Surat Main

2 માસમાં તૈયાર થઈ જશે સુરતનો આ નવો બ્રિજ, 15 લાખ લોકોને મળશે ટ્રાફિકમાં રાહત

સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા દ્વારા સહારા દરવાજા મલ્ટિલેયર બ્રિજની (Bridge) કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરતના આ મલ્ટિલેયર ફ્લાયઓવર બ્રિજનું કામ અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. સુરતના સહારા દરવાજા અને પુણા વિસ્તારમાં ટ્રાફિકની (Traffic) ભયંકર સમસ્યા જોવા મળે છે. માર્કેટ વિસ્તાર ઉપરાંત શહેરમાં પ્રવેશવાનો પણ આ એક રસ્તો હોય ટ્રાફિકથી આ રસ્તો જામ રહે છે. જેથી સુરત મનપા (Surat Corporation) દ્વારા આ વિસ્તારની ટ્રાફિક સમસ્યા ઉકેલવા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ સાકાર થતા જ ટ્રાફિકની મોટી સમસ્યાનું નિરાકરણ આવશે.

આ મલ્ટિલેયર બ્રિજમાં રેલવેના ભાગમાં કુલ 27 ગર્ડર ચડાવવાની હતી. જે પૈકી હવે અંતિમ 9 ગર્ડર ચડાવવાની બાકી છે અને તે માટે રેલવે વિભાગ તરફથી બ્લોકની મંજૂરી પણ મળી ચૂકી હોવાથી હવે મનપા દ્વારા સોમવારથી આ અંતિમ 9 ગર્ડર ચડાવવાની કામગીરી શરૂ કરાશે અને માત્ર 4 જ દિવસમાં ગર્ડર ચડાવી દેવામાં આવશે. સોમવારથી ગુરૂવાર સુધી બપોરે 2 કલાક ગર્ડર મૂકવાની કામગીરી કરાશે. રેલવે વિભાગના સુપરવિઝન હેઠળ ગર્ડર ચઢાવવામાં આવશે.

  • પ્રોજેકટ કોસ્ટ: રૂપિયા 138 કરોડ
  • કામગીરી શરૂ કર્યાનો સમય: નવેમ્બર 2017
  • કામગીરી પૂર્ણ કરવાનો સમય: 36 મહિના એટલે કે 5/11/2020 માં આ બ્રિજનું કામ પૂર્ણ કરવાનું હતું
  • બ્રિજની લંબાઇ કુલ 2 કિલોમીટર

પ્રાપ્ત વિગતો મુજબ, સહારા દરવાજા મલ્ટિલેયર બ્રિજની કામગીરી હવે અંતિમ તબક્કામાં ચાલી રહી છે. બ્રિજના બાકી રહેલી 9 ગર્ડર માટે મનપા દ્વારા ડિસેમ્બર-2021થી રેલવે વિભાગને પત્ર લખી બ્લોકની માંગ કરી રહી હતી. જેને મંજૂરી મળતા જ હવે સોમવારથી આ ગર્ડર ચડાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. 40 ટનના અને 40 મીટરની એક એવી 9 ગર્ડર એક પછી એક ઉપર ચઢાવવામાં આવશે. સોમવારે બ્લોકના પહેલા દિવસે 2 ગર્ડર મુકવાનો અંદાજ છે. આ કામગીરી માટે 300-300 ટનની બે ક્રેઇન જ્યારે 500 ટનની એક ક્રેઇન કાર્યરત રહેશે. જ્યારે વિકલ્પ તરીકે 500 ટનની એક ક્રેઇન સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. આ 9 ગર્ડરો ચઢાવ્યા પછી મનપા દ્વારા લોડ ટેસ્ટ, એપ્રોચ, પેરાપેટ અને રોડ મેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવશે અને 2 માસમાં આ બ્રિજ તૈયાર થઈ જશે. આ બ્રિજ શરૂ થતા જ 15 લાખ લોકોને ફાયદો થશે.

Most Popular

To Top