Comments

સુપ્રીમનો ચુકાદો : મહારાષ્ટ્રના રાજકારણમાં પડઘા

સપ્રિમ કોર્ટના ચુકાદાથી મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ બદલાવ આવશે? તાત્કાલિક તો કોઈ બદલાવ આવે એવું લાગતું નથી. પણ આ ચુકાદામાં એકનાથ શિંદે કે ભાજપના અપક્ષે છે એના કરતાં શિવસેના અને એમવીએના પક્ષમાં નૈતિક રીતે ઘણું બધું છે. હા, સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે સરકારને બરખાસ્ત કરવાની સ્પષ્ટ ના પાડી છે. ઘડિયાળના કાંટા પાછા ફેરવી ના શકાય પણ ઉધ્ધવ ઠાકરેએ થોડી રાજકીય પીઢતા દાખવી ફ્લોર ટેસ્ટનો સામનો કર્યો હોત તો એમની તરફેણમાં ચુકાદો આવી શક્યો હોત.

એકનાથ શિંદે અને ભાજપ માટે રાહતની વાત એ છે કે, એમની સરકાર હેમખેમ છે. પણ હવે શું? એકનાથ શિંદે અને એના સાથીઓ માટે રાહ આસાન નથી. એ ભાજપમાં ભળી જશે? મહારાષ્ટ્રમાં પાલિકાની ચૂંટણીઓ માથે છે અને એમાં એમવીએ અને શિંદે–ભાજપની તકકાર થવાની છે. શિંદે જૂથમાં પણ અકળામણ તો છે જ. પણ એક વાત નક્કી થઈ ગઈ છે કે, ઉધ્ધવ સરકારને કાવાદાવા કરી પાડી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે વિધાનસભાના તત્કાલીન સ્પીકર અને રાજ્યપાલની ભૂમિકાની ટીકાઓ કરી છે. વ્હીપ નક્કી કરવાથી માંડી ફ્લોર ટેસ્ટમાં નિયમ મુજબ કંઈ થયું નથી. તત્કાલિન સ્પીકર અને રાજ્યપાલે કોઈ પક્ષના આંતરિક વિખવાદમાં પડવું ના જોઈએ અને સરકાર જોખમમાં છે, બહુમતી નથી એવો દાવો થયો જ નહોતો તો પછી ફ્લોર ટેસ્ટ શા માટે? આ પ્રશ્નો આજના રાજકારણની કાળી બાજુને દર્શાવે છે. આવું જ થતું રહ્યું તો કોઈ પણ સરકારને ક્યારેય પાડી શકાય છે. રાજ્યપાલની ભૂમિકા ફરી વિવાદમાં આવી છે.

શરદ પવાર અને ઉધ્ધવ ઠાકરેમાં શું તફાવત છે એ આ ચુકાદો સમજાવે છે. ઉધ્ધવે એ વખતે શરદ પવારની સલાહ લીધા વિના ફેસબૂક પર રાજીનામાની જાહેરાત કરી દીધી. પવાર અને કોંગ્રેસ બંનેએ સલાહ આપી હતી કે, ફલોર ટેસ્ટનો સામનો કરવો જોઈએ. હા, હારી જવાના હતા પણ નૈતિક રીતે પોતાની વાત મૂકી શકાય હોત. જેમ વાજપેયી અને યેદીયૂરપ્પાએ મૂકી હતી અને પવારે જે વાત કરી કે, ઉધ્ધવ એના પક્ષમાં બળવાને રોકી ના શક્યા. બીજી બાજુ જુઓ કે, શરદ પવારના પક્ષમાં એના જ ભત્રીજા અજીત પવાર ભાજપ સાથે જાય એવી અફવાઓને નેસ્તનાબૂદ કરવા શરદ પવારે ખુદે રાજીનામું આપ્યું અને અજીતનો દાવ ખતમ કર્યો. પવાર ફરી પક્ષના પ્રમુખ બન્યા અને એ હવે પોતાનો વારસો ધારે તેને [ સુપ્રિયા સુલે] આપી શકશે. અને હા, આ ચુકાદાના કારણે એમવીએમાં જે અંતર પડી ગયું છે એ દૂર થશે અથવા તો ઓછું થશે. કારણ કે, આ ચુકાદાએ દર્શાવ્યું છે કે, બધા સાથે રહીશું તો ભવિષ્ય છે અને એટલે ત્રણે ય પક્ષમાં હવે કોઈ માનમુટાવ હશે એ દૂર થઈ શકે છે અને એ ભાજપ માટે સારા સમાચાર નહીં હોય. પાલિકા અને ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીમાં એની અસર પડી શકે છે.

આપ સરકાર માટે આખરે સારા સમાચાર દિલ્હીની આપ સરકાર માટે લાંબા સમય બાદ સારા સમાચાર આવ્યા છે અને એ સુપ્રીમ કોર્ટે આપ્યા છે. આપ સરકાર અને એલજી વચ્ચે અનેક મુદે્ જે વિવાદ ચાલે છે એમાં અધિકારીઓની નિયુક્તિ અને બદલી મુદે સુપ્રીમે સ્પષ્ટ કરી દીધું છે કે, એ અધિકાર દિલ્હીમાં ચૂંટાયેલી સરકારનો છે. પબ્લિક ઓર્ડર , પોલીસ અને લેન્ડ એ ત્રણ મુદે ભલે અધિકાર કેન્દ્ર પાસે રહે પણ અધિકારીઓના મુદે્ દિલ્હી સરકારને અધિકાર ના હોય તો એ સરકાર લોકોનાં કામ કઈ રીતે કરી શકે? લીધેલા નિર્ણયનો અમલ કઈ રીતે કરી શકે? આ ચુકાદો કેન્દ્ર અને એલજી બંને માટે એક સબક છે.

આપ સરકારને નાના મોટા મુદે્ એલજી સતાવે છે અને આપ સરકારના કામમાં રોડા નાખે છે. પણ આ ચુકાદો એક પ્રકારે કેજરીવાલ સરકાર માટે વિજય છે. ચુકાદો આવતાં વેંત કેજરીવાલે સેવા સચિવની બદલી કરી નાખી છે. સુપ્રીમે સ્પષ્ટ કર્યું છે કે, અધિકારીઓ દિલ્હી સરકારને વફાદાર હોવા જોઈએ અને દિલ્હી વિધાનસભાના સ્પીકરે સ્પષ્ટ કહ્યું છે કે, હવે અધિકારીઓએ સરકારની વિવિધ સમિતિ પાસે હાજર થઈ જવાબ આપવા પડશે. સુપ્રીમે ૨૦૧૯નો સુપ્રીમની એક બેન્ચનો ખંડિત ચુકાદો ફેરવી નાખ્યો છે. દિલ્હી સરકારનું અધિકારીઓ ના માને , એલજી ના માને તો સરકારનું કામકાજ કઈ રીતે ચાલે? કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના અધિકાર સ્પષ્ટ છે એમાં એક બીજા ડખલ કરી ના શકે. આ ચુકાદા બાદ શું કેન્દ્ર અને એલજી દ્વારા કેજરીવાલ સરકારમાં દખલગીરી ઘટશે ખરી? આપ સરકારના મંત્રીઓ જુદાં જુદાં કારણોસર જેલમાં છે. એવા સંજોગોમાં આ ચુકાદો રાહતરૂપ છે.

બિહારની જાતિગણના : સુપ્રીમ કોર્ટમાં નીતીશ સરકાર
રાજ્યોના રાજકીય કે બંધારણીય મુદા્ઓ સુપ્રીમ કોર્ટમાં પણ કહી જ જાય છે. બિહારમાં જાતિગણના મુદે્ પટણા હાઇકોર્ટે રોક લગાવી અને હવે એ ચુકાદા સામે નીતીશ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે. નીતીશ સરકારે ગુહાર લગાવી છે કે, જાતિગણનાનું કામ ૮૦ ટકા પૂરું થઈ ચૂક્યું છે. અને બાકીની કાર્યવાહી પૂરી કરવા દેવી જોઈએ અને ત્યાં સુધી અત્યાર સુધીની કોઈ વિગતો જાહેર કરવામાં નહીં આવે. જાતિગણના મુદે્ વિપક્ષ એક છે. નોંધપાત્ર એ છે કે, મનમોહન સરકારે જાતિગણનાના આંકડા જાહેર થવા દીધા નહોતા. આ મુદો્ બેધારી તલવાર છે. એનો રાજકીય ઉપયોગ વધુ થઈ શકે છે. ભાજપ પણ આ મુદે ટીકા ટિપ્પણી કરવાથી દૂર રહે છે. વધુ એક મુદે્ સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે એ જોવાનું રસપ્રદ રહેવાનું.
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top