Gujarat

બારડોલીના ટીંબરવા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની રાત્રિ સભા:પ્રાકૃતિક ખેતી,કન્યા કેળવણી અને વ્યસનમુક્તિનો સંદેશ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ટીંબરવા ગામની મુલાકાત દરમિયાન ગામના ચોકમાં રાત્રિ સભા યોજી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે ગ્રામજનો સાથે કન્યા કેળવણી, પ્રાકૃતિક કૃષિ, ગૌ સંવર્ધન, સ્વચ્છતા, પર્યાવરણ જતન, જળસંચય, જીવનમૂલ્યો અને સામાજિક સમરસતા જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

રાત્રિ સભાને સંબોધતા રાજ્યપાલએ બાળકોને દેશનું ભવિષ્ય ગણાવી ‘દીકરો-દીકરી એક સમાન’ ના સંકલ્પ સાથે બંનેના શિક્ષણ અને ઉછેરમાં સમાનતા રાખવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દીકરા અને દીકરી બંનેને ઉચ્ચ શિક્ષણની સમાન તકો મળવી જોઈએ. સમાજમાં જાતિગત ભેદભાવ દૂર કરી માનવતાને વધુ વ્યાપક બનાવવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો.

બાળકોને વ્યસનથી દૂર રાખવાની અપીલ
રાજ્યપાલએ વાલીઓને પોતાના બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે બાળકો સાથે માતા-પિતાનો સંબંધ એવો હોવો જોઈએ કે પોતાના જીવન સાથે જોડાયેલી કોઈપણ વાત કે સમસ્યા નિઃસંકોચપણે પરિવાર સમક્ષ રજૂ કરી શકે.તેમણે ખાસ કરીને બાળકોને વ્યસનથી દૂર રાખવા માટે વાલીઓ અને સમાજની જવાબદારી પર ભાર મૂક્યો હતો. ‘સંગ તેવો રંગ’ની કહેવતનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે કુસંગના કારણે બાળકો વ્યસન અને દુર્વ્યવહાર તરફ વળી શકે છે, જેના કારણે તેમનું ભવિષ્ય બરબાદ થવાની શક્યતા રહે છે. તેથી માતા-પિતાએ બાળકોની રહેણીકરણી, મિત્રવર્તુળ અને વર્તન પર ધ્યાન રાખવું જોઈએ.

રાજ્યપાલએ વાલીઓને બાળકોના જીવન સંબંધિત પ્રશ્નોને સમજવાનો અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવાનો અનુરોધ કર્યો હતો. બાળકોના વિચારો જાણવા અને તેમની સાથે ખુલ્લા મનથી વાતચીત કરવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલરાત્રિ સભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને રાસાયણિક ખેતીમાંથી બહાર આવી ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે અપીલ કરી હતી. તેમણે હરિયાણાના કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુલમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાના પોતાના અનુભવો ગ્રામજનો સાથે વહેંચ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે પશુપાલન વિના ખેતીને સંપૂર્ણ રીતે પ્રાકૃતિક બનાવી શકાય નહીં. તેમના મતે પ્રાકૃતિક ખેતી માટે ગૌપાલન અને પશુપાલન મહત્વપૂર્ણ છે. તેમણે દેશી ગાયના મહત્વ અંગે પણ વાત કરી હતી અને ગાયોની સુધારેલી નસલ સાથે જોડાયેલા પોતાના અનુભવો ગ્રામજનો સમક્ષ રજૂ કર્યા હતા.

રાસાયણિક ખાતરથી જમીનની ફળદ્રુપતા ઘટવાની ચિંતા
રાજ્યપાલએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીની જમીન ખૂબ જ ફળદ્રુપ છે અને અહીં પ્રાકૃતિક ખેતી માટે વિશાળ સંભાવનાઓ રહેલી છે. જોકે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિશય ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા પર નકારાત્મક અસર થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.ખેડૂતોને હવે ખેતીની પદ્ધતિ અંગે જાગૃત થવાનો સમય આવી ગયો હોવાનું જણાવતાં તેમણે પ્રાકૃતિક ખેતી તરફ ધીમે-ધીમે આગળ વધવા સલાહ આપી હતી. શરૂઆતમાં પોતાના ઘરવપરાશ માટે શાકભાજીનું ઉત્પાદન પ્રાકૃતિક પદ્ધતિથી શરૂ કરી ત્યારબાદ સમગ્ર ખેતરમાં આ પદ્ધતિ અપનાવી શકાય છે તેમ તેમણે જણાવ્યું હતું.રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક રીતે ઉત્પાદિત ખેતપેદાશોને રસાયણમુક્ત અને આરોગ્ય માટે લાભદાયક ગણાવી ખેડૂતોને દેશી ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રોત્સાહિત કર્યા હતા.

દીકરો-દીકરી એક સમાન’નો સંદેશ
સભામાં કન્યા કેળવણીને વિશેષ મહત્વ આપતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે સમાજના વિકાસ માટે દીકરીઓનું શિક્ષણ અત્યંત જરૂરી છે. દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વિના બંનેને શિક્ષણ, ઉછેર અને આગળ વધવાની સમાન તકો આપવી જોઈએ.તેમણે કહ્યું હતું કે આજના બાળકો જ આવતીકાલના દેશના નાગરિક અને નેતા બનવાના છે. તેથી તેમના શિક્ષણ સાથે સંસ્કાર, જીવનમૂલ્યો અને જવાબદારીની ભાવના વિકસાવવી પણ એટલી જ જરૂરી છે.

વધુમાં વધુ વૃક્ષારોપણ અને સ્વચ્છતા પર ભાર
રાજ્યપાલએ પર્યાવરણ સંરક્ષણને પણ પોતાના સંબોધનમાં મહત્વ આપ્યું હતું. તેમણે ગ્રામજનોને આવનારી પેઢી માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરી હતી. પર્યાવરણનું જતન માત્ર સરકારની જવાબદારી નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું.સાથે જ તેમણે ગામમાં સ્વચ્છતાને માત્ર અભિયાન નહીં પરંતુ જીવનનો સંસ્કાર બનાવવાની અપીલ કરી હતી. સ્વચ્છતા, જળસંચય અને પર્યાવરણ જતન જેવા મુદ્દાઓમાં ગ્રામજનોની સક્રિય ભાગીદારીથી ગામનો સર્વાંગી વિકાસ શક્ય બને છે તેમ તેમણે જણાવ્યું હતું.

વિકસિત ભારત માટે ગ્રામજનોના યોગદાનની અપેક્ષા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં ગ્રામજનોની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી હતી. શિક્ષણ, ખેતી, સ્વચ્છતા, પર્યાવરણ, જળસંચય અને સામાજિક સમરસતા જેવા ક્ષેત્રોમાં ગામડાંના લોકો સક્રિય યોગદાન આપે તો દેશના વિકાસને વધુ ગતિ મળી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું.ટીંબરવા ગામની આ રાત્રિ સભા દરમિયાન રાજ્યપાલશ્રીએ માત્ર સંબોધન જ નહીં પરંતુ ગ્રામજનો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. ગ્રામજનોના પ્રશ્નો અને સ્થાનિક સ્તરની બાબતો અંગે તેમણે વાતચીત કરી હતી. આ કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો સાથે રાજ્યપાલશ્રીનો આત્મીય સંપર્ક જોવા મળ્યો હતો.

અધિકારીઓ અને ગ્રામજનો રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે ધારાસભ્ય મોહન ઢોડિયા, સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા, નાયબ વન સંરક્ષક ધીરજ કુમાર, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-ગાંધીનગરના સંયુક્ત ખેતી નિયામક એન.જી. ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી. પ્રજાપતિ, પ્રાંત અધિકારી આર.જે. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીત, અગ્રણી ભાવેશ પટેલ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ટીંબરવા ગામની રાત્રિ સભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શિક્ષણથી લઈને ખેતી, પર્યાવરણથી લઈને વ્યસનમુક્તિ અને સામાજિક સમરસતા સુધીના વિવિધ મુદ્દાઓ પર ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને ‘દીકરો-દીકરી એક સમાન’, પ્રાકૃતિક ખેતી અને આવનારી પેઢી માટે વૃક્ષારોપણ જેવા સંદેશો કાર્યક્રમના મુખ્ય કેન્દ્રમાં રહ્યા હતા.

Most Popular

To Top