SURAT

‘બેટા મને અહીંથી લેતો જજે’ પુત્રને વોટ્સએપ પર કરંટ લોકેશન મોકલી અડાજણના વેપારીનો આપઘાત

સુરત: (Surat) ખાનગી કંપનીની ફ્રેન્ચાઈઝી ધરાવતા અડાજણના 41 વર્ષના વેપારીએ જહાંગીરપુરા- દાંડીરોડ ખાતે કારમાં (Car) ઝેર અને 20 જેટલી ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. હોમલોનના હપ્તા અને ત્રણ ક્રેડિટ કાર્ડના બે લાખ રૂપિયા નહીં ભરી શકતા વેપારીએ ‘બેટા મને અહીંથી લેતો જજે’ તેવો પુત્રને વોટ્સએપ ઉપર મેસેજ કરી તેમજ કરંટ લોકેશન મોકલી આત્મહત્યા કરી લીધી હતી.

  • ‘બેટા મને અહીંથી લેતો જજે’ પુત્રને વોટ્સએપ કરી અડાજણના વેપારીનો આપઘાત
  • હોમલોન તેમજ ક્રેડિટકાર્ડથી લીધેલા રૂપિયા સમયસર નહીં ભરાતા વેપારીએ કારમાં ઝેર અને ઊંધની ગોળીઓ ખાઈ લીધી

જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, અડાજણ ખાતે આવેલી સંત તુકારામ સોસાયટી, વિભાગ-6માં 41 વર્ષીય પંકજ બાલુભાઈ લીંબાચિયા પુત્ર-પુત્રી અને પત્ની સાથે રહેતા હતા. તેઓ કામરેજમાં એક કંપનીની ફ્રેન્ચાઈઝી ચલાવીને પરિવારનું ભરણપોષણ કરતાં હતા. તેમણે હોમલોન લીધી હતી ઉપરાંત 3 અલગ-અલગ બેંકના ક્રેડિટ કાર્ડ પરથી અંદાજિત 2 લાખ રૂપિયા લીધા હતા. ઘરના હપ્તાના ચેક બાઉન્સ થવાની સાથે ક્રેડિટકાર્ડ ઓવર ડ્યું થઈ ગયા હતા. જેથી કલેક્શન ડિપાર્ટમેન્ટમાંથી વારંવાર રૂપિયા માટે ફોન આવતા હતા. દરમિયાન 19 જાન્યુઆરીના રોજ સવારે તેઓ ઘરેથી કામરેજ જઈ રહ્યા હતા. તે દરમિયાન અડાજણની એક મેડિકલ સ્ટોર પરથી ઊંઘની 20 જેટલી ગોળીઓ લઈને ગયા હતા.

સાંજે ઘરે પરત આવતા હતા ત્યારે તેમને સમયે કીમથી એક ઓર્ડર આવ્યો હતો. તેઓ ત્યાં ડિલિવરી કરી ઘરે પરત આવી રહ્યાં હતાં. ત્યારે ઓલપાડની એક દુકાનથી ઝેર ખરીદી લઈ લીધું હતું. ઘરે આવતી વખતે જહાંગીરપૂરા દાંડીરોડ ડી-માર્ટ પાસે જાહેર રોડ પર કાર સાઈડ ઉપર ઊભી રાખી પંકજે દીકરા પાર્થને વોટ્સએપ ઉપર ‘મને અહીંથી લેતો જજે બેટા’ તેમ મેસેજ કરી પોતાનું કરંટ લોકેશન મોકલી ‘ક્યુટી’ નામનું ઝેર પી લીધું હતું. પરંતુ તે ઝેરથી વધારે અસર નહીં થતા પંકજે પોતાની પાસે મુકેલી  ‘સિટલોક્સ ફોર્ટ’ નામની 20 જેટલી ઊંઘની ગોળી ગટગટાવી લીધી હતી.

મેસેજ મળતાં જ પાર્થ તેના ફોઈના દીકરા નિખિલ સાથે કરંટ લોકેશન આધારે બનાવવાળી જગ્યાએ પહોંચી ગયો હતો. પાર્થને કઈ અજગતું લાગતા તે એ કારનું આગળની સાઇડનું ડ્રોવરમાં જોતા ઝેરની બોટલ અને ઊંઘની ગોળીઓના ખાલી રેપર મળી આવ્યા હતા. જેથી પંકજને સારવાર માટે જહાંગીરપૂરા ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અડાજણની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં શનિવારે બપોરે 12:30 વાગ્યાના અરસામાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

Most Popular

To Top