National

પંજાબ, ઋષિકેશમાં ભૂકંપ: લોકો ઘરની બહાર દોડી આવ્યા

અમૃતસર: પંજાબના (Punjab) અમૃતસરમાં (Amritsar) આજે વહેલી સવારે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. અમૃતસરથી 145 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ (Richter scale) પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધવામાં આવી છે. આ અગાઉ દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભાવાયા હતા. ત્યારે પંજાબમાં ધરા ધ્રુજતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર પંજાબમાં અમૃતસરથી 145 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં આજે સવારે 3.42 વાગ્યે 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ભૂકંપની ઊંડાઈ જમીનથી 120 કિમી નીચે હતી. નોંધપાત્ર વાત એ છે કે ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધરતી ઘણી વખત ધરા ધ્રૂજી છે. ગત સપ્તાહે દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે. બે દિવસ પહેલા પણ પંજાબના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ગત 12મી નવેમ્બરની રાત્રે 8 થી 8:15ની વચ્ચે લગભગ 30 થી 40 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હતા. ચંદીગઢ અને પંજાબ ઉપરાંત સમગ્ર દિલ્હી એનસીઆરમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 માપવામાં આવી હતી. આ સાથે જ ઋષિકેશ (ઉત્તરાખંડ)માં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

દિલ્હી-NCRમાં અઠવાડિયામાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા
નોંધનીય છે કે એક સપ્તાહની અંદર દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મંગળવારે બપોરે 1.57 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેમની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 સુધી માપવામાં આવી હતી. આ પછી શનિવારે સાંજે લગભગ 7.57 કલાકે 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હતું.

ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે હિમાલયના ક્ષેત્રમાં ટેક્ટોનિક પ્લેટોના અસ્થિરતાને કારણે ઉચ્ચ તીવ્રતાના ધરતીકંપની સ્થિતિ ઊભી થઈ છે. પૃથ્વીના ગર્ભમાં રહેલા લાવા પર ટેક્ટોનિક પ્લેટો તરતી રહે છે. જ્યારે એક પ્લેટ બીજી પ્લેટના સંપર્કમાં આવે છે ત્યારે ભૂકંપના આંચકા આવે છે. ભારતીય પ્લેટ પર યુરેશિયન પ્લેટના સતત દબાણને કારણે તેની નીચે સંગ્રહિત ઊર્જા સમયાંતરે ભૂકંપના રૂપમાં બહાર આવતી રહે છે. છેલ્લા 100 વર્ષો દરમિયાન હિમાલયના ક્ષેત્રમાં 4 મોટા ભૂકંપ આવ્યા છે. જેમાં 1897માં શિલોંગમાં આવેલ ભૂકંપ, 1905માં કાંગડા, 1934માં બિહાર-નેપાળ અને 1950માં આસામનો સમાવેશ થાય છે. જે બાદ 1991માં ઉત્તરકાશી, 1999માં ચમોલી અને 2015માં નેપાળમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો.

નેપાળમાં 6 લોકોના મોત થયા છે
તમને જણાવી દઈએ કે લગભગ બે સપ્તાહ પૂર્વે ભારતના દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારના ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેપાળ હતું. અહીંના ડોટીમાં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા હતા.

Most Popular

To Top