SURAT

ગ્રીષ્માની હત્યાનું વર્ણન સાંભળી કોર્ટમાં તેની માતા ચોધાર આંસુએ રડી પડ્યા અને ફેનિલ..

સુરત: ગ્રીષ્માનું (Grishma) ગળું કાપી તેની ફેનિલે (Fenil) એકવાર હત્યા (Murder) કરી પરંતુ ન્યાય માટે ઝૂરતા ગ્રીષ્માના પરિવારની લાગણીઓની પળેપળ હત્યા થઈ રહી છે. હત્યારા ફેનિલને વહેલામાં વહેલી તકે સજા મળે તે માટે સુરતની સેશન્સ કોર્ટમાં રોજે રોજ સુનાવણી હાથ ધરવાનું નક્કી કરાયું છે. સોમવારથી સુનાવણી શરૂ થઈ ગઈ છે. પહેલાં દિવસે ગ્રીષ્માનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબોની જુબાની રેકર્ડ પર નોંધવામાં આવી હતી. કોર્ટ સમક્ષ જ્યારે તબીબો ગ્રીષ્માની હત્યા કેવી રીતે થઈ તેનું વર્ણન કરી રહ્યાં હતાં ત્યારે કોર્ટ રૂમમાં ગ્રીષ્માના માતા અને ફોઈ હાજર હતા. જેમ જેમ તબીબ ગ્રીષ્માના હત્યાનું વિગતવાર વર્ણન કરી રહ્યાં હતાં તેમ તેમ ગ્રીષ્માની માતા અને ફોઈની હાલત કફોડી બની રહી હતી. તેની માતા કોર્ટ રૂમમાં જ ચોંધાર આંસુએ રડવા લાગ્યા હતા તો બીજી તરફ હત્યારો ફેનિલ તો જાણે કશું જ થયું નથી એ રીતે કોર્ટ રૂમમાં બેફિકર જોવા મળ્યો હતો.

સોમવારે કોર્ટમાં બે થી અઢી કલાક સુનાવણી ચાલી હતી. સવારે નિયત સમયે સુનાવણી શરૂ થયા બાદ બપોરે 2.30 વાગ્યા સુધી તે ચાલતી રહી હતી. ફેનિલને આરોપીઓના કઠેરામાં બેસાડવામાં આવ્યો હતો ત્યારે તે સંપૂર્ણ સ્વસ્થ જણાતો હતો. જાણે તેને હત્યા કરી જ નહીં હોય તે રીતે તે વર્તી રહ્યો હતો. તો બીજી તરફ ગ્રીષ્માનો પરિવાર કોર્ટ રૂમમાં એક કોર્નર પર ઉભા રહ્યાં હતાં. માતા અને ફોઈ સતત અઢી કલાક સુધી જ્જ તરફ આશા ભરી નજર રાખીને બે હાથ જોડી ઉભા રહ્યાં હતાં. કોર્ટ રૂમનું દ્રશ્ય જોઈ સૌ કોઈના મનમાં એક જ સવાલ થતો હતો કે આ કેવી વિચિત્ર વ્યવસ્થા? 21 વર્ષની યુવતીની હત્યા કરનારો કોર્ટ રૂમમાં બિન્ધાસ્ત બેઠો છે તો બીજી તરફ દીકરીને ન્યાય અપાવવા માટે ઝૂરતો પરિવાર ઉભો છે.

તમને જણાવી દઈએ કે હત્યા કેસની ટ્રાયલના પહેલાં દિવસે સોમવારે ગ્રીષ્માના માતા-પિતા અને અન્ય સંબંધીઓ કોર્ટમાં આવ્યા હતા. ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ નીચે કોર્ટ કેમ્પસમાં ઉભા હતા જ્યારે તેમની માતા અને ફોઈ કોર્ટ રૂમમાં હાજર રહ્યાં હતાં. ગ્રીષ્માનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરની જુબાની સમયે ડોક્ટરે મૃતક ગ્રીષ્માના શરીરનું વર્ણન કરતા ગ્રીષ્માના માતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા, આ ઉપરાંત તેના ફોઈ પણ કોર્ટમાં રડવા લાગ્યા હતા. બેથી અઢી કલાક તબીબોની જુબાની ચાલી તે દરમિયાન માતા અને ફોઈ કોર્ટ રૂમમાં જ ઉભા રહ્યાં હતાં.

ફેનિલ માનસિક રીતે અસ્વસ્થ હોવાની વાત કોર્ટે નકારી
સુરત : ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલ માનસિક રીતે અસ્વસ્થ હોવાની દલીલો આજે મહત્વપૂર્ણ ઘટના રહેવા પામી હતી. સોમવારથી સુરતની ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં કેસ સુનાવણી શરૂ થઇ હતી. પ્રથમ દિવસે જ બચાવપક્ષના વકીલે ફેનિલ માનસિક બિમાર હોવાનું કહીને તેની તપાસ કરવા માટેની અરજી આપી હતી, પરંતુ ડિસ્ટ્રિક્ટ જજે આરોપી ફેનિલની બચાવ અને સરકારી પક્ષની હાજરીમાં સવાલ-જવાબ કરી ન્યાયિક અધિકારી તરીકે ફેનિલનું નિરીક્ષણ કરીને બચાવપક્ષની અરજી નામંજૂર કરી હતી. ત્યારબાદ ચાર ડોક્ટરોની જુબાની લેવામાં આવી હતી, આ સાથે જ કોર્ટે ગુરૂવારની મુદ્દત આપી હતી, આગામી ગુરૂવારે પંચસાક્ષીઓની જુબાની લેવામાં આવશે.

પાસોદરા ગામે થયેલી ગ્રીષ્માની હત્યા કેસમાં આરોપી ફેનિલ પંકજભાઇ ગોયાણી સામે ગત શુક્રવારે ચાર્જફ્રેમ કરવામાં આવ્યો હતો, આજે સોમવારથી ફેનિલની સામે કેસની કાર્યવાહી શરૂ થઇ હતી. કડક સિક્યોરીટી વચ્ચે ફેનિલને લાજપોર જેલથી સુરત કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટમાં ડોક્ટરોની જુબાની શરૂ થાય તે પહેલા જ ફેનિલના વકીલ ઝમીર શેખએ કોર્ટમાં અરજી આપી હતી, જેમાં જણાવ્યું હતું કે, ફેનિલ માનસિક બિમાર છે અને તેની નવી સિવિલ હોસ્પિટલમાં સાઇક્રિયાટિસ્ટ વિભાગમાં તપાસ થવી જોઇએ. આ રિપોર્ટ કોર્ટમાં આવી ગયા બાદ જ કેસની કાર્યવાહી કરવા વિનંતી કરાઇ હતી.

સામે પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરતા કહ્યું કે, ફેનિલે પહેલાથી જ કેલ્યુક્યુલેટીવ એટલે કે ગણતરીપૂર્વક આયોજન કરીને ગ્રીષ્માની હત્યા કરી છે, ફેનિલે એકે-47 ઉપરાંત છરાની પણ તપાસ કરી છે, ફેનિલને રિમાન્ડ દરમિયાન કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પણ કોઇ ફરિયાદ ન હતી, આ ઉપરાંત જ્યારે ફેનિલની સામે ચાર્જફ્રેમ કરવામાં આવ્યો ત્યારે તહોમતનામું વાંચીને ત્યારબાદ ફેનિલે પોતાની સહી કરી છે. આ બધી વસ્તુઓ જોતા ફેનિલ માનસિક રીતે સ્વસ્થ છે અને બચાવપક્ષ ખોટી રીતે સમય લંબાવવા માટે અરજી આપતા હોવાનું કહીને અરજી નામંજૂર કરવા જણાવ્યું હતું.

મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વીમલ વ્યાસે બંને પક્ષોની દલીલો બાદ ફેનિલની માનસિક સ્થિતિ તપાસવા માટેની અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. આ કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર તેમજ ફેનિલની સારવાર કરનાર ડોક્ટર સહિત કુલ્લે 4 ડોક્ટરોની જુબાની લેવામાં આવી હતી.

સીઆરપીસી 328(1) મુજબ મુખ્ય જિલ્લા ન્યાયાધીશે ન્યાયિક અધિકારી તરીકે ફેનિલની પુછપરછ કરી
ફેનિલની માનસિક સ્થિતિને લઇને પ્રશ્નો ઊભા થતા આજે સવારના સમયે જ્યારે ફેનિલને કોર્ટમાં લાવવવામાં આવ્યો ત્યારે ફેનિલને મુખ્ય જિલ્લા ન્યાયાધીશની ચેમ્બરમાં લઇ જવામાં આવ્યો હતો. અહીં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને બચાવપક્ષના વકીલ ઝમીર શેખ તેમજ અજય ગોંડલિયા પણ હાજર હતા. આ ઉપરાંત આ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારી પણ હાજર હતા. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વીમલ વ્યાસે સીઆરપીસીની કલમ-328(1) મુજબ ન્યાયિક અધિકારી તરીકે ફેનિલની સાથે સવાલ-જવાબ કર્યા હતા. ફેનિલની નામ, તેની ઉંમર, સરનામું, પિતાનું નામ, ગામડે જમીન છે, તેમાં શું ઉપજ થાય છે, ફેનિલ શેનો અભ્યાસ કરે છે તે સહિતના સવાલો પુછવામાં આવ્યા હતા. આ તમામ સવાલોના આધારે ફેનિલની બોડી સ્ટ્રક્ચરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ન્યાયિક અધિકારી તરીકે નિરીક્ષણ કર્યા બાદ મુખ્ય જિલ્લા ન્યાયાધીશએ ફેનિલ માનસિક રીતે સ્વસ્થ હોવાનું કહીને તેની તપાસ માટેની અરજી નામંજૂર કરી હતી.

સુભાષભાઇની સારવાર કરનાર ડોક્ટરની જુબાની બાકી રહી
ગ્રીષ્મા ઉપર હુમલો કરનાર ફેનિલે ગ્રીષ્માના મોટાપપ્પા સુભાષભાઇની ઉપર પણ છરા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સુભાષભાઇને આંતરડાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેઓના આંતરડા બહાર આવી ગયા હતા. સુભાષભાઇને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે, ત્યારે તેમની સારવાર કરનાર ડોક્ટરની પણ જુબાની લેવાની બાકી હતી, પરંતુ સુભાષભાઇ હજુ પણ હોસ્પિટલમાં હોવાથી આ ડોક્ટરની જુબાની પેન્ડિંગ રહી હતી, આગામી દિવસોમાં સુભાષભાઇને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે ત્યારબાદ ડોક્ટરની જુબાની લેવાશે.

ફેનિલના વકીલ અને પાટીદાર એવા અજય ગોંડલિયાએ વકીલપત્ર પરત ખેંચ્યું
ફેનિલની સામેનો કેસ કઠોર કોર્ટમાંથી સુરત કોર્ટમાં આવ્યા બાદ સુરતમાં ફેનિલના વકીલ કોણ આવશે તે અંગે મુંજવણ હતી. શરૂઆતમાં જ કોર્ટમાં બે વકીલોના વકીલપત્ર આવતા કોર્ટ પણ આશ્ચર્યમાં પડી હતી. આ દરમિયાન કોર્ટમાં હાજર અજય ગોંડલિયાએ ફેનિલના વકીલ તરીકેની જાહેરાત કરી હતી અને પોતાના વકીલપત્ર ઉપર ફેનિલની સહી લીધી હતી. આ સાથે જ અજય ગોંડલિયાએ પોતાના સિનિયર વકીલ ઝમીર શેખ દલીલો કરશે તેવું પણ કોર્ટને કહ્યું હતું. બીજી તરફ ફેનિલે પોતે પાટીદાર સમાજનો યુવક છે, મૃતક ગ્રીષ્મા પણ પાટીદાર યુવતી હતી. ફેનિલે એક પાટીદાર યુવતીની જ ઘાતકી હત્યા કરી નાંખી હોય, ફેનિલ તરફે કોઇપણ પાટીદાર વકીલને હાજર નહીં રહેવા માટે સમાજની મીટિંગ થઇ હતી. તેમ છતાં પણ અજય ગોંડલિયાએ વકીલપત્ર મુક્યું હતું, જેને લઇને શનિવાર અને રવિવારે પાટીદાર સમાજના યુવા આગેવાનોની મીટિંગ મળી હતી. તેઓએ અજયને ધમકી આપીને હુમલો કરવાનો પ્લાન પણ બનાવ્યો હોવાની ચર્ચા હતી. પરંતુ આખરે સમાજના વડીલો તેમજ અન્ય પાટીદાર વકીલોના સમજાવટ બાદ અજયે પોતાનું વકીલપત્ર પરત ખેંચ્યું હતું. અને હવે તે ફેનિલના વકીલ તરીકે છૂટા થયા હોવાની જાહેરાત કરી હતી.

Most Popular

To Top