SURAT

પોલીસ કર્મીઓ સામે ગુનાની તપાસમાં એસીપી સી.કે.પટેલ સામે શંકા: તપાસ અન્યને સોપવા કોર્ટનો આદેશ

સુરત: (Surat) કાપોદ્રા પોલીસ (Police) દ્વારા એક નિર્દોષ વ્યક્તિને માર મારવાના કેસમાં ચાર પોલીસ કર્મી સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં એસીપી સી.કે. પટેલ સામે શંકાની સોય તણાતા હવે કોર્ટે તેની પાસેથી તપાસ આંચકીને અન્ય એસીપીને (ACP) સોંપવા માટે આદેશ કર્યો હતો.

  • લોકડાઉનમાં નિર્દોષ વ્યક્તિને માર મારવાના કેસમાં કાપોદ્રાના ચાર પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધવા આદેશ કરાયો હતો
  • કાપોદ્રા પોલીસના કર્મીઓએ નરસિંહને ઢોર માર્યો હતો
  • આ કેસમાં એસીપી સી.કે. પટેલની સામે પણ શંકા હોય અને તેઓ યોગ્ય રીતે તપાસ કરતા નહીં હોવાની અરજી કોર્ટમાં કરવામાં આવી હતી

આ કેસની વિગત મુજબ તા.16-7-2021ના રોજ મોટા વરાછા પાસે નરસિંહ શેલુભા ગોહિલ નીકળ્યો હતો. ત્યારે કાપોદ્રા પોલીસના કર્મચારીઓ કેટલાક યુવકોને માર મારતા હતા. આ દરમિયાન નરસિંહે પોલીસને કહ્યું કે, સાહેબ ગરીબ લોકોને શું કામ હેરાન કરો છો, તેઓને જવા દો. ત્યારબાદ કાપોદ્રા પોલીસના કર્મીઓએ નરસિંહને ઢોર માર્યો હતો. આ અંગે વકીલ યશવંતસિંહ વાળા મારફતે સુરતની ચીફ કોર્ટમાં ફરિયાદ થતા કોર્ટે પોલીસ કર્મીઓની સામે ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો. આ કેસની તપાસ કરતા કાપોદ્રા વિસ્તારના એસીપી સી.કે. પટેલે કોઇ તપાસ કરી ન હતી. કોર્ટનો હુકમ છતાં પણ કાપોદ્રા પોલીસના સ્ટાફની સામે કોઇ રિપોર્ટ કે કોઇ ગુનો નોંધાયો હતો, આખરે હાઇકોર્ટના હુકમ બાદ આ કેસમાં કાપોદ્રા પોલીસના દિલીપસિંહ ડી. રાઠોડ ઉર્ફે ડીડી, સંજય કણજારીયા, જય, હરદીપસિંહ તેમજ તપાસમાં નીકળી આવે તેવા લોકોની સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં એસીપી સી.કે. પટેલની સામે પણ શંકા હોય અને તેઓ યોગ્ય રીતે તપાસ કરતા નહીં હોવાની અરજી કોર્ટમાં કરવામાં આવી હતી, આ સાથે જ અન્ય એસીપીને તપાસ સોંપવાની દાદ માંગવામાં આવી હતી. આ અરજી સામે સુરતની કોર્ટે પોલીસ કમિશનરને સંબોધીને અન્ય એસીપીને તપાસ સોંપવાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top