National

ટ્રેનમાં તમારો સામાન ચોરી થાય તો હવે રેલવેની જવાબદારી રહેશે નહીં

નવી દિલ્હી: મોટાભાગના પેસેન્જરો ટ્રેનમાં સામાન સીટની નીચે મુકતા હોય છે, પરંતુ હવે તમારા માટે એ જાણવું જરૂરી છે કે જો ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમારો સામાન ચોરાઈ જાય તો તેના માટે હવે તમે જ જવાબદાર છો. રેલવેની કોઈ જવાબદારી રહેશે નહીં.

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ગ્રાહક કોર્ટના આદેશને રદ કર્યો છે, જેમાં ભારતીય રેલ્વેને વર્ષ 2005માં મુસાફરી દરમિયાન ચોરાયેલી એક લાખ રૂપિયાની રકમ મુસાફરને આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, જો તમે હવે ટ્રેનમાં મુસાફરી કરો છો, તો કેટલીક રીતો અપનાવીને તમે તમારા સામાનને ચોરી થવાથી બચાવી શકો છો.

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે અગાઉના આદેશને રદ કર્યો હતો. આ અંગે તેમણે કહ્યું કે ‘આ રેલવે તરફથી સેવાનો અભાવ નથી. જો મુસાફર તેના સામાનની સુરક્ષા કરી શકતો નથી, તો તેના માટે રેલવે જવાબદાર ન હોઈ શકે.

ટ્રેનમાં સામાનને સુરક્ષિત રાખવા માટે આ બાબતોનું ધ્યાન રાખો
અજાણ્યાના ભરોસે સામાન ન મુકો: જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવ તો ક્યારેય પણ કોઈ અજાણ્યા વ્યક્તિના હાથમાં તમારો સામાન સોંપો નહીં. કોઈના ભરોસે ટોયલેટ ન જાવ. આવું કરવું તમને મોંઘુ પડી શકે છે, કારણ કે શક્ય છે કે એ જ અજાણ્યો વ્યક્તિ પેસેન્જરના રૂપમાં ચોર હોય અને તે તમારો સામાન ચોરી શકે.

સાંકળનો ઉપયોગ કરી શકો છો: જો તમે ટ્રેનમાં દૂર મુસાફરી કરી રહ્યા હોવ અને તમારી પાસે વધુ સામાન હોય તો તમે તમારા સામાનને સાંકળની મદદથી સીટ સાથે બાંધી શકો છો. તેનાથી તમારો સામાન સુરક્ષિત રહી શકે છે. તમારા સામાનને સાંકળો બાંધ્યા પછી તેની કાળજી લેવાનું ભૂલશો નહીં.

સામાન પાસે જ રહો: ઘણા લોકો પોતાના સામાન પ્રત્યે બેદરકાર હોય છે. ટ્રેનમાં ચઢ્યા પછી, તેઓ સામાનને સીટની નીચે રાખે છે અને ફરવા લાગે છે અથવા ટ્રેનમાંથી સ્ટેશન પર ઉતરી જાય છે. આવું બિલકુલ ન કરો. ધ્યાન રાખો કે દરેક સમયે સામાનની નજીક કોઈ હોવું જોઈએ, જેથી તમારો સામાન ચોરાઈ ન શકે.

Most Popular

To Top