SURAT

ટૂંક સમયમાં સુરત મનપા દ્વારા કરાશે સીરો સર્વે, લોકોની હર્ડ ઇમ્યુનિટી જાણવા મદદરૂપ થશે આ સર્વે

સુરત: (Surat) સુરત શહેરમાં કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં સીરો સર્વે (Sero Survey) હાથ ધરવામાં આવશે. અલગ અલગ ઉંમરના અલગ અલગ વિસ્તારના લોકોનો સીરો સર્વે પાલિકા દ્વારા કરવામાં આવશે. આ સર્વે દ્વારા જાણી શકાશે કે સુરતના કેટલા ટકા લોકોમાં એન્ટીબોડી ડેવલપ થઈ છે અને કેટલા લોકોને કોરોના થઈ ચુક્યો છે. ઉપરાંત કેટલા લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ છે. કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણની ત્રીજી લહેરની શક્યતાને જોતા આ કામગીરી ઝડપથી કરવામાં આવનાર છે. સીરો સર્વે કોરોના સંક્રમણને રોકવા માટે પણ ખૂબ જ મદદરૂપ પુરવાર થઈ શકે છે. લોકોની એન્ટીબોડી અંગેની તમામ માહિતી મેળવીને કોરોના સંક્રમણ નિયંત્રણમાં લાવવા માટે તે દિશામાં નક્કર કામગીરી થઇ શકે છે.

પાલિકા દ્વારા આ સર્વેને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. જેના આધારે વ્યક્તિની શારીરિક સ્વસ્થતા અંગે ઊંડાણપૂર્વકની માહિતી મળી શકશે. સુરત કોર્પોરેશન દ્વારા કેટલાક ચોક્કસ સંખ્યામાં સેમ્પલો ભેગા કરીને સમગ્ર શહેરનો એન્ટીબોડી અંગેનો સીરો સર્વે શરૂ કરવામાં આવશે. 50 ટીમો બનાવીને આ કામગીરી શરૂ કરાશે. જેમાં 5થી 9 વર્ષના 200 બાળકો, 10થી 18 વર્ષના 400 કિશોર-કિશોરીઓ, 18 વર્ષથી વધુ ઉંમરના 600 પુરુષ તેમજ 18 વર્ષથી વધુ ઉંમરની 600 મહિલાઓનો સર્વેમાં સમાવેશ કરવામાં આવશે.

આ માટે પાલિકા દ્વારા અમુક કલસ્ટર એરિયાની પસંદગી કરવામાં આવી છે. જ્યાં લોકોની સહમતિ સાથે તેઓનું સીરો સર્વે હાથ ધરવામાં આવશે. પાલિકા દ્વારા લગભગ એક અઠવાડિયામાં આ સર્વે પુરો કરાય તેવી શક્યતા છે. સર્વે પુરો કરાયા બાદ તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે.

લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ છે કે નહીં તે જાણી શકાશે- ડો.પ્રદીપ ઉમરીગર, મનપા આરોગ્ય અધિકારી

સુરત કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું કે સીરો સર્વેની કામગીરી સુરત સહિત અન્ય ચાર જિલ્લાઓમાં પણ શરૂ કરવામાં આવી છે. 50 ટીમ બનાવીને 1800 જેટલા સેમ્પલ લેવામાં આવશે. ચારથી પાંચ દિવસમાં સર્વેની કામગીરી કરાશે. જેમાં વેક્સિન લેનાર વ્યક્તિ, જેને કોરોના થઈ ચુક્યો છે અને જેને કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તેવા બધા જ પ્રકારના લોકોનો સર્વે કરાશે. આ સર્વેના આધારે જાણી શકાશે કે સુરતમાં કેટલા લોકોમાં એન્ટીબોડી ડેવલપ થઈ છે. એટલું જ નહીં લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ છે કે નહીં તે પણ જાણી શકાશે.

સીરો સર્વે અનુસાર દેશમાં 68 ટકા લોકો થઈ ચુક્યા છે કોરોના સંક્રમિત- ડો. બલરામ ભાર્ગવ, આઈસીએમઆર

જણાવી દઈએ કે થોડા દિવસ પહેલાં આઈસીએમઆરના (ICMR) ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સીરો સર્વેનો ચોથો તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે. આ ચાર સર્વેક્ષણો દર્શાવે છે કે દેશની 40 કરોડ વસ્તીને હજી પણ કોરોના વાયરસથી ચેપ લાગવાનું જોખમ છે, જ્યારે આ વાયરસ (Virus) સામે બે તૃતીયાંશ લોકોમાં એન્ટિબોડીઝ (Antibodies) મળી આવી છે. દેશભરમાં કરાવવામાં આવેલા સીરોલોજિકલ સર્વેમાં 67.6 ટકા લોકો પોઝિટિવ આવ્યા છે. જેનો અર્થ છે કે આટલા ટકા લોકોને પહેલા જ સંક્રમણ થઈ ચુક્યું છે અને તેમના શરીરમાં કોવિડ-19 વાયરસ વિરુદ્ધ એન્ટીબોડી વિકસિત થઈ ચુકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે, દેશમાં કરાવવામાં આવેલા સીરો સર્વેમાં 67.7 ટકા લોકો સીરો પોઝિટિવ આવ્યા છે. આ સર્વે જૂન-જુલાઈમાં કરાવવામાં આવ્યો છે. 

Most Popular

To Top