SURAT

સુરતના આ વિસ્તારમાં આવેલા ઓઈલના ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી

સુરત : શહેરના રામપુરા વિસ્તારમાં આવેલા રાજાવાડીમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ધમધમતા ઓઈલના ડેપોમાં એકાએક આગ ફાટી નીકળી હતી. દુકાનની બહાર મુકેલા ઓઇલ ભરેલા પાંચ મોટા ડ્રમ આગની ઝપેટમાં આવી જવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગ આખા રોડ પર ઝડપથી પ્રસરી સામેના રહેણાંક મકાન સુધી પહોંચી ગઈ હતી. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરના પાર્કિંગમાં પાર્ક કરેલી બે બાઈક સળગી જવાની સાથે, ડ્રેનેજ લાઈન, પાણીની લાઈન અને એસીના કોમ્પ્રેસર આગમાં સળગીને ખાક થઇ ગયા હતા. દુકાનની બહારના ઓઇલ ડ્રમમાં આગ લાગતા ધડાકા થતાની સાથે જ ફ્લેશ ફાયર પણ જોવા મળી હતી. બનાવને પગલે આસપાસમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ભીષણ આગ તેમના ઘર સુધી પહોંચે તે પહેલાં જ સ્થાનિક રહિશોએ તાત્કાલિક વિસ્તાર ખાલી કરી દીધો હતો.

રામપુરા વિસ્તારમાં રાજાવાડીમાં ઘર નંબર ૫/૧૯૦૨ પાસે બહાર ગેરકાયદે ઓઇલ ડેપો ચાલતો હતો. બપોરે ૪ વાગ્યાના અરસામાં અચાનક જ ઓઇલ ડેપોમાં આગ લાગવાના કારણે દુકાનની બહાર મુકેલા ઓઇલ ભરેલા પાંચ ડ્રમ આગની ઝપેટમાં આવી જતા માત્ર ગણતરીની મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે આગ આખા રોડમાં પ્રસરી જવાની સાથે સામે રહેતા મોહમ્મદભાઈ ઈરફાનભાઈ બાગયાના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચી ગઈ હતી. જેના કારણે ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્ક કરેલી બે બાઈક, ડ્રેનેજ લાઈન, પાણીની લાઈન અને એસીના કોમ્પ્રેસર સળગીને ખાક થઇ ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ મુગલીસરા, ઘાંચી શેરી અને કતારગામ ફાયર સ્ટેશનથી છ ગાડીઓ સાથે ફાયરબ્રિગ્રેડના જવાનો ઘટના સ્થળે આવવા નીકળી ગયા હતા. જોકે ભીષણ આગને પગલે ફ્લેશ ફાયર થવાના કારણે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. આગે ગણતરીની મિનિટોમાં વરવું સ્વરૂપ ધારણ કરી લેતા સ્થાનિક લોકોએ તાત્કાલિક રહેણાંક વિસ્તાર ખાલી કરી દીધો હતો. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જોકે ફાયરબ્રિગ્રેડના જવાનોની ત્વરિત કામગીરીના કારણે મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી.

ઓઇલ ભરેલા ૪૦ ડ્રમ જીવતા બોંબ
દુકાનની આગળના ભાગમાં ભીષણ આગ લાગી હતી. પરંતુ તેની પાછળ આખું મોટું ગોડાઉન ગેરકાયદે બનાવવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦ લિટર ઓઇલ ભરેલા ૪૦ જેટલા ડ્રમ હતા. જો આગ આ ડ્રમ સુધી પહોંચી ગઈ હોત તો સમગ્ર વિસ્તારમાં ભારે વિનાશ થતા કોઈ રોકી શક્યું ન હોત. ફાયરબ્રિગ્રેડના જવાનોએ ભારે જહેમત વચ્ચે ભીષણ આગને આ ડ્રમ સુધી પહોંચતા અટકાવી હતી.

પોલીસ કાર્યવાહી કરવા લેખિતમાં જાણ કરી : બસંત પરીક
ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ઓઇલનો ડેપો ચલાવતા નાઝીમ અબ્દુલ રઉફ શેખ અને સલીમ મેમણને અહીં ગેરકાયદે ધંધો બંધ કરવા નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં લેખિતમાં આ જગ્યા સીલ કરવા જાણ કરાઈ છે. આ ઉપરાંત ઓઇલ હોવાના કારણે કલેક્ટરને પણ લેખિતમાં જાણ કરી કાર્યવાહી કરવા જણાવ્યું છે અને બંનેને આપવામાં આવેલી નોટિસની કોપી લાલગેટ પોલીસ મથકમાં જમા કરાવી બંને ઈસમો સામે ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

Most Popular

To Top