Comments

કોટામાં આઠ મહિનામાં 24 વિદ્યાર્થીઓના આપઘાતથી રાજસ્થાન સરકાર હચમચી ગઈ છે

કોટા રાજસ્થાનનો એક એવો જિલ્લો છે, જ્યાં હજારો બાળકો ડોક્ટર કે એન્જિનિયર બનવા માટેનાં અનેક સપનાંઓ લઈને આવે છે, પરંતુ ડોક્ટર-એન્જિનિયરની ફેક્ટરી હવે બાળકો માટે આત્મહત્યાની ફેક્ટરી બની રહી છે. ગયા રવિવારે NEETની તૈયારી કરી રહેલા બે વિદ્યાર્થીઓએ જીવનનો અંત આણ્યો હતો. આ બંને ઘટના લગભગ ચાર કલાકના ગાળામાં બની હતી. કોટામાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આત્મહત્યાના ૨૪ કેસો નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં જ ૬ બાળકોએ જીવ ગુમાવ્યો છે. આ ૨૪ બાળકોમાંથી સાત બાળકો એવાં છે, જેમણે કોચિંગમાં પ્રવેશ મેળવ્યાના છ મહિના પણ પૂરા કર્યા ન હતા. એક અહેવાલ મુજબ, કોટામાં દર મહિને સરેરાશ ત્રણ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે.

વર્ષ ૨૦૨૨માં ૧૫ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. ૨૦૧૫ થી ૨૦૧૯ ની વચ્ચે અહીં ૮૦ બાળકોએ આત્મહત્યા કરી હતી. આવું શા માટે થઈ રહ્યું છે, તેવો પ્રશ્ન ઊભો થાય છે. કેટલાક આંકડાઓ પર નજર કરીએ તો આખું ચિત્ર સામે આવે છે. દર વર્ષે ૧૦-૧૨ લાખ વિદ્યાર્થીઓ IITમાંથી B.Tech કરવાની આશાએ JEE આપે છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ JEE એડવાન્સ આપી શકતા નથી, કારણ કે તેમનો મધ્યવર્તી સ્કોર ૭૫% કરતાં ઓછો હોય છે. આજે પણ IITમાં સીટોની સંખ્યા ૧૬.૫ હજારની આસપાસ છે. આ વર્ષે NEETમાં લેવાયેલી પરીક્ષામાં ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પોતાનું નસીબ દાવ પર લગાડ્યું છે. એમબીબીએસની કુલ બેઠકો હજુ એક લાખથી થોડી વધુ છે. મતલબ એક સીટના વીસ દાવેદારો છે.

આપઘાતની ઘટના પછી જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે હવે બે મહિના સુધી કોટાના કોચિંગ સેન્ટરમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં. આ ઉપરાંત અઠવાડિયામાં એક દિવસ ફન ડે તરીકે ઉજવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. તે દિવસે બાળકોને માત્ર અડધો દિવસ અભ્યાસ કરાવવો જોઈએ, બાકીનો સમય તેમને મોજમસ્તી કરવા દેવી જોઈએ; પરંતુ તેમ કરવાથી સમસ્યા હલ થાય તેમ નથી. એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) અને મેડિકલ કૉલેજમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા વાર્ષિક બે લાખથી વધુ વિદ્યાર્થીઓ કોટા પહોંચે છે.

તેમનાં માતાપિતા પેટે પાટા બાંધીને કે ઘર ગિરવે મૂકીને કોટાની ફી ચૂકવતા હોય છે. જે માબાપો પોતાનાં બાળકોને કોટા મોકલવા સક્ષમ ન હોય તેઓ તેમના શહેરમાં કોટાના મોડેલ પર ચાલતા કોચિંગ સેન્ટરોમાં ભણવા માટે મોકલે છે. આ કોચિંગ સેન્ટરો માબાપને ગેરન્ટી આપે છે કે તેમનો દીકરો કે દીકરી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉજળો દેખાવ કરશે. પછી ઘોડાને ચાબુક મારે તેમ વિદ્યાર્થીને ચાબુક મારીને પરીક્ષામાં વધુ માર્ક્સ લાવવા માટે દોડાવાતો હોય છે. આ માટે તેમણે ૧૮ કલાક ભણવું પડે છે અને વારંવાર પરીક્ષાના ત્રાસમાંથી પસાર થવું પડે છે.

કોટામાં દર રવિવારે વિદ્યાર્થીઓની મોક ટેસ્ટ લેવામાં આવે છે. તેને કારણે વિદ્યાર્થીઓ સતત સ્ટ્રેસ હેઠળ જીવે છે. આ સ્ટ્રેસને કારણે બાળકો સિગારેટ, શરાબ અને ડ્રગ્સનું સેવન કરતાં થઈ જાય છે. માબાપો એવા ભ્રમમાં જીવતાં હોય છે કે તેમનાં સંતાનો કોટામાં ભણે છે, પણ તેઓ ભણવાને બદલે વ્યસનોના શિકાર પણ બની જતાં હોય છે. વર્ષના અંતે માબાપો બાળકનું પરિણામ જુએ ત્યારે તેમને ખ્યાલ આવે છે કે તેમણે મોટી ભૂલ કરી છે. કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી જતી સંખ્યા દેશ માટે શરમજનક બાબત છે. આજની સમગ્ર શિક્ષણ પદ્ધતિ સફળતા પર જ ભાર મૂકે છે અને વૈકલ્પિક કારકિર્દીના માર્ગો પરના દરવાજા બંધ કરે છે.

આવી ખેદજનક સ્થિતિ માટે શિક્ષણ પદ્ધતિ જવાબદાર છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાના નામે કોચિંગ સંસ્થાઓ તેમને એક કઠોર દિનચર્યાની ફરજ પાડે છે, જેનો ઘણા યુવાનો સામનો કરી શકતા નથી. સફળ થવાના અસહ્ય દબાણ હેઠળ કેટલાંક ભાંગી પડે છે. અહીં ઘણાં લોકોનાં સપનાં દુઃસ્વપ્નોમાં ફેરવાય છે. કોઈ પણ આધુનિક સમાજે યુવાનોના મૃત્યુને કોલેટરલ ડેમેજ તરીકે ગણવું જોઈએ નહીં. જો ભારતમાં વિદ્યાર્થીઓના દબાણની સમસ્યાની ગંભીરતાને સમજવી હોય, તો IIT-JEEને લગતા આંકડાઓ જોવાની જરૂર છે, જે વિશ્વની સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક છે.

પરીક્ષા આપનારા કુલ ઉમેદવારોમાંથી માત્ર ૦.૦૪ ટકા વિદ્યાર્થીઓ જ ખરેખર પ્રવેશ મેળવે છે. બાકીના ૯૯.૯૬ વિદ્યાર્થીઓ નપાસ થઈને હતાશ થઈ જાય છે, પણ મિડિયા ફક્ત સફળતાની વાર્તાઓને જ પ્રકાશિત કરે છે. IIT-JEE અને NEET જેવી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલાં વિદ્યાર્થીઓના નામે તેઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે. આ ચિંતાજનક ઘટના માત્ર એન્જિનિયરિંગ અને મેડિકલ એજ્યુકેશન સુધી જ સીમિત નથી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) પરીક્ષા માટે સફળતાનો દર લગભગ ૦.૫ % છે.

ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ બેઠકોની અછતનો અર્થ એ છે કે માતાપિતા તેમનાં બાળકોને કોચિંગ સેન્ટરોની ઘંટીમાં મૂકવા માટે દબાણ અનુભવે છે; પછી ભલે તેઓ જોતાં હોય કે શાળાનાં વર્ષોમાં આનાથી શું નુકસાન થાય છે. માબાપોની વધતી જતી આકાંક્ષાઓ અને શિક્ષણ સંસ્થાઓમાં ઘટતી જતી તકોને કારણે યુવાનો માટે પ્રેશર કૂકર જેવો પ્રચંડ તણાવ પેદા કર્યો છે. આને જાહેર આરોગ્ય કટોકટી તરીકે ગણવામાં આવવી જોઈએ, જેના પર સરકારે અને ખાસ કરીને શિક્ષણશાસ્ત્રીઓએ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. માતાપિતાએ પણ તેમનાં બાળકોની કારકિર્દીની પસંદગીઓ અને યોગ્યતાઓ વિશે નિખાલસપણે ચર્ચા કરવી જોઈએ અને તેમને મુશ્કેલ ખૂણામાં ધકેલી દેવાં જોઈએ નહીં. સરકારે પણ કોટા જેવાં સેન્ટરો પર દેખરેખ રાખવા માટે એક મજબૂત માળખું ઘડવાની જરૂર છે. વિદ્યાર્થીઓમાં ચિંતા ઘટાડવા માટે કેટલાક સપોર્ટ સ્ટ્રક્ચર્સ બનાવવાની જરૂર છે.

કોટામાં એન્જિનિયરિંગ અને મેડિકલના ઉમેદવારો માટે સરેરાશ શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર ૧૨૫ વિદ્યાર્થીઓ દીઠ માત્ર એક શિક્ષક છે, જ્યારે કોટામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીનો ખર્ચ વાર્ષિક દોઢથી પાંચ લાખ રૂપિયા સુધીનો છે. આ વિદ્યાર્થીઓના કારણે અહીંની કોચિંગ સંસ્થાઓનો બિઝનેસ ૬,૦૦૦ કરોડ રૂપિયાનો થઈ ગયો છે. ધારાસભ્ય પાનાચંદ મેઘવાલે કોટા આત્મહત્યાનાં કારણો પર સવાલ ઉઠાવ્યા હતા, ત્યારે રાજસ્થાન સરકારે સ્વીકાર્યું હતું કે આંતરિક મૂલ્યાંકન, પ્રેમપ્રકરણ, બ્લેકમેઇલિંગ અને માતાપિતાની વધુ પડતી મહત્ત્વાકાંક્ષાઓ આત્મહત્યાનાં કારણો છે.

રાજસ્થાન સરકારે કહ્યું છે કે કોટાના આપઘાતને રોકવા માટે હવે રાજસ્થાન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ (કંટ્રોલ એન્ડ રેગ્યુલેશન) બિલ ૨૦૨૩ લાવવામાં આવશે. આ બિલ પહેલાં ૨૦૧૮માં રાજસ્થાન સરકારે કોટામાં કોચિંગ સંસ્થાઓ માટે વિગતવાર માર્ગદર્શિકા જારી કરી હતી, પરંતુ તેની વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર કોઈ અસર થઈ ન હતી અને ઘટનાઓ સતત વધતી રહી હતી. એક વાર આ ખરડો કાયદો બની ગયા બાદ એ સુનિશ્ચિત કરવામાં આવશે કે કોચિંગ સેન્ટરોમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓએ ક્વોલિફાઇંગ પરીક્ષા આપવી પડશે. જો કોઈ તે પરીક્ષા પાસ ન કરે તો તે એન્જિનિયરિંગ અથવા તબીબી અભ્યાસક્રમોના કોચિંગ માટે પાત્ર રહેશે નહીં. આ કાયદો કોચિંગ સંસ્થાઓને જાહેરખબરો દ્વારા તેમના ટોપર્સને ગ્લોરીફાઈ કરવાનું બંધ કરવાની ફરજ પાડશે.

Most Popular

To Top