નવી દિલ્હી: રામચરિત માનસને (Ramcharit Manas) લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે મધ્યપ્રદેશના (MP) મુખ્યમંત્રીએ મોટો ખુલાસો કર્યો છે. તેઓએ કહ્યું છે કે એક મુખ્યમંત્રી (CM) તરીકે હું એ આ અંગેનો નિર્ણય લીધો છે કે હવેના અભ્યાસક્રમમાં હિંદુ પુરાણો જેવા કે રામાયણ, ગીતા તેમજ મહાભારત જેવા ગ્રંથોને હવેથી મધ્યપ્રદેશની શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવશે. સીએમ ચૌહાણે જણાવ્યું કે રામ નામએ હિંદુસ્તાનની ઓળખ છે. હિંદુગ્રંથો લોકોને નૈતિક રીતે શિક્ષણ આપવા માટે સક્ષમ છે. તો શા માટે આવા ગ્રંથોને શાળામાં ભણાવવામાં નથી આવતા.
મુખ્યમંત્રીએ કહ્યું, “હું પણ મુખ્યમંત્રી તરીકે આ કહી રહ્યો છું. અમે રામાયણ, ગીતા અને મહાભારતના ગૌરવશાળી અધ્યાયોને સરકારી શાળાઓમાં ભણાવવાનો નિર્ણય કર્યો છે.” જો કે, આ પ્રથમ વખત નથી કે છેલ્લા કેટલાક વર્ષોમાં સત્તાધારી ભાજપ દ્વારા હિંદુ ધાર્મિક પાઠ્યપુસ્તકોના સમાવેશની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના ઉચ્ચ શિક્ષણ પ્રધાન મોહન યાદવે 2020માં કહ્યું હતું કે શાળાઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ બંનેમાં હિન્દુ ધાર્મિક ગ્રંથોનો સમાવેશ કરવામાં આવશે.
શરૂઆતમાં, આ સંબંધમાં એક દરખાસ્ત સૌપ્રથમ રાજ્ય વિધાનસભાના સ્પીકર ગિરીશ ગૌતમ દ્વારા કરવામાં આવી હતી અને મધ્યપ્રદેશમાં પ્રાથમિક શાળાના પુસ્તકોમાં રામાયણ અને ગીતાનો સમાવેશ કરવાની તેમની દરખાસ્ત પર વિચાર કરવા સરકારને ભલામણ કરી હતી. આ ઉપરાંત ચૌહાણે સોમવારે ભગવાન રામ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળો પર પણ અનેક વિકાસની જાહેરાત કરી હતી.
વઘારામાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે રામચરિત માનસ, રામાયણ અને આદ્ય ગ્રંથની ટીકા કરનારાઓને આ મારો વળતો જવાબ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આપણા દેશમાં કેટલાક એવા લોકો છે જેઓ આપણી સંસ્કૃતિ, પરંપરા, જીવનની ફિલસૂફી, મહાપુરુષો, આધ્યાત્મિકતા અને ધર્મની ટીકા કરવામાં આનંદ લે છે. તેઓ નથી જાણતા કે આ દેશ રામ વગર ઓળખાતો નથી. આપણા દરેક રોમમાં રામ વસે છે. આ દેશમાં સુખ હોય ત્યારે રામનું નામ લેવાય અને દુ:ખ હોય ત્યારે રામનું નામ પણ લેવાય. અંતિમ સંસ્કારમાં રામનું નામ પણ લેવામાં આવે છે. રામ નામ જ સત્ય છે.