SURAT

‘મહોલ્લામાં થીંગડા મારીને થૂંક લગાડવા આવશો નહીં’, સુરતની શેરીઓમાં આવા બેનર કેમ લાગ્યાં?

સુરત(Surat): શહેરના કોટ વિસ્તારમાં આવેલી શેરીઓમાં લાગેલા વિચિત્ર પ્રકારના બેનરોએ (Banners) આશ્ચર્ય સાથે આકર્ષણ ઉભું કર્યું છે. તંત્રને ઉદ્દેશીને સૂચના આપતા આ બેનરોએ હાસ્ય પણ ઉપજાવ્યું છે. ચૂંટણી (Election) નજીક છે ત્યારે આ પ્રકારના બેનર શેરી મહોલ્લાની બહાર લાગતા તંત્ર દોડતું થયું છે.

જ્યારે પણ પાલિકા, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી આવી રહી હોય ત્યારે મતદારો પોતાના વિસ્તારની સમસ્યાને શાસકોના કાને પહોંચાડવા માટે અવનવાર ગતકડાં કરતા હોય છે. કોઈએ મત માંગવા આવવું નહીં, તેવા બેનરો ભૂતકાળમાં સોસાયટી, શેરી, મહોલ્લાની બહાર લાગતા જોવા મળ્યા છે. આ વખતે સુરતના મહિધરપુરા વિસ્તારની એક શેરીના રહીશોએ જરાક અલગ પ્રકારનું બેનર લગાવ્યું છે.

વાત જાણે એમ છે કે શહેરના મહીધરપુરા વિસ્તારમાં ગલેમંડી ચાર રસ્તા નજીક આવેલી મોટી શેરીની બહાર એક બેનર ટીંગાડવામાં આવ્યું છે. અહીંના રહીશોએ જ આ બેનર અહીં ટીંગાડ્યું છે. અહીંથી જે કોઈ પસાર થાય છે તે બેનર પરનું લખાણ વાંચી હસી પડે છે.

ખરેખર તો મોટી શેરીના રહીશોએ વિરોધ માટે યુનિક આઈડિયા અમલમાં મુક્યો છે. આ શેરીમાં તાજેતરમાં જ ડ્રેનેજ પાઈપ લાઈનનું કામ થયું છે. ડ્રેનેજ પાઈપ લાઈનનું કામ થતું હોવાના લીધે લાંબા સમયથી સ્થાનિક રહીશો ખાડા, ધૂળથી પરેશાન હતા. હવે જ્યારે ડ્રેનેજનું કામ પુરું થયું છે ત્યારે તંત્ર માત્ર પેચ કામ કરીને જતા ન રહે તે માટે રહીશોએ અહીં બેનર લગાવ્યું છે.

સ્થાનિક રહીશ હિતેશભાઈ માળીએ કહ્યું કે, અગાઉ પણ શેરી ખોદાઈ હતી. ત્યારબાદ ફરી ડ્રેનેજ માટે ખોદકામ કરાયું. ખાડા પૂરવા રજૂઆત કરીએ તો તંત્ર થીંગડા મારે છે. જેથી અમે કહીએ છીએ કે, થીંગડા અમારે નથી મરાવવા જ્યારે કરવો હોય આખો રોડ જ ડામરનો કરી આપજો. અમારી વાત લોકો અને શાસકો સુધી પહોંચાડવા માટે આ પ્રકારના બેનર લગાવ્યા છે.

શું લખ્યું છે બેનરમાં?
બેનરમાં લખ્યું છે કે, ગલેમંડી મોટી શેરી, મહીધરપુરામાં હાલમાં જે ડ્રેનેજ તથા પાણીના નવા જોડાણનું કામ કરેલ છે, તો હવે પછી મહોલ્લામાં થીંગડા (પેચ) મારીને થૂંક લાગવવાં મહેરબાની કરી આવશો નહીં.

Most Popular

To Top