Dakshin Gujarat

દમણ ફરીને સુરત પરત ફરતા યુવાનને મરોલી પાસે રસ્તા પર એકાએક છાતીમાં દુખાવો થયો અને..

નવસારી : દમણ (Daman) ફરીને ઘરે જઈ રહેલા સુરતના (Surat) યુવાનને મરોલી પાસે છાતીમાં દુખાવો થતા મોત (Death) નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે (Police Station) નોંધાયો છે. મળતી માહિતી મુજબ, સુરતના આજણા ભાઠેના ઉમિયા પાર્ક-૧ માં મેહુલભાઈ ભરતભાઈ પટેલ (ઉ.વ. ૩૪) તેમના પરિવાર સાથે રહેતો હતો. ગત ૨૭મી મોડી રાત્રેમેહુલભાઈ તેના મિત્રો ધર્મેશ રાણા, વિપુલ રાણા અને જીતેન્દ્ર કશ્યપ સાથે કાર (નં. જીજે-૦૫-આરબી-૪૬૨૦) લઈને દમણ ફરવા ગયા હતા. જ્યાંથી તેઓ પરત બપોરે સુરત જઈ રહ્યા હતા.

દરમિયાન મરોલી ચાર રસ્તાથી પેટ્રોલપંપ વચ્ચે આવેલા સિયારામ નર્સરી પાસે કાર ઉભી રાખી હતી. ત્યારબાદ તેઓ સુરત જવા નીકળ્યા હતા. ત્યારે થોડે આગળ જતા મેહુલભાઇને છાતીમાં દુખાવો થતા બેભાન થઇ ગયા હતા. જેથી મિત્રોએ તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેને વધુ સારવારની જરૂરિયાત જણાતા સુરતની ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈ મોન્ટુભાઈએ મરોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. ગોપાળભાઈને સોંપી છે.

અંકલેશ્વરમાં ટ્રક અડફેટે બાઈકસવારનું મોત
અંકલેશ્વર: અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર એપલ પ્લાઝા પાસે ટ્રકચાલકે બાઈકસવારને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું.
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા સ્થિત સંસ્કાર બંગ્લોઝમાં રહેતાં ભાવના વ્યાસના પતિ પ્રદીપકુમાર કમલશંકર વ્યાસ શ્રીનાથ ટ્રાવેલ્સ સર્વિસનો વ્યવસાય કરે છે. જેઓ ગતરોજ રાતે પોતાની બાઇક લઈ પોતાના ઘરે જઇ રહ્યા હતા. એ દરમિયાન અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર એપલ પ્લાઝા પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલી ટ્રકના ચાલકે બાઈક સવારને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પ્રદીપ વ્યાસને શરીરે ગંભીર ઇજા પહોંચતાં તેને તાત્કાલિક અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.

અંકલેશ્વરની કંપનીમાં અગમ્ય કારણોસર કામદારનું મોત
અંકલેશ્વર: અંકલેશ્વર જી.આઈ.સી.સી.માં આવેલા લાયકા લેબ્સ કંપનીમાં અગમ્ય કારણોસર કામદારનું મોત નીપજ્યું હતું.
અંકલેશ્વરના અંદાડા ગામની સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા અરવિંદ કૃષ્ણા સિંગ અંકલેશ્વર જી.આઈ.સી.સી.માં આવેલી લાયકા લેબ્સ કંપનીમાં નોકરી કરતા હતા. જેઓ ગત તા.૨૮ ઓગસ્ટે નાઈટ શિફ્ટમાં ગયા હતા. એ દરમિયાન પુત્રએ પિતાને ફોન કરતાં તેમનો અવાજ આવતો ન હોવાથી પુત્ર રાહુલ સિંગે કંપનીએ જઈ જોતાં તેના પિતાને ગેટ બહાર કંપનીના માણસો લઈને બેઠા હતા. જેમને ખાનગી વાહનમાં તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે જી.આઈ.ડી.સી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top