Dakshin Gujarat

દહેજ અને સુરતના ફેક્ટરી માલિકને બંદૂક બતાવી લાખોની ખંડણી-લૂંટ ચલાવતાં ચકચાર મચી

ભરૂચ: મૂળ ભરૂચના ભોલાવના અને દહેજ (Dhej) તેમજ સુરતમાં (Surat) ફેક્ટરી ધરાવતા મુંબઈના (Mumbai) બિઝનેસમેનને વડોદરા (Vadodra) સારી ગુણવત્તાનું જીપ્સમ અપાવવાના બહાને પરિચિત વેપારીએ નર્મદા ચોકડીથી લઈ જઈ પોર પાસે હવામાં ફાયરિંગ (Firing) કરી બંદૂકની (Gun) અણીએ રૂ.૧૫.૪૮ લાખની ખંડણી-લૂંટ ચલાવતાં ચકચાર મચી ગઈ છે.

ભરૂચના ભોલાવની સ્નેહદીપ સોસાયટીમાં રહેતા ૪૧ વર્ષીય અપૂર્વ ભરત શાહ હાલ મુંબઈ બોરીવલીમાં રહે છે. તેઓની કાંદીવલીમાં ઓફિસ આવેલી છે. દહેજના અલાદરા અને સુરતના બોરસરામાં મહાવીર મિનરલ્સ નામની ફેક્ટરીઓ છે. જેઓ મરિન અને ફોસ્ફો જીપ્સમમાંથી જીપ્સમ પાઉડર બનાવવાનો વ્યવસાય કરે છે. ધંધાર્થી સંબંધોને લઈ 9 મહિના પહેલાં તેમનો પરિચય ભીમસિંગ ઉર્ફે ભીમો સાથે થયો હતો. ગત તા.૧૧ એપ્રિલે ભીમસિંગે અપૂર્વભાઈને સતત ફોન કરી વડોદરામાં સારી ક્વોલિટીનું જીપ્સમ મળી જાય એમ છે એક કહેતાં અપૂર્વભાઈ ભરૂચ પોતાના ઘરે આવી રોકાયા હતા. જ્યાંથી તા.૧૩મી એપ્રિલે નર્મદા ચોકડીથી પોતાની ક્રેટા કારમાં ભીમસિંગ અને તેની સાથે રહેલા અન્ય વ્યક્તિ સાથે વડોદરા જવા સવારે નીકળ્યા હતા. દરમિયાન કરજણ ટોલ ટેક્સ પસાર થયા બાદ ભીમસિંગો ગાડી હું ચલાવી લઉં તેમ કહી પોર તરફ આગળ હંકારી હતી. હરિયાણા પાસિંગની બોલેરો કારે તેમની ક્રેટાને આંતરી હતી. પોરથી ૫ કિ.મી. અંદર વેરાન જગ્યાએ કાર થોભાવી ક્રેટામાં બેસેલી વ્યક્તિએ અપૂર્વભાઈને બંદૂક બતાવી કારની પાછલી સીટમાં બેસી જવા કહ્યું હતું. એ વખતે બોલેરોમાંથી અન્ય ૨ લોકો ક્રેટામાં વેપારીની આજુબાજુ બેસી ગયા હતા.

વેપારી અપૂર્વભાઈના પેટ પર બંદૂક મૂકી તેની પાસેથી આરોપીઓએ રૂપિયાની માંગણી શરૂ કરી હતી. હવામાં ફાયરિંગ કરી હરિયાણી ભાષામાં કહ્યું હતું કે, જો આ કેવો ધમાકો થાય છે, તારી શું હાલત થશે. તે તું વિચાર કરી લેજે. જે બાદ માર મારી રૂપિયા માંગતાં ફેક્ટરી માલિકે તેમના પરિચિતોને ભરૂચ, વડોદરા, પાનોલી અને મુંબઈ ફોન કરી રૂ.૧૧ લાખથી વધુ રોકડ રકમની વ્યવસ્થા મોતના ડરથી કરાવી હતી. બોલેરો કારમાં આ આરોપીઓ રૂપિયા અલગ અલગ સ્થળેથી લઈ આવ્યા હતા.

મોબાઈલમાંથી ફેક્ટરી માલિકના ફોટા લઈ ઘટના અંગે પોલીસ ફરિયાદ કરી તો આખા પરિવારને મારી નાંખવાની ધમકી આપી વેપારીને તેની જ કારમાં બાંધી દેવામાં આવ્યો હતો. વધુમાં વેપારીએ પહેરેલી ડાયમંડની વીંટી, સોનાની ચેઈન, રોકડા ૫ હજાર, ડેબિટ કાર્ડ, પર્સ લઈ આરોપીઓ ફરાર થઈ એટીએમમાંથી પણ ડેબિટ કાર્ડ વડે રૂ.૭૨ હજાર ઉપાડી લીધા હતા. લગભગ ૧૬ કલાક સુધી પોતાની કારમાં જ ફેક્ટરી માલિક બંધક રહ્યા બાદ શુક્રવારે રાતે ભરૂચ સી-ડિવિઝન પોલીસમથકે ભીમસીંગ સહિત અન્ય ૫ આરોપી સામે રૂ.૧૫.૫૮ લાખની ખંડણી અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top