Gujarat Main

દ્વારિકા પિરોટન ટાપુઓ, શિયાળ બેટ પ્રવાસન હોટસ્પોટ બનાવવા રાજ્ય સરકારની તૈયારી

ગાંધીનગર: રાજ્યના સમૂદ્ર કિનારાના બેટ દ્વારિકા (Dwarka), શિયાળ બેટ (Shiyal bet) અને પિરોટન ટાપુ (Pirotan bet)ઓને પર્યટન-પ્રવાસન હોટસ્પોટ (hotspot) તરીકે વિકસાવવા પ્રવાસન-ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સામાજિક આર્થિક વિકાસના વિવિધ પ્રોજેકટસ રાજ્ય સરકાર હાથ ધરશે.

શુક્રવારે ગાંધીનગરમાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં 4થી બેઠકમાં આ ટાપુઓને ટુરિઝમ અને નેચર રિલેટેડ એક્ટિવિટીઝ, એડવેન્ચર સ્પોર્ટસ સહિતની ગતિવિધિઓથી પ્રવાસન પ્રવૃત્તિના આકર્ષણ કેન્દ્રો બનાવવાના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો અને ૧૪૪થી વધુ આયલેન્ડસ-બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે તે સંદર્ભમાં કેન્દ્ર સરકારની આયલેન્ડ ડેવલપમેન્ટ પોલીસીને સુસંગત રાજ્યના આયલેન્ડ-ટાપુઓના વિકાસ માટે રાજ્ય સરકારે આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરેલી છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપુઓ પર આર્થિક-સામાજિક-સોશિયો ઇકોનોમિક અને પ્રવાસન ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો છે.

આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકે બેટ દ્વારિકામાં ૧પ, શિયાળ બેટમાં ર૦ અને પિરોટન ટાપુના ૧ર મળી કુલ ૪૭ પ્રોજેકટસ વિકસાવીને આ ટાપુઓને પર્યટન હોટસ્પોટ તરીકે ડેવલપ કરવાની બાબતે વિશાદ પરામર્શ-વિચારણા હાથ ધરી હતી. બેટ દ્વારિકામાં ઇકો ટુરિઝમ એન્ડ વોટર સ્પોર્ટસ, મરિન ઇન્ટરપ્રિટેશન સેન્ટર, બિચફ્રન્ટ ડેવલપમેન્ટ, લેઇક ફ્રન્ટ ડેવલપમેન્ટ, ડોલ્ફીન વ્યૂઇંગ સહિતના પ્રવાસન સુસંગત પ્રોજેકટ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ માટે રૂ. ર૮.૯પ કરોડના વિવિધ કામો માટે વિકાસ માસ્ટર પ્લાન તૈયાર કરવા એજન્સીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ઓથોરિટી દ્વારા ડિટેઇલ્ડ પ્રોજેકટ રિપોર્ટ મંજૂર કરી દેવાયો છે.

શિયાળ બેટ ટાપુ ઉપર ઇકો રિસોર્ટ, ઇકો પાર્ક, ડોલ્ફીન વ્યૂઇંગ પોઇન્ટ, આર્કિયો લોજીકલ ડિસપ્લે ગેલેરી, બીચફ્રન્ટ ડેવલપમેન્ટ અને વોટર એક્ટિવિટીઝ જેવા કામો સહિતના ટુરિઝમ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને સોશિયો ઇકોનોમિક પ્રોજેકટસના કુલ ૩પ.૯પ કરોડના કામો માટે પણ વિકાસ એજન્સીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. પિરોટન ટાપુ પર ટૂંક સમયમાં ઇકોફ્રેન્ડલી ટુરિઝમ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. એટલું જ નહિ સ્થાનિક યુવાઓને રોજગાર અવસર પણ મળશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આ બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય એવો પણ લેવામાં આવ્યો છે કે, દ્વારિકાની આઇ.ટી.આઇ.ને મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે.

Most Popular

To Top