Columns

સુરતના ‘સ્વયંભૂ’ પ્રગટ મહાદેવ

શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજવા માંડ્યા છે. શ્રવણ શબ્દ પરથી શ્રાવણ શબ્દ આવ્યો હોવાથી શ્રાવણમાં પૂજાની સાથે-સાથે શ્રવણ કરવાનો ખૂબ મહિમા છે. શ્રાવણ માસમાં અનેક સ્થળે કથાના આયોજનો કરવામાં આવે છે. મંદિરોમાં શિવલિંગની વિશેષ પૂજાના આયોજનો કરવામાં આવે છે. શિવપુરાણ સાંભળો કે શ્રીમદ ભાગવતજી શ્રવણ કરો કે કોઈ પણ શાસ્ત્રનું શ્રાવણ મહિનામાં શ્રવણ કરો તો તેનું અનેકગણું ફળ મહાદેવજી આપે છે. શ્રાવણને મહાદેવનો મહિનો કહેવાય છે. શ્રાવણ મહિનાની શરૂઆત સાથે હિંદુ ધર્મમાં તહેવારોની સિઝન શરૂ થાય છે અને તે દિવાળી સુધી ચાલુ રહે છે. શ્રાવણ મહિનાનો મહિમા શિવભક્તોમાં વિશેષ હોય છે.ત્યારે સુરતમાં અનેક મહાદેવના મંદિર એવા છે કે જેના શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયા હોય. ચાલો આપણે જાણીએ સુરતના એવા મહાદેવના મંદિરો વિશે કે જ્યાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા છે .

સૌથી પ્રાચીન છે કંતારેશ્વર મહાદેવ મંદિર
સુરતમાં અનેક શિવાલયોમાં સૌથી પ્રાચીન કતારગામનું કંતારેશ્વર મહાદેવ મંદિર છે. 7 હજાર વર્ષ પુરાણું મંદિર હોવાનું કહેવાય છે. પૌરાણિક સમયમાં અહીં કપિલમુનિ ભગવાનનો આશ્રમ હતો તેમ પણ કહેવાય છે. કપિલમુનિએ ભાદરવા વડ-6ના દિવસે અહીં તેજોમય શિવલિંગની સ્થાપના કરી હતી. આ મંદિરના પરિસરમાં એક વિશાળ કુંડ આવેલો છે. તેમાં ઊતરવા માટે પગથિયાં બનાવવામાં આવેલાં છે. કુંડના દર્શનથી લાખો લોકો પાવન થાય છે. આ મંદિરનું મહાત્મ્ય ખૂબ જ છે. અહીં દૂર-દૂરના ગામડાઓમાંથી પણ શિવભક્તો આવે છે. શ્રાવણ સોમવારે તો મેળો ભરાયો હોય એવું લાગે. સંતાનપ્રાપ્તિ માટેની માનતા માનવામાં આવે છે. મકાન બને તે માટે પણ ભક્તો માનતા માને છે. ઘરની માનતા પૂરી થાય તો અહીં ચાંદીનું મકાન મૂકી ભગવાનનો આભાર માને છે. રોજના હજારોની સંખ્યામાં શિવજીને બીલીપત્રો ચઢાવાય છે અને દૂધનો અભિષેક કરાય છે

રુદ્રાક્ષ જેવા શિવલિંગ ઉપરથી મંદિરનું નામ રૂંઢનાથ મહાદેવ પડ્યું
સુરત તાપી નદીના કિનારે આવેલ એક અતિ પ્રાચીન શહેર છે. જેના ઉત્તર ભાગમાંથી સતત તાપી નદીનો પ્રવાહ વહેતો રહ્યો છે. જેને પરિણામે સુરતની પ્રગતિ સૈકાઓથી દિનપ્રતિદિન વધારે ને વધારે થતી રહી છે. એવી તાપીમૈયાના કિનારે અતિ પ્રાચીન એવાં ઘણાં શિવમંદિરો આવેલાં છે. તેમાં પ્રકૃતિ તથા વાસ્તુશાસ્ત્ર મુજબ ગોઠવાયેલ સ્વયંભૂ શિવલિંગ ધરાવતું એક રૂંઢનાથ મહાદેવનું મંદિર સુરત ડુમસ રોડ પર આવેલા રૂંઢ (મગદલ્લા) ગામે આવેલું છે. જેમાં એકમુખી રુદ્રાક્ષ જેવું આકર્ષક શિવલિંગ 400થી 500 વર્ષ જૂનું સ્વયંભૂ શિવલિંગ છે. અહીં 250થી 300 વર્ષ જૂની વણઝારી વાવ પણ આવેલી છે. જેમાં આજે પણ ઠંડું મીઠું પાણી છે. રુદ્રાક્ષ જેવા શિવલિંગ ઉપરથી મંદિરનું નામ રૂંઢનાથ મહાદેવ થઈ ગયું હોય એવું લાગે છે અને રૂંઢનાથ મહાદેવ ઉપરથી મગદલ્લા ગામના એક ભાગનું નામ રૂંઢ ગામ પડ્યું હોવું જોઈએ. આ મંદિરમાં રોજના 500થી 600 ભક્તો દર્શન માટે આવે છે. જ્યારે શ્રાવણ મહિનામાં 3 થી 5 હજાર શિવભક્તો આવે છે. ભગવાન જે થાળમાં બેઠા હોય એને જળાધારી કહેવાય. ભક્તોએ માનેલી માનતા પૂરી થાય એટલે 150 લિટર દૂધથી ભગવાનનું થાળ ભરી દે. 200 થી 250 ઘઉં અને ચોખાની જળાધારી કરે. શીરો પણ ચઢાવવામાં આવે છે.

કુરુનાં તપોબળથી રચાયેલું જહાંગીરપુરાનું કુરુરાજેશ્વર મહાદેવ મંદિર
તાપી મહાત્મ્યમાંની કથાના ટૂંકસાર પ્રમાણે તાપીના પુત્ર કુરુએ વારીતાપ્યની પશ્ચિમે જે સ્થાને તપ કર્યું હતું તે કુરુક્ષેત્ર નામે ઓળખાય છે. કૃમિરૂપ બનેલા જીવો પણ સ્વર્ગે જાય છે. જળના સેવનથી પરબ્રહ્મમાં લીન થાય છે. તાપીના જળનો માત્ર કોગળો ઘૂંટડો ગળવાથી પણ ઇચ્છામુકત થાય છે. જે માનવીના નખો- વાળ – દાંત – હાડકાં તાપીના જળમાં પડે તો તે દિવ્યરૂપ ધરી ઇન્દ્રના આતિથ્યને પામે છે. આવી સ્તુતિ સાંભળી પ્રસન્ન થયેલા તાપીએ વહાલા પુત્ર કુરૂને કહ્યું ત્રણ જગતમાં દુર્લભ હોય તે આજે તને આપું છું. કુરુએ કહ્યું, મા તમે પ્રસન્ન થયા હોય તો ત્રણે ભુવનમાં મારી ચિરકાળ કીર્તિ રહે તેમ કરો. ત્યારે તાપી બોલ્યા હે પુત્ર, કુરુ નામથી આ તારું ક્ષેત્ર પ્રસિધ્ધ થશે. પૃથ્વી પર જે લોકો કુરુક્ષેત્ર જાય તેઓ પાપ કર્મમાં તત્પર હોય છતાં પણ પુત્રની પેઠે તેનો હું ઉદ્ધાર કરું છુ. તારા નામના તીર્થમાં દાન કરે તેને સો ગણું – હજાર ગણું ફળ મળે. અહીં વિવિધ પ્રકારના શ્રાદ્ધ – પિતૃઓનું તર્પણ કરે. ખાસ કરીને પીંડદાન કરે તેની અક્ષમ ગતિ થાય છે. સરસ્વતી કિનારે તથા સુંદરક્ષેત્ર કુરુક્ષેત્ર (દિલ્હી પાસે) સૂર્યગ્રહણ સમયે સ્નાન કરે અને જે ફળ મળે તેનાથી કરોડ ગણું ફળ અહીં તાપી – કુરુના સંગમ સ્થળ પર સ્નાન માત્રથી મળે… અડસઠ તીર્થો કરવાથી જે ફળ મળે તેટલું જ ફળ – માત્ર તાપી કિનારે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી મળશે. આમ આ ક્ષેત્ર તારા નામથી પ્રસિધ્ધ થશે. મા તાપીની કૃપા – આશિષથી પુત્ર કુરુએ પોતાના મનોરથની સિદ્ધિ મેળવી અને લોકોને હંમેશનું મોક્ષ આપનારું આ તીર્થરાજ બનાવ્યું.

75 વર્ષ પહેલાં બન્યું હતું ઇચ્છાનાથ મહાદેવ મંદિર
અઠવાલાઈન્સમાં આવેલું ઇચ્છાનાથ મહાદેવ મંદિર 75 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે સુરતના એક કલેકટરની પત્ની બીમાર હતી. કલેકટરને સપનું આવ્યું હતું કે પરેડ ગ્રાઉન્ડના સામે શિવલિંગ છે તેનું જીર્ણોદ્ધાર કરાવો. અહીં શિવલિંગ અંદરની સાઈડમાં હતું. તે સમયે અહીંયા ઝાડી-ઝાંખરા હતા. અહીં શિવલિંગ કાઢવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ શિવલિંગ નહીં નીકળ્યું. તેજ અવસ્થામાં અહીં મંદિર લોકોના આર્થિક સહયોગથી બનાવવામાં આવ્યું હતું. મંદિર બનાવતા દોઢ વર્ષ લાગ્યા હતા. અહીં આવતા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ વિસ્તારમાં અંબિકાનિકેતન મંદિરમાં દર્શને આવતાં ભક્તોનો નિયમ જ છે કે ઇચ્છાનાથ મંદિરમાં ભગવાન શિવના દર્શન કરવા.

ઈચ્છાપૂર્તિ કરતા હોવાથી ઈચ્છાનાથ મંદિર નામ પડ્યુ: રામક્રિષ્ન ઉપાધ્યાય
મંદિરનાં પૂજારી રામક્રિષ્ન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ મંદિરમાં ઈચ્છપૂર્તી થતી હોવાથી મંદિરનું નામ ઈચ્છાનાથ મહાદેવનુ મંદિર છે. આ મંદિરમાં સુરત શહેરનાં અલગ-અલગ વિસ્તારનાં ભક્તો તો આવે જ છે સાથે શહેરના આસપાસના ગામડાઓમાંથી પણ શિવભક્તો આવે છે. શ્રાવણ મહિનામાં અહીં કાવડીયા જળાભિષેક કરે છે. શિવલિંગની અંદર શિવલિંગનું તેમને સપનું આવતું હતું. જેથી મંદિરના પૂજારી તરીકે 10 વર્ષ પહેલા વડોદરાથી આવ્યા હતા.

700 વર્ષ જૂનું છે તપ્તેશ્વર મહાદેવ મંદિર
નાનપુરામાં આવેલા અંદાજે 700 વર્ષ જૂના તપ્તેશ્વર મહાદેવ મંદિરનું દક્ષિણામુખી શિવલિંગ ભક્તોની ઈચ્છા પૂરી કરતું હોવાની માન્યતા છે. એવું કહેવાય છે કે 700 વર્ષ પહેલાં ભાવનગરના રાજા વ્યાપાર માટે સુરત આવ્યા હતા. રાતવાસો દરમિયાન મહાદેવે સપનામાં આવીને હાલના મહાદેવ મંદિરની જગ્યાએ શિવલિંગ હોવાનું જણાવી જીર્ણોદ્ધાર કરાવવાનો આદેશ આપ્યો હતો. રાજાએ શિવલિંગ શોધીને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. રાજાએ અહીં એક રાત્રીનું તપ કર્યું હોવાથી તપ્તેશ્વર મહાદેવ મંદિર નામ પડ્યું. આ મંદિર શિવભક્તોમાં ઘણું મહાત્મ્ય ધરાવે છે. આ મંદિરના મહારાજ કિરીટદત્ત શુક્લનું કહેવું છે કે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવનાર ભક્તો અહીં આવીને ભગવાન મહાદેવના આશીર્વાદ લે છે. સંતાન માટે માનતા રાખે છે અને તે પૂરી થતાં બાળકને પગે લગાડવા અહીં લઈ આવે છે. શ્રાવણમાં ભક્તો રોજના 30 હજાર જેટલાં બીલીપત્રો ચઢાવે છે. બાકીના દિવસોમાં રોજના 5 હજાર જેટલાં બીલીપત્રો ચઢાવવામાં આવે છે.

Most Popular

To Top