ગાંધીનગરઃ ભ્રષ્ટ્રાચારને પોતાનો અધિકાર માની ચૂકેલા રાજ્યના સરકારી કર્મચારી-અધિકારીઓ સામે દાદા ભૂપેન્દ્ર પટેલની સરકારે લાલ આંખ કરી છે. સરકારે ગઈ કાલે એક ઓફિસર બાદ વધુ બે કલાસ વન ઓફિસરોને ફરજિયાત નિવૃત્ત થવા આદેશ કરતા ભ્રષ્ટ્રાચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સરકારી નોકરી કરતા કર્મચારી-અધિકારીઓની ફરજ પ્રજાની સેવા કરવાની છે, પરંતુ ભ્રષ્ટ્રાચારી કર્મચારી અને અધિકારીઓ અંડર ટેબલ વ્યવહાર કર્યા વિના કોઈ કામ કરતા નથી. પ્રજા પાસેથી યેનકેન પ્રકારે રૂપિયા પડાવવા ભ્રષ્ટ્રાચારીઓ કાવાદાવા કરતા રહે છે. રાજ્યના સરકારી તંત્રમાં ભ્રષ્ટ્રાચાર એ હદે વ્યાપી ગયો છે કે હવે સરકાર પણ ત્રાસી ગઈ છે.
જોકે, ભૂપેન્દ્ર પટેલ એટલે કે દાદાની સરકાર ભ્રષ્ટ્રાચારના દૂષણને ડામવાના મૂડમાં છે. તેથી જ છેલ્લાં કેટલાંક સમયથી સરકારે ભ્રષ્ટ્રાચારના કેસનો સામનો કરતા સરકારી અધિકારી- કર્મચારીઓ સામે ફરજિયાત નિવૃત્તિનું શસ્ત્ર ઉગામ્યું છે. સરકારે અત્યાર સુધીમાં રાજ્યમાં 25 જેટલાં સરકારી કર્મચારી-અધિકારીઓને સમય પહેલાં જ અનમેચ્યોર્ડ રિટાયરમેન્ટના ઓર્ડર કર્યા છે. તે સિલસિલામાં આજે વધુ બે અધિકારીઓનો વારો પડ્યો છે.
આ વખતે સુરત અને ભીલોડાના બે ક્લાસ વન ઓફિસરોને ઘર ભેગા કરી દેવાયા છે. દિવાળીની રજાઓ પૂરી થયા બાદ સરકાર દ્વારા 3 દિવસમાં 4 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 25 અધિકારીઓને નિવૃત્ત કરાયા છે. નિવૃત્તિ બાદ પણ આ અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ ચાલુ રાખવા ઓર્ડર કરાયા છે.
તા. 7 નવેમ્બરે જે બે અધિકારીઓને ઘર ભેગા કરાયા તેમ ભીલોડા આઈટીઆઈના પ્રિન્સિપલ ભરત રાવલ અને સુરત આઈટીઆઈના પ્રિન્સિપલ હસમુખ કાકડીયાનો સમાવેશ થાય છે. આ બંનેને તા. 7 નવેમ્બરની બપોરથી જ ફરજ મુક્ત કરી દેવાયા છે.
ભરત રાવલ અને હસમુખ કાકડીયા વિરુદ્ધ ગંભીર પ્રકારની ફરિયાદો થઈ છે. બંને વિરુદ્ધ ખાતાકીય તપાસ ચાલી રહી છે. તેઓ સસ્પેન્શન હેઠળ છે. ગેરરીતિની તપાસ ચાલી રહી છે. બંને અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટ્રાચારના જે કેસો ચાલી રહ્યાં છે તેમાં તપાસ ચાલુ રહેશે. તે ઉપરાંત ખાતાકીય તપાસ પણ યથાવત રહેશે. તે ઉપરાંત તેઓની પ્રોપર્ટીને લઈને તપાસ ચાલુ રહેશે.
આ અગાઉ ગઈકાલે અરવલ્લી મહેસુલ વિભાગના લેન્ડ રેકોર્ડ અધિકારી કે.પી. ગામીતને ફરજિયાત નિવૃત્ત કરાયા હતા. આ આદેશ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
સરકારી કર્મચારીઓ પાસે મિલકતોની વિગતો મંગાવાઈ હતી
દાદાની સરકાર ભ્રષ્ટ્રાચાર મુદ્દે નમતું જોખવાના મુડમાં નથી. ભ્રષ્ટ્રાચાર કરશો તો ઘર ભેગા થશો તે મેસેજ સરકારે સ્પષ્ટ પણે આપી દીધો છે. એટલું જ નહીં સરકારી કર્મચારીઓની આવક અને મિલકત પર પણ સરકારની બાજ નજર છે. થોડા સમય પહેલાં સરકારે કર્મચારીઓ અને તેમના પરિવારની આવક અને મિલકતની વિગતો મંગાવી હતી. આવક કરતા વધુ સંપત્તિ કે મિલકતના કેસમાં તપાસનો સામનો કરવા તૈયાર રહેવા ચીમકી પણ સરકારે આપી છે.