SURAT

સુરતના લિંબાયતમાં પોલીસને મળી ધમકી ‘અહીં વોરંટ લઇને આવવું નહી, પોલીસ અહીં આવે તો..’

સુરત: (Surat) લિંબાયત પોલીસ (Police) માથાભારે વિશાલ વાઘના ઘરે કોર્ટમાંથી (Court) ઇસ્યુ કરાયેલું એનબીડબ્લ્યુ વોરંટની બજવણી કરવા ગઈ હતી. ત્યારે વિશાલના પરિવારે પોલીસને ધમકી આપીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. લિંબાયત પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • ‘અહીં વોરંટ લઇને આવવું નહી, પોલીસ અહીં આવે તો તેમને મેથીપાક મળે છે’
  • લિંબાયતમાં વોરંટ બજાવવા ગયેલા પોલીસ કર્મચારીને મહિલાની ધમકી, કોર્ટનું એનબીડબ્લ્યુ વોરંટ ફાડી નાંખ્યું
  • અમારી પાસે પોલીસ આવે છે, જજો પણ આવે છે, અહીંથી નીકળ નહીં તો ભાગવા લાયક નહીં રહેવા દઇશ કહી ધમકી આપી

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજુભાઇ સામાભાઇ ડાંગી લિંબાયત પોલીસમાં નોકરી કરે છે. તેઓ ગઈકાલે આસપાસ નગરમાં વિશાલ ઉર્ફે ક્રિષ્ના ગોરખ વાઘના ઘરે વોરંટની બજવણી કરવા ગયા હતા. વિશાલના ઘરે જઇને વિશાલને પોલીસ મથકે લઇ જવાનું કહેતા કવિતાબેન નામની મહિલા બહાર આવી હતી. ઘરની બહાર આવીને કવિતાએ પોલીસને વિશાલ અહીંયા રહેતો નથી અને અમે વિશાલને ઓળખતા નથી, વિશાલનું કોઇપણ પ્રકારનું સમન્સ વોરંટ લઇ અહીં આવતા નહી, અને જો કોઇ પોલીસ અહીંયા આવે તો તેમને પણ મેથીપાક મળે છે અને પોલીસ વર્દી હાથમાં લઇ ભાગી જાય છે તેમ કહીને ધમકી આપી હતી.

આ દરમિયાન રાજુભાઇએ કહ્યું કે, ઘરમાં કોઇ પુરુષ હોય તો તેને બોલાવો ત્યારે કવિતાએ કહ્યું કે અહીંથી ભાગી જા નહીંતર તને અમે ફસાવી દઇશું. આ સમયે ઘરમાંથી મોટી ઉંમરના ગોરખનાથ ધ્રુવાજી વાઘ બહાર આવ્યા હતા. અને તેમણે પણ તને આ બધી મહિલાએ કહ્યું કે અહીંથી ભાગી જા નહીં તો તને હું ભાગવા લાયક નહીં રહેવા દઇશ કહીને લોકોને ભેગા કરી નાંખ્યા હતા. લોકોની ભીડ ભેગી થતા રમેશભાઇએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી.

થોડીવાર બાદ ગોરખનાથ ઘરમાંથી ફરી બહાર આવ્યા અને રાજુભાઇના હાથમાંથી વિશાલ વાઘના નામનું નોન-બેલેબલ વોરંટ ફાડી નાંખ્યું હતું. અને કોર્ટ અને જ્યુડિશીયરી વિશે પોલીસ અમારી પાસે આવે છે, કોર્ટ તથા જજ પણ અમારી પાસે આવે છે. પોલીસ અમારા ઘરે વોરંટ બજાવવા આવતી નથી એમ કહીને અપશબ્દો બોલ્યા હતા. બાદમાં પીસીઆર વાન આવી જતા પોલીસે ગોરખનાથને પોલીસ મથકે લઇ તેની સામે તથા કવિતાબેન સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Most Popular

To Top