Editorial

ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાનપદે પહોંચ્યા: ભારતીયો માટે સ્વાભાવિક આનંદની ક્ષણ

દિવાળીના દિવસે ભારતીયો માટે એક આનંદની ઘટના બની. ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના શાસક પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા જેઓ હવે બ્રિટનના વડાપ્રધાન બનશે. પેની મોર્ડન્ટે ઉમેદવારી પાછી ખેંચી લેતા ઋષિ  સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બનાવ માટે સજ્જ છે અને ઇન્ફોસિસ કંપનીના સ્થાપક નારાયણમૂર્તિના જમાઇ એવા સુનક બ્રિટનની ઓક્સફર્ડ ઉપરાંત અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પણ પદવી મેળવી ચુકેલા ઉચ્ચ પ્રશિક્ષીત યુવાન  રાજકારણી છે. યુકેના યોર્કશાયરના રિચમંડ મત વિસ્તારમાંથી ચૂંટાયેલા એવા ઋષિ સુનક બ્રિટનના પ્રથમ અશ્વેત અને હિન્દુ વડાપ્રધાન બનશે અને તેઓ બેન્જામિન ડિઝરાઇલી પછી બીજા લઘુમતિ સમુદાયમાંથી આવેલા વડાપ્રધાન હશે.  ૧૮૭૪માં બ્રિટિશ વડાપ્રધાન બનેલા ડિઝરાઇલી યહુદી હતા. બોરિસ જહોનસનના સ્થાને નવા વડાપ્રધાન બનેલા લિઝ ટ્રસે ૪૪ દિવસમાં જ રાજીનામુ આપવું પડયું તેના પછી ઋષિ સુનક માટે વડાપ્રધાન બનાવ માટેનો માર્ગ મોકળો થયો.  સુનક આ પહેલા જહોનસનના સ્થાને વડાપ્રધાન બનવા માટેની રેસમાં પણ છેલ્લે સુધી હતા પર ટોરી પાર્ટીના સભ્યોના મતદાનના છેલ્લા રાઉન્ડમાં લિઝ ટ્રસ સામે હારી  ગયા હતા. હવે જ્યારે લિઝ ટ્રસે રાજીનામુ આપી દીધું છે ત્યારે સુનક  વડાપ્રધાન બની રહ્યા છે. આમ તો સુનક બ્રિટનમાં જ જન્મ્યા છે અને બ્રિટિશ નાગરિક જ છે પરંતુ આવા બીજા અનેક ભારતીયોથી વિપરીત તેમણે ભારતીયતા જાળવી રાખી છે. ભારતીય મૂળના માતા-પિતાને ત્યાં બ્રિટનમાં જન્મેલા ઋષિએ  બ્રિટનમાં જ અભ્યાસ કર્યો. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણવા ગયા. ત્યાં જ તેઓ અક્ષતા મૂર્તિને મળ્યા. ભારતની અગ્રણી ટેક કંપની ઇન્ફોસિસના સ્થાપક નારાયણ  મૂર્તિની પુત્રી અક્ષતા સાથે વર્ષ ૨૦૦૯માં ભારતના બેંગ્લોરમાં લગ્ન કર્યા. આ યુગલ બ્રિટનના સૌથી ધનવાન યુગલોમાં સમાવિષ્ટ છે. ઋષિ અને અક્ષતાને બે પુત્રીઓ કૃષ્ણા અને અનુષ્કા છે. ઋષિ સુનક પોતાની એશિયન અને ભારતીય  ઓળખ પ્રત્યે ગૌરવ ધરાવે છે અને કદાચ આ વાત જ ભારતીયો માટે ગૌરવ લેવા જેવી છે.

ઋષિ સુનકનું નામ બ્રિટનના વડાપ્રધાન તરીકે બોલાતું થયું કે આ બાબતે પાકિસ્તાનમાંથી પણ ગૌરવ લેવાવા માંડ્યું!  ઋષિ સુનકના દાદા-દાદી બ્રિટિશ શાસન હેઠળના ભારતના વતની હતા જેમનું જન્મસ્થળ ગુજરાનવાલા શહેર છે, જે શહેર  હવે પાકિસ્તાનમાં આવેલું છે. અને એ રીતે જોતા સુનક ભારત અને પાકિસ્તાન બંનેમાં મૂળિયા ધરાવે છે એમ કહી શકાય અને એ રીતે કેટલાક પાકિસ્તાનીઓ સોશ્યલ મીડિયા પર ગૌરવ લઇ રહ્યા છે. ઋષિ સુનકના મૂળ વિશે અત્યારે છૂટી  છવાઇ માહિતીઓ સોશ્યલ મીડિયા પર ઉપલબ્ધ છે જેમાં ભારતીયો અને પાકિસ્તાનીઓ બંને ગૌરવ લઇ રહ્યા છે. એક યુઝરે ટ્વીટર પર માહિતી આપતા લખ્યું હતું કે સુનક લોકો પંજાબી ખત્રી છે.

આ સુનક કુટુંબ  મૂળ ગુજરાનવાલાનું છે જે શહેર હવે પાકિસ્તાનમાં છે. તેણે વધુમાં લખ્યું છે કે ઋષિ સુનકના દાદા રામદાસ સુનક ૧૯૩૫માં નોકરી કરવા માટે ગુજરાનવાલાથી કેન્યા ગયા હતા. આ પછી ઋષિના દાદી સુહાગ રાની સુનક પોતાના સાસુ સાથે  દિલ્હી ગયા હતા અને ૧૯૩૭માં ત્યાંથી કેન્યા ગયા હતા. ઋષિ સુનકના માતા-પિતા આફ્રિકાના આ દેશમાં જ જન્મ્યા અને ત્યાંથી તેઓ બ્રિટન વસવા ગયા હતા અને ઋષિ સુનકનો જન્મ બ્રિટનમાં થયો હતો. ટ્વીટર પર બીજા  એક હેન્ડલ  પરથી લખાયું હતું એક પાકિસ્તાની હવે ઇંગ્લેન્ડના સર્વોચ્ચ હોદ્દા પર પહોંચે છે.

પરંતુ તે સાથે તેણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન અને ભારત બંનેએ આ વાતનું ગૌરવ લેવું જોઇએ. જો કે આ ગૌરવ લેવાની બાબતમાં બંને દેશોની શત્રુતા ફરી  જીવંત થઇ જાય તેવો ભય પણ સર્જાયો હતો, કેમ કે કેટલાક યુઝરો આ ગૌરવ લેવાની બાબતમાં કંઇક ઉગ્ર કહી શકાય તેવા નિવેદનો કરતા પણ જોવા મળ્યા હતા. જો કે મોટા ભાગના સોશ્યલ મીડિયા યુઝરોએ સમજદારીભરી વર્તન દાખવ્યું છે  તે રાહતની વાત છે. ઋષિના પિતા યશવીર એક ડોકટર છે અને માતા ઉષા એક ફાર્માસિસ્ટ છે. તેઓ બંને આફ્રિકાથી યુકે આવ્યા હતા અને યુકેમાં જ ઋષિનો જન્મ થયો હતો. ઋષિ ઓક્સફર્ડમાંથી સ્નાતક થયા બાદ અમેરિકાની સ્ટેનફોર્ડ  યુનિવર્સિટીમાંથી એમબીએ થયા.

ત્યાં જ તેઓ નારાયણમૂર્તિની પુત્રી અક્ષતા સાથે પરિચયમાં આવ્યા અને ૨૦૦૯માં ઋષિ સુનક નારાયણ મૂર્તિના જમાઇ બન્યા.વર્ષ ૨૦૧૫માં તેઓ યોર્કશાયરના રિચમંડ વિસ્તારમાંથી ચૂંટાઇને સાંસદ  બન્યા.તેમણે સંસદમાં ભગવદગીતા પર શપથ લીધા હતા. ફેબ્રુઆરી ૨૦૨૦માં તેઓ બ્રિટનના નાણા મંત્રી બન્યા. ઘણી બાબતો સુનકને ભારતીય તરીકેની સ્પષ્ટ ઓળખ આપતી હોવાથી ભારતીયો તેમની સિદ્ધિ બાબતે ગૌરવ લે તે સ્વાભાવિક  લાગે છે. જો કે ઋષિ અને અક્ષતા કેટલાક વિવાદોમાં પણ સપડાયા. અક્ષતાના વેરા દરજ્જા અને કથિત વેરા ચોરી અંગે વિવાદ થયો તો કોવિડ વખતે પાર્ટી યોજાઇ તેના વિવાદમાં ઋષિ સુનક પણ ખરડાયા. પરંતુ આવું તો બનતું રહેતું હોય છે.

કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકેની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ સુનકે પોતાના પક્ષના વડામથકે પક્ષના સભ્યોને સંબોધન કરતા કહ્યું કે તેમની પ્રાથમિકતા દેશને એક કરવાની રહેશે. પક્ષની એકતા માટે પણ તેમણે હોશિયારીપૂર્વક હાકલ કરી. ટોરી પાર્ટી તરીકે પણ ઓળખાતા કન્ઝર્વેટિવ કે રૂઢિચુસ્ત પક્ષની જૂથબંધી પણ હાલ બહાર આવી છે અને આ જૂથબંધી હવે પછી ઋષિ સુનકની ખુરશી પણ હલાવવા માંડે તેવો ભય નકારી શકાય નહીં. આશા રાખીએ કે આવું નહીં થાય. સુનક એક બાહોશ અને કાબેલ બ્રિટિશ વડાપ્રધાન પુરવાર થશે તો તે ભારતીયો માટે વધુ ગૌરવની બાબત હશે.

Most Popular

To Top