમય બાદ તેમને જણાવાયું હતું કે તે સમયે કંપનીની ફિલ્મોની યાદીમાં આ કહાની યોગ્ય રીતે ફિટ થતી નહોતી.
વાર્તા સ્ક્રીનરાઇટર્સ એસોસિએશનમાં પણ રજિસ્ટર કરાવી
લેખકના જણાવ્યા પ્રમાણે આ સમયગાળા દરમિયાન તેમણે પોતાની વાર્તા અને સિનોપ્સિસને સ્ક્રીનરાઇટર્સ એસોસિએશનમાં પણ રજિસ્ટર કરાવ્યા હતા. ત્યારબાદ તેઓ ઘણા વર્ષો સુધી આ પ્રોજેક્ટ પર કામ કરતા રહ્યા. વર્ષ 2023માં તેમણે હરમન બાવેજાની સ્ટુડિયો કંપની સાથે પણ આ વાર્તાને લઈને વાતચીત કરી હોવાનો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ વાર્તા અને સ્ક્રીનપ્લે અંગે લગભગ પાંચથી છ મહિના સુધી ચર્ચા ચાલી હતી. તેમણે પોતાની વાર્તા જિયો હોટસ્ટારને પણ મોકલી હતી.
2025માં ફિલ્મની જાહેરાત થતાં થયો આઘાત
કલ્યાણ બાંદીના જણાવ્યા પ્રમાણે વર્ષ 2025માં જ્યારે નેટફ્લિક્સ પર ‘ગાંધારી’ ફિલ્મની જાહેરાત થઈ ત્યારે તેઓ ચોંકી ગયા હતા. ફિલ્મનું નામ જોયા બાદ તેમને પોતાની વર્ષો જૂની વાર્તાની યાદ આવી. જોકે તેમણે તરત જ કોઈ નિષ્કર્ષ કાઢ્યો નહોતો. તેમણે ફિલ્મ વિશે વધુ માહિતી એકત્ર કરી અને પોતાની વાર્તા તથા ફિલ્મના કૉન્સેપ્ટની સરખામણી કરી. ત્યાર બાદ તેમને લાગ્યું કે બંનેમાં એટલી સમાનતાઓ છે કે આ મુદ્દો ઉઠાવવો જરૂરી છે.લેખક માટે ફિલ્મનું ‘ગાંધારી’ નામ પણ ખાસ મહત્વ ધરાવે છે. તેમનો દાવો છે કે તેમણે પોતાની વાર્તાના કૉન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આ નામ પસંદ કર્યું હતું. તેથી જ્યારે બીજી ફિલ્મ પણ આ જ નામથી જાહેર થઈ ત્યારે તેમને આ બાબત વધુ ગંભીર લાગી.
કાનૂની નોટિસમાં માગ્યા હતા 40 લાખ રૂપિયા
કલ્યાણ બાંદીનો દાવો છે કે તેમણે સપ્ટેમ્બર 2025માં કાનૂની નોટિસ મોકલી હતી. આ નોટિસમાં તેમણે પોતાની વાર્તાનો કથિત રીતે પરવાનગી વિના ઉપયોગ કરવા બદલ વળતર અને વાર્તા માટે યોગ્ય ક્રેડિટની માગણી કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે નોટિસમાં કુલ આશરે 40 લાખ રૂપિયાના વળતરની માગણી કરવામાં આવી હતી. તેમાં પ્રતિષ્ઠાને થયેલું નુકસાન, માનસિક તણાવ અને કાનૂની ખર્ચનો પણ ઉલ્લેખ હતો.જોકે, બાંદીનું કહેવું છે કે હવે તેમને પૈસાની ખાસ ઇચ્છા નથી. તેમના માટે સૌથી મહત્વની બાબત એ છે કે જો તેમની વાર્તાનો ઉપયોગ થયો હોય તો તેમને યોગ્ય ક્રેડિટ આપવામાં આવે. તેઓ તો એવું પણ કહે છે કે જો કોઈ પુરાવા દ્વારા સાબિત થાય કે ફિલ્મની કહાની તેમની નથી, તો તેઓ તે વાત સ્વીકારવા પણ તૈયાર છે.
કનિકા ઢિલ્લોંની કંપનીએ આરોપો ફગાવ્યા
બીજી તરફ કનિકા ઢિલ્લોંની પ્રોડક્શન કંપની કથ્થા પિક્ચર્સે કલ્યાણ બાંદીના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ‘ગાંધારી’ એક ઓરિજિનલ ફિલ્મ છે અને તેની વાર્તા તથા સ્ક્રીનપ્લે કનિકા ઢિલ્લોંનું પોતાનું સર્જન છે. કંપનીએ આરોપોને ખોટા ગણાવીને મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અપીલ કરી છે કે પૂરતી પુષ્ટિ વિના આ દાવાઓને સાચા માનીને આગળ ન ફેલાવવામાં આવે.
નેટફ્લિક્સ તરફથી હજુ કોઈ જવાબ નહીં
આ મામલે ઇન્ડિયા ટુડેએ નેટફ્લિક્સ અને મોનિકા શેરગિલનો પણ સંપર્ક કરીને કલ્યાણ બાંદીના આરોપો અંગે તેમનો પક્ષ જાણવા પ્રયાસ કર્યો હતો. જોકે અહેવાલ પ્રકાશિત થયો ત્યાં સુધી તેમની તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નહોતી. એટલે હાલ આ સમગ્ર મામલામાં એક તરફ લેખકના ગંભીર આરોપો છે અને બીજી તરફ કથ્થા પિક્ચર્સ દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટ ઇનકાર છે.હાલ ‘ગાંધારી’ની વાર્તા ખરેખર કોઈ અગાઉની રચનાથી કૉપિ કરવામાં આવી છે કે બંને કૉન્સેપ્ટમાં માત્ર સમાનતા છે, તે અંગે અંતિમ નિર્ણય થયો નથી. લેખક દ્વારા કરવામાં આવેલા દાવા અને પ્રોડક્શન હાઉસના ઇનકાર વચ્ચે હવે કાનૂની અને કૉપિરાઇટ સંબંધિત પુરાવાઓ મહત્વપૂર્ણ બનશે. ફિલ્મ રિલીઝ પહેલાં જ ઊભેલો આ વિવાદ હવે ‘ગાંધારી’ને લઈને દર્શકોની ઉત્સુકતા સાથે ફિલ્મની વાર્તાના અધિકાર અંગેની ચર્ચાને પણ વધુ વેગ આપી રહ્યો છે.