Entertainment

સની દેઓલ ફરી જૂના અંદાજમાં દેખાશે!

ફિલ્મ ‘ચૂપ: રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ’ નું ખતરનાક ટ્રેલર જોઇને કોઇ પણ કહેશે કે સની દેઓલે પોતાની ઉંમર સાથે સમાધાન કરી લીધું છે પરંતુ પોતાનો અંદાજ બદલ્યો નથી. અગાઉની ફિલ્મોની જેમ બદલો લેવા તે ‘ચૂપ’ માં પોલીસ અધિકારી તરીકે ‘બાસ્ટર્ડ’ કહીને ચિલ્લાતો દેખાશે. અલબત્ત તેણે સફેદ દાઢી સાથેના માણસનું પાત્ર ઉત્સાહથી ભજવીને સંકેત આપી દીધો છે કે ઉંમર મુજબની ભૂમિકાઓ ભજવશે. 2011 ની ‘યમલા પગલા દિવાના’ ની સફળતા પછી તે લગભગ 10 વર્ષ પછી એક સશક્ત રોલમાં જબરદસ્ત પુનરાગમન કરવા જઇ રહ્યો છે.

આ ભૂમિકા તેની પ્રતિભાને ચમકાવે એવી છે. તેની 2019 ની છેલ્લી ફિલ્મ ‘બ્લેન્ક’ ફ્લોપ રહી હતી. આમ તો ફિલ્મમાં દુલકર સલમાન અને પૂજા ભટ્ટ છે. છતાં તે પોતાની હાજરીથી પ્રભાવ ઊભો કરી રહ્યો છે. મલયાલમ અભિનેતા દુલકરને હિન્દી ફિલ્મોમાં અલગ ભૂમિકાઓ ભજવ્યા પછી પણ હજુ સ્થાન મળ્યું નથી પરંતુ તેનો પ્રયત્ન કાબિલેતારીફ રહ્યો છે. દુલકરનું પાત્ર ગુરુદત્તની યાદ અપાવી રહ્યું છે. ફિલ્મનો સંબંધ કોઇક રીતે ગુરુદત્તની ‘કાગઝ કે ફૂલ’ સાથે હોવાનો ઇશારો એના માટે ઉત્સુક્તા વધારી ગયો છે કેમ કે સીરિયલ કિલર ફિલ્મ વિવેચકોને નિશાન બનાવી રહ્યો હોવાની વાર્તા છે.

સની દેઓલ એને ‘ક્રિટિક્સ કા ક્રિટિક્સ’ તરીકે ઓળખાવે છે. સીરિયલ કિલર  વિવેચકને મારીને એના શરીર પર રેટિંગના નિશાન કરે છે. નિર્દેશક આર. બાલ્કી ચીની કમ, પા, પેડમેન વગેરે જેવી અલગ ફિલ્મો બનાવવા માટે જાણીતા રહ્યા હોવાથી વધારે આશા છે. 23 મી સપ્ટેમ્બરે થિયેટરોમાં રજૂ થનારી ‘ચૂપ’ નું ટ્રેલર અનેક બાબતે જિજ્ઞાસા ઊભી કરતું હોવાથી પ્રભાવિત કરી ગયું છે. ફિલ્મની વાર્તા એવી રીતે બતાવી છે કે રહસ્ય વધારે ઘેરું બન્યું છે. બોલિવૂડમાં અત્યારે રીમેકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને અસલ વાર્તાઓનો દુકાળ છે ત્યારે રહસ્ય અને રોમાંચથી ભરપૂર આ ફિલ્મ તેના કોઇએ વિચાર્યો ના હોય એવા અલગ અને રસપ્રદ વિષયને કારણે ધ્યાન ખેંચી રહી છે. બોલિવૂડને આશાનું કિરણ બતાવી રહી છે. વધારે રસપ્રદ બાબત એ છે કે અત્યાર સુધી આર. બાલ્કીની ફિલ્મોમાં અભિનય કરનાર અને ગીત ગાનાર અમિતાભ બચ્ચને ‘ચૂપ’ ના ટાઇટલ ટ્રેકમાં સંગીત આપ્યું છે.

Most Popular

To Top