Surat Main

ડિવિઝન નહીં આપી રેલવે સુરતના ભોગે મુંબઈનો વિકાસ કરી રહ્યું છે

સુરત રેલવે સ્ટેશનથી કરોડોની આવક થાય છે અને ખર્ચાય છે મુંબઈની સબર્બન ટ્રેન પાછળ
સુરત : સુરત અને દક્ષિણ ગુજરાતના નેતાઓનું અથવા તો કેન્દ્રમાં કંઇ ઉપજતું નથી અથવા તો તેમની અણવાડતને કારણે કેન્દ્ર દ્વારા આ પ્રદેશની હંમેશા ઉપેક્ષા કરવામાં આવી છે. દેશમાં રાજયકક્ષાના રેલવે મંત્રી જયારે સુરતના જ દર્શના જરદોષ છે ત્યારે તેઓ પણ સુરત માટે અત્યાર સુધી રેલવેના મામલે કોઇ નક્કર કામગીરી કરી શકયા નથી. હવે તેઓની અગ્નિ પરીક્ષા છે. સુરતને રેલવે ડિવીઝન નહીં બનાવવાની પાછળ વાસ્તવમાં મુંબઇના અધિકારીઓ અને સ્થાનિક રાજકારણ જવાબદાર છે, સુરત રેલવે સ્ટેશન એક અંદાજ પ્રમાણે રેલવેને વાર્ષિક પાંચસો કરોડ રૂપિયાની આવક રળી આપે છે. તેમ છતાં સુરતને ડિવિઝન નહીં બનાવાતાં તેને ડિવિઝન બનાવવાની માંગ શહેરમાંથી ઉઠી છે.

આ આવકનો ખર્ચ હવે મુંબઇની સબઅર્બન ટ્રેનોમાં પાડવામાં આવી રહ્યો છે. મુંબઇ સબઅર્બન ટ્રેનો કરોડોની ખોટ કરે છે. વેસ્ટર્ન રેલવે તેનો જે હિબાસ કિતાબ કરે છે. તે હિસાબ કિતાબમાં સુરત જેવા સ્ટેશનોની આવક મુંબઇ સબઅર્બન ટ્રેનો પાછળ વાપરતા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત સુરત રેલવે સ્ટેશન ઉપર મૂળભૂત સુવિધાઓ નથી. જેવી કે પ્લેટફોર્મ નંબર ચારનો વિકાસ હજી હમણાં શરૂ કરાયો છે. આ ઉપરાંત સુરતને ડિવીઝન આપવામાં આવેતો તેના જે ફાયદા થાય છે તેની વિગત અમને રેલવેના ડીઆરયુસીસી મેમબર હબીબ વોરા મારફત મળી છે.

જો ડિવિઝન મળે તો સુરતને શું-શું ફાયદો થશે

  • જો સુરતને રેલવે ડિવીઝન મળેતો ડીઆરએમની જગ્યા સીધી સુરતને મળી જાય
  • હાલમાં ડીવીઝનને અભાવે ઝાડૂ પણ લેવા જવુ હોયતો મુંબઇ પૂછવા જવું પડે છે.
  • સુરત શહેરમાં જયારે પોણો કરોડની વસતી છે ત્યારે સાફ સફાઇ જેવા મામલે પણ કોન્ટ્રાકટની પરમિશન પણ મુંબઇથી લેવી પડે છે.
  • સુરતને ડિવીઝન ફાળવાઇ આપોઆપ સુરતની આવક સુરતને મળી શકે છે.
  • જો આ આવક મળે તો તે નાણા પેસેન્જર્સની સુવિધા વધારવા પાછળ ખર્ચી શકાય તેમ છે.
  • સુરતને ડિવીઝન નહી હોવાને કારણે વર્લ્ડ કલાસ જેવા સ્ટેશનોની દરખાસ્ત મુંબઇના અધિકારીઓના ભરોસે કાગળ પર કચડાઇ ગઇ છે.
  • સુરતનેડિવીઝન મળે તો એન્જિનિયર સહિત ડીઆરએમ, ઉપરાંત અન્ય ઓથોરિટી આવી જતા તમામ મહત્વના રેલવેના નિર્ણયો સુરતમાં જ લઇ શકાય
  • આરપીએફનું વડું હાલમાં જયારે મુંબઇ છે તે ડિવિઝન આવતા સીધું સુરત બની જાય જેથી કાયદો અને વ્યવસ્થા રેલવે સ્ટેશન પર સીધો સુધારો જોઇ શકાય.
  • સુરત રેલવે સ્ટેશનને લગતી તમામ મહત્વની બાબતો સાફ સફાઇ, પ્લેટફોર્મ પર ફેસિલિટી, સીસીટીવી કેમેરા, સિક્યુરિટી , ટ્રેન ફાળવણી કે તે માટે માંગણીઓ અધિકારી લેવલ પરથી કરી શકાય.
  • સરવાળે તમામ પ્રજાલક્ષી નિર્ણયો સુરતમાં ડિવીઝન આવતા જાતે લઇ શકાય.

સુરત કરતાં અડધી આવક પણ નથી છતાં ભાવનગર અને રાજકોટ ડિવીઝન છે
ડીઆરયુસીસી મેમ્બર સુનીલ પટેલે જણાવ્યું કે, રાજકોટ અને ભાવનગરની આવક સુરત કરતાં અડધી છે તો પછી આ લોકોને જો રેલવે ડિવિઝન મળતાં હોય તો પછી સુરતને શા માટે નહીં. આ મામલે અમે લડાઇ લડવા માટે મકકમ છીએ.

શું કહે છે ચેમ્બર ઓફ કોમર્સ
ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, આ શહેરની વસતી પોણો કરોડ છે અને તેને રેલવે ડિવિઝન નથી મળ્યુ તે શરમની વાત છે. આ મામલે અમે વારંવાર માંગણી કરી છે. હવે જયારે સુરતના રેલવે મંત્રી દર્શનાબેન જરદોષ છે. ત્યારે આ મામલે ચોકકસ અમે નિવેડો લાવવા પ્રયાસ કરીશું.

Most Popular

To Top