SURAT

સુરતમાં પુત્ર અને પુત્રવધુએ બેંકની એફડી પોતાના નામે કરવા વૃદ્ધ માતા સાર્થે કર્યું આવું

સુરત: (Surat) જહાંગીરપુરામાં રહેતી વૃદ્ધાએ 2.50 લાખની એફડી પુત્રના નામે કરવાની ના પાડતા પુત્ર (Son) અને પુત્રવધૂએ વૃદ્ધાને ગાળો આપી કાપી નાખીને જાનથી મારવાની ધમકી આપી હતી. વૃદ્ધાએ જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ (Police Complaint) નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. જહાંગીરપુરા ખાતે નક્ષત્ર નેબુલામાં રહેતા 66 વર્ષીય નિલાબેન પ્રવિણભાઈ ટેલર છેલ્લા એક અઠવાડિયાથી ઉધના હરિનગરમાં તેમની દિકરી અને જમાઈના ઘરે રહે છે. નિલાબેને તેમના પુત્ર પરિક્ષીત અને પુત્રવધુ નિપાબેનની સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પુત્રએ માતાના નામે રહેલી 2.50 લાખની એફડી પોતાના નામે ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. જોકે નિલાબેને પુત્રના નામે એફડી કરવા ઇનકાર કરતા પુત્ર પરિક્ષીત અને પુત્રવધૂ નિપાબેને વૃદ્ધાને ગાળો આપી જાનથી મારવાની ધમકી આપી હતી. ‘તું મને કહ્યા વગર ગમે તે નિર્ણય લે છે તે ચાલશે નહીં, તારી એફડી તોડાવી નાખ અને તેના રૂપિયા મને આપવા પડશે’. મકાનના કાગળો મારા એકલાના નામે કરવા પડશે’ તેવું કહી ગાળો આપી હતી. જેથી નિલાબેને પુત્ર અને પુત્રવધૂની સામે ફરિયાદ નોંધાવતા ગઈકાલે પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

વેસુમાં સ્નેચરોનો તરખાટઃ આધેડ મહિલાના ગળામાંથી ચેઈન આંચકી ફરાર
સુરતઃ વેસુ ખાતે છેલ્લા ઘણા સમયથી સ્નેચરોનો તરખાટ વધી જતા લોકો ભયના માહોલ વચ્ચે રસ્તે ફરી રહ્યા છે. હાલમાં જ સી.બી. પટેલ રોડ પર આધેડ મહિલાને નિશાન બનાવી હતી. ગળામાંથી સોનાની ચેઈન આંચકતા અડધી ચેઈન હાથમાં આવતા સ્નેચર તે લઈને ભાગી ગયો હતો.

ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતે સી.બી. પટેલ રોડ પર રાજહંસ સિનેફોનીયો કોમ્પ્લેક્ષમાં ફ્લેટ નં. 1305 માં રહેતા ૫૫ વર્ષીય મનિષા ભીખન ચૌધરી ગઈકાલે સાંજે ઘર નજીક મંગલમ હાઇટ્સની સામે મહાદેવજીના મંદિરે પગપાળા જવા નીકળ્યા હતા. મનિષાબેન મંગલમ હાઇટ્સ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઇક પર સ્નેચર ઘસી આવ્યો હતો. મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચતા ચેઇન અડધી તૂટી ગઈ હતી. એટલામાં મહિલાએ બૂમાબૂમ કરતા અડધી ચેઇન સ્નેચર આંચકીને ભાગી ગયો હતો. ઘટના અંગે મનિષાબેને ઉમરા પોલીસ સ્ટેશનમાં સોનાની અડધી ચેઇન કિંમત રૂ. 65 હજારની સ્નેચિંગ અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વેસુ વીઆઇપી રોડ પર રાત્રે સવા અગિયાર વાગ્યે યુવતીનો મોબાઇલ સ્નેચિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતીએ મોબાઇલ ફીટ પકડી રાખ્યો હોવાથી સ્નેચર અસફળ રહ્યો હતો. આ પહેલા પણ હાલમાં જ ૧૫ મિનીટના અંતરે સ્નેચિંગની બે ઘટના બની હતી.

Most Popular

To Top