Columns

સમલૈંગિક લગ્નોને દુનિયાના કોઈ ધર્મની માન્યતા પ્રાપ્ત થઈ નથી

સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાની અરજીનો વિરોધ કરવા વિવિધ ધર્મોના ધાર્મિક નેતાઓએ હાથ મિલાવ્યા છે. કેટલાકે સમલૈંગિક લગ્નોની તરફેણમાં અરજીઓનો વિરોધ કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જ્યારે અન્ય લોકોએ રાષ્ટ્રપતિને તેના હસ્તક્ષેપ માટે પત્રો લખ્યા છે. જમાત-એ-ઈસ્લામી હિંદ, જમીયત ઉલામા-એ-હિંદ , કોમ્યુનિયન ઑફ ચર્ચ અને અકાલ તખ્ત, અજમેર દરગાહના પ્રતિનિધિઓ અને જૈન ગુરુઓએ સમલૈંગિક લગ્નો માટે કાનૂની મંજૂરી અંગે ચિંતા વ્યક્ત કરી છે.

જૈન ધર્મગુરુ લોકેશ મુનિએ જૈન શાસ્ત્રોનો હવાલો આપતાં કહ્યું છે કે તેમાં ક્યાંય સમલૈંગિક લગ્નોને માન્યતા આપવામાં આવી નથી. તેમના દાવા મુજબ સમલૈંગિક વિવાહ તેમના ધર્મનાં અલગ અલગ શાસ્ત્રોના ઉલ્લંઘનરૂપ હોવા ઉપરાંત કુદરતી કુટુંબ વ્યવસ્થાની વિરુદ્ધ છે. ઘણા નેતાઓએ એ ભાવનાનો પુનરોચ્ચાર કર્યો કે લગ્ન એ પ્રજનન માટેની સંસ્થા છે, મનોરંજન માટે નહીં. સમલૈંગિકો લગ્ન કર્યા વગર પણ સાથે રહી જ શકે છે.

ભાજપની માતૃશાખા ગણાતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) પણ સમલૈંગિક લગ્નનો વિરોધ કરે છે. જો કે તેણે કેન્દ્ર સરકારની સાથે એક ચોક્કસ મર્યાદા ધરાવતા સમલૈંગિક સંબંધોનો સ્વીકાર કર્યો છે. કેન્દ્ર સરકારે સમલૈંગિક લગ્નને કાયદેસરની માન્યતા આપવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યા બાદ આ મુદ્દો ફરી એક વાર સમાચારોમાં છે. સમલૈંગિક લગ્ન અને તેમના સાથે રહેવાને લઈને લોકોનો વિરોધ અને સમર્થન સામે આવી રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે હિંદુ ધર્મમાં સ્ત્રી-પુરુષના લગ્નને પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે, તેમાં સમલૈંગિક લગ્ન વિશે શું માન્યતાઓ છે? ખાસ કરીને જ્યારે કેટલીક પૌરાણિક કથાઓમાં સ્ત્રીના પુરુષમાં પરિવર્તિત થયા પછી બીજા પુરુષ સાથેના લગ્નનો સંદર્ભ હોય છે. ચાલો વિગતવાર જાણીએ કે સનાતન પરંપરામાં સમલૈંગિક લગ્ન વિશે શું માન્યતા છે?

લોકપ્રિય માન્યતા અનુસાર, ભગવાન અયપ્પાનો જન્મ હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના સ્ત્રી સ્વરૂપના જોડાણમાંથી થયો હતો. એ જ રીતે, એક શાપને કારણે રાજા ઇલએ સ્ત્રી સ્વરૂપમાં પરિવર્તિત થયા પછી જ બુદ્ધ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ કોઈ દેવીના અન્ય દેવી સાથે અથવા અન્ય કોઈ દેવતા સાથે કોઈ દેવતાના લગ્નનો ઉલ્લેખ નથી. કાશી વિદ્વત પરિષદના મહામંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીના મતે હિંદુ ધર્મના કોઈ પણ પવિત્ર પુસ્તકોમાં સમલૈંગિક લગ્નને મંજૂરી આપવામાં આવી નથી.

પ્રો. દ્વિવેદીના મતે આ જાતના વિવાહ શાસ્ત્રોને અનુરૂપ નથી, તેથી જ આપણા ઋષિમુનિઓએ ક્યાંય તેની મંજૂરી આપી નથી અને તેનો ઉલ્લેખ કર્યો નથી. પ્રો. દ્વિવેદીના મતે સમલૈંગિક લગ્ન એ એક વિકૃતિ છે, જે સમાજમાં દુષ્ટતા પેદા કરે છે. ખાસ વાત એ છે કે આવા લગ્નની કોઈ સામાજિક ઉપયોગિતા નથી. પૌરાણિક કથાઓમાં, સ્ત્રીના શાપને કારણે અથવા અન્ય કોઈ કારણસર પુરુષે સ્ત્રી સાથે લગ્ન કર્યાનો સંદર્ભ છે, પરંતુ કોઈ પુરુષ કોઈ પુરુષ સાથે લગ્ન કરે છે અથવા સ્ત્રી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરે છે તેનો કોઈ ઉલ્લેખ નથી. પ્રો. દ્વિવેદી કહે છે કે જે લોકોએ ગે લગ્નો કર્યાં છે તેમના દિમાગમાં મોટી ખામી છે. આ લગ્નને બિલકુલ માન્યતા ન આપવી જોઈએ.

હિંદુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણિના જણાવ્યા અનુસાર વિશ્વના પ્રથમ ટ્રાન્સજેન્ડરનું નામ રાજા ઇલ હતું. એવું માનવામાં આવે છે કે એક વાર તેઓ શિવલોકના પ્રતિબંધિત ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા, જ્યાં ભગવાન શિવ અને માતા પાર્વતી આરામ કરતાં હતાં. એવી માન્યતા છે કે જે પણ પુરુષ તે પ્રતિબંધિત વિસ્તારમાં જતો હતો તે સ્ત્રીમાં પરિવર્તિત થઈ જતો હતો. આ કારણોસર રાજા ઇલા બની ગયો અને બાદમાં તેણે બુદ્ધ સાથે લગ્ન કર્યાં અને તેને પુરુરવા નામનું સંતાન થયું. જ્યારે પુરુરવા મોટો થયો ત્યારે તેણે તેની માતાની ઉદાસીનું કારણ પૂછ્યું. જ્યારે તેને સત્યની ખબર પડી ત્યારે તેણે શિવની પૂજા કરીને આ શાપમાંથી મુક્તિ મેળવી હતી.

માત્ર કેન્દ્ર સરકાર જ નહીં, પરંતુ સંતો પણ સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાનો સખત વિરોધ કરી રહ્યા છે. સ્વામી ચક્રપાણિના મતે પ્રાચીન કાળમાં સંજોગોને કારણે આવી ઘટનાઓ બનતી રહી છે અને તેમાં પણ સ્ત્રી-પુરુષનાં લગ્ન જ થયાં હતાં. પુરુષ-પુરુષ કે સ્ત્રી-સ્ત્રીનાં નહીં. સ્વામી ચક્રપાણિના મતે, આ ખામી અસુરો ઉપરાંત દેવતાઓમાં પણ ન હતી. આ અનૈતિક કૃત્યને ન તો માન્યતા આપવી જોઈએ અને ન તો થવા દેવી જોઈએ, કારણ કે તે માનસિક વિકાર છે. કોઈ પણ વ્યક્તિની માનસિક સમસ્યાને સામાજિક સમસ્યામાં ફેરવવા દેવી જોઈએ નહીં.

કેન્દ્ર સરકારથી વિપરીત, આર.એસ.એસ. સમલૈંગિકતા પર અલગ વલણ ધરાવે છે. થોડા સમય પહેલાં આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતે સ્પષ્ટ કહ્યું હતું કે ‘ગે લોકોને સમાજનો એક ભાગ માનવા જોઈએ. દેશ માટે આ નવો સમુદાય નથી.’તેને સમજાવવા માટે તેમણે મહાભારતનાં પાત્રો હંસ અને ડિમ્બકનો ઉલ્લેખ કર્યો હતો. તેમના નિવેદન પરથી અલગ અલગ અર્થ કાઢવામાં આવ્યા હતા. હંસ અને ડિમ્બક દ્વાપર યુગમાં મગધના રાજા જરાસંઘના સેનાપતિ હતા. જરાસંઘ મથુરાના રાજા કંસના સસરા હતા. ભગવાન કૃષ્ણે કંસને માર્યા પછી જરાસંઘે મથુરા પર ૧૭ વખત હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં હંસ અને ડિમ્બકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

જરાસંઘને નબળો પાડવા માટે તેના બંને સેનાપતિઓને છીનવી લેવા જરૂરી હતા. આ માટે ખાસ રણનીતિ બનાવવામાં આવી હતી. શ્રીકૃષ્ણ અને જરાસંઘ વચ્ચેના ૧૭મા યુદ્ધ દરમિયાન જરાસંઘના સેનાપતિ દ્વારા બલરામને પડકારવામાં આવ્યા હતા. યુદ્ધની વચ્ચે શ્રીકૃષ્ણે યુદ્ધ જીતવા માટે વ્યૂહરચના બનાવી હતી. શ્રીકૃષ્ણના કહેવાથી સૈનિકોએ એવી અફવા ફેલાવી હતી કે હંસ માર્યો ગયો છે. આ સાંભળીને ડિમ્બક દુ:ખમાં ડૂબી ગયો હતો. તે એટલો નારાજ થઈ ગયો હતો કે તેણે યમુનામાં કૂદીને આત્મહત્યા કરી લીધી. મહાભારતના શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે હંસના મૃત્યુના સમાચાર ફેલાયા ત્યારે ડિમ્બકે શું કહ્યું? પોતાનો જીવ આપતાં પહેલાં ડિમ્બક કહે છે કે ‘હંસ વિના હું હવે દુનિયામાં રહી શકતો નથી.’આટલું કહીને તે યમુનામાં કૂદીને મરી જાય છે.

જરાસંઘ તેના બંને સેનાપતિઓના મૃત્યુના સમાચાર સાંભળીને નિરાશ થઈ જાય છે અને તેના સામ્રાજ્યમાં પાછો ફરે છે. બાદમાં કુશ્તી દરમિયાન ભીમ જરાસંઘને મારી નાખે છે. હંસ અને ડિમ્બક સમલૈંગિક હતા કે નહીં તે અંગે કોઈ નક્કર માહિતી નથી, પરંતુ તેમની નિકટતાનો ઉલ્લેખ વેદવ્યાસના મહાભારતમાં જોવા મળે છે. ઘણા ઇતિહાસકારો માને છે કે તેમની વચ્ચેનો સંબંધ મિત્રો કરતાં વધુ હતો. મહાભારતમાં સભાપર્વના ૧૪મા અધ્યાયમાં આ બંને વિશેનો શ્લોક જણાવે છે કે તેઓ કેટલા નજીક હતા.

જો કે, બંને કેટલા બહાદુર યોદ્ધાઓ હતા તેનો ઉલ્લેખ ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિર સાથેની ચર્ચા દરમિયાન કર્યો હતો. એક સંદર્ભમાં શ્રીકૃષ્ણ કહે છે, જો હંસ અને ડિમ્બક જીવતા હોત તો જરાસંઘ ત્રણેય જગતને હરાવી શક્યો હોત. ઘણા રાજાઓ પણ આ વાત જાણે છે. જો કે મહાભારતના આ પ્રસંગ પરથી સમલૈંગિક લગ્નોને સનાતન ધર્મની માન્યતા મળી જતી નથી. આર.એસ.એસ.ના વડા મોહન ભાગવત પણ સમલૈંગિક વિવાહના તો વિરોધી જ છે.

Most Popular

To Top