SURAT

સુરતના મંડપના માલિકને જેલમાંથી બંટીભાઇએ ફોન કરી કહ્યું પાંચ લાખનું સેટીંગ કરી આપો અને પછી…

સુરત : ડિંડોલીમાં (Dindoli) મંડપ ડેકોરેશનના માલિકને (Owner) જેલમાં બંધ માથાભારે બંટી પાટીલે ફોન (Call) કરીને પાંચ લાખની માંગણી કરી હતી. આ રૂપિયાની ઉઘરાણી કરવા માટે મુંબઇથી (Mumbai) આવેલા યુવકે મંડપના માલિકને ચપ્પુ બતાવીને રૂપિયાની ઉઘરાણી કરી હતી. આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસમાં (Police) ફરિયાદ (Complaint) નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલીના જયેશનગરમાં રહેતો સંતોષ યુવરાજ પાટીલ ગુરૂકૃપા મંડપ સર્વિસના નામથી વેપાર કરે છે. 10 દિવસ પહેલા તેમની ઓફિસમાં પાડોશમાં જ રહેતો કૈલાસ પાટીલ સંતોષની પાસે આવ્યો હતો અને કહ્યું કે, ‘બંટીભાઇ પાટીલ વાત કરવા માંગે છે’. સંતોષે કહ્યું કે, ‘બંટી પાટીલ તો જેલમાં છે, તેની સાથે હું કેવી રીતે વાત કરું’..? ત્યારે આ કૈલાશે કહ્યું કે, ‘બંટીભાઇનો જેલમાંથી જ ફોન આવ્યો છે’. ત્યારબાદ સંતોષ અને બંટીભાઇ વચ્ચે વાત થઇ હતી, જેમાં બંટીભાઇએ કહ્યું કે, ‘હું બંટીભાઇ બોલુ છું, કેમ અમારી તરફ ધ્યાન આપતા નથી, ભુલી ગયા કે શું..? થોડીવાર બાદ બંટીભાઇએ કહ્યું કે, તમારી પાસેથી મારે પાંચ લાખ રૂપિયા જોઇએ છે, તમે વ્યાજેથી લઇને કે ઉછીના લઇને કોઇપણ રીતે મને આપો. સામેથી સંતોષભાઇએ કહ્યું કે, મારી પાસે પાંચ લાખ નથી, મારો મંડપનો ધંધો પણ બે વર્ષથી ખરાબ ચાલે છે, હું તમને કેવી રીતે રૂપિયા આપું..? મારાથી રૂપિયાની સગવડ થશે નહીં, કહીને ફોન કટ કરી નાંખ્યો હતો. ત્યારબાદ બે દિવસ પહેલા સંતોષભાઇની ઓફિસમાં હેંમત ઉર્ફે પચ્ચીસ માળી નામનો યુવક બે અજાણ્યાને લઇને આવ્યો હતો અને કહ્યું કે, મને બંટીભાઇએ મોકલાવ્યો છે, તમારી ઉપર બંટીભાઇનો ફોન આવ્યો હતો ને, તેમના કામ માટે હું ખાસ મુંબઇથી આવ્યું છે, બંટીભાઇના કહેવા પ્રમાણે પાંચ લાખનું સેટીંગ કરી આપો. સંતોષભાઇએ રૂપિયાની ના પાડતા હેંમત ઉર્ફે પચ્ચીસે સંતોષભાઇને ચપ્પુ કાઢીને ધમકી આપી ‘જો રૂપિયા નહીં આપે તો જાનથી હાથ ધોવા પડશે’ કહીને ચાલ્યા ગયા હતા. બનાવ અંગે સંતોષ પાટીલે જેલમાં બંધ બંટી પાટીલ, કૈલાસ પાટીલ અને મુંબઇથી આવેલા હેંમત ઉર્ફે પચ્ચીસની સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top