SURAT

ગેસ ભરેલા 25 બોટલ લઈ ટેમ્પો જતો હતો અને એકાએક સળગી ઉઠ્યો, સુરતના ઓવરબ્રિજ પર દોડધામ મચી ગઈ

સુરત: વરાછાના ગંગેશ્વર સોસાયટી પાસેના ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થઈ રહેલા ગેસની બોટલો ભરેલા છોટા હાથી ટેમ્પામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. જેથી ત્યાં દોડધામ મચી ગઇ હતી. જોકે સમયસર ફાયર વિભાગને જાણ થતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી.

ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વરાછાના ગંગેશ્વર સોસાયટીની સામે આવેલા ફ્લાયઓવર બ્રિજ પાસેથી ગુરૂવારે બપોરે 1 વાગ્યે ભારત ગેસ કોર્મશિયલ કંપનીનો છોટા હાથી ટેમ્પામાં ગેસની બોટલો લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ટેમ્પામાં અચાનક કોઇ કારણોસર આગ ફાટી નીકળી હતી.

  • ટેમ્પામાંથી 25 ભરેલી ગેસની બોટલ તેમજ 24 ખાલી બોટલ મળીને કુલ 49 બોટલો બહાર કઢાયા
  • ટેમ્પાના બોનેટમાં આગ લાગ્યા બાદ કેબિન બળીને ખાખ, ટેમ્પા ચાલક ભાગી ગયો
  • વરાછા ઓવરબ્રિજને થોડા સમયમાં માટે બંધ કરાયો, મોટી દુર્ઘટના ટળી

ગેસની બોટલ ભરેલા ટેમ્પોમાં આગ લાગતા આજુબાજુ પસાર થતાં વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં કાપોદ્રા સ્ટેશનના વિનોદ રોજીવાડિયા સહિત ઘાંચીશેરી અને મોટાવરાછા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યાં ફાયર જવાનોએ આગ પર પંદરેક મિનિટ સુધી સતત પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી.

સદનસીબે ભરેલા ગેસની બોટલમાં બ્લાસ્ટ નહીં થતાં મોટી દુર્ઘટના ટળી

કાપોદ્રા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે આગમાં છોટા હાથી ટેમ્પાના બોનેટના આગળના ભાગે આગ લાગતા તે બળીને ખાખ થઇ ગયો હતો. ટેમ્પામાંથી 25 ભરેલા ગેસના બોટલ તેમજ 24 ખાલી બોટલ મળીને કુલ 49 બોટલો બહાર કઢાયા હતા. સદનસીબે ભરેલા ગેસની બોટલમાં બ્લાસ્ટ નહીં થતાં મોટી દુર્ઘટના ટળી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતો. જો કે ટેમ્પો ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ટેમ્પાનો કબજો કાપોદ્રા પીઆઇને સોંપી દેવાયો હતો. ટેમ્પામાં આગ ક્યા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. દુર્ઘટનાને પગલે ઓવરબ્રિજના બન્ને રૂટ બંધ કરીને પાણીનો મારો ચલાવ્યો હતો.

Most Popular

To Top