National

PM મોદીએ હિમાચલમાં દેશના રક્ષકો સાથે દિવાળી ઉજવી, કહ્યું- તમારા થકી ભારત સુરક્ષિત છે

નવી દિલ્હી: દર વર્ષે દિવાળીના (Diwali) અવસર પર પીએમ મોદી (PM Modi) દેશના વિવિધ સરહદી વિસ્તારોની મુલાકાત લે છે અને સૈનિકો (Soldiers) સાથે દિવાળીની ઉજવણી કરે છે. ત્યારે વડાપ્રધાન મોદી આજે સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરવા હિમાચલ (Himachal) પ્રદેશના લેપ્ચા પહોંચ્યા છે. ત્યાં તેઓ સૈનિકોને મળ્યા હતા અને દિવાળીની શુભકામના પાઠવી હતી. સૈનિકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યાં સુધી તમારા જેવા બહાદુર સૈનિકો સરહદ પર તૈનાત છે ત્યાં સુધી ભારત સુરક્ષિત છે.

દિવાળીના પાવન પર્વની ઉજવણી વડાપ્રધાન મોદી 2014થી દેશના જવાનો સાથે કરી રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીની ઉજવણી માટે વડાપ્રધાન મોદી હીમાચલની તિબેત બોર્ડર પહોચ્યાં હતાં. જેની માહિતી આપતા તેઓએ પોતાના ટ્વીટર એકાઉંટ પર પોસ્ટ કરી હતી. આ સાથે જ જણાવી દઇયે કે આ વર્ષે સતત 10મી વાર વડાપ્રધાન મોદી દેશના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા જઇ રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે લેપ્ચામાં આપણા બહાદુર સુરક્ષા દળો સાથે દિવાળી વિતાવવી એ ઊંડી લાગણી અને ગર્વથી ભરેલો અનુભવ રહ્યો છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આપણા સુરક્ષા દળોની હિંમત અતૂટ છે. તહેવારો દરમિયાન તેમના પ્રિયજનોથી દૂર, મુશ્કેલ પ્રદેશોમાં તૈનાત, તેમનું બલિદાન અને સમર્પણ આપણને સુરક્ષિત રાખે છે. આપણા રાષ્ટ્રના આ રક્ષકો તેમના સમર્પણથી આપણું જીવન ઉજ્જવળ કરે છે.

મળેલી વિગતો મુજબ વડાપ્રધાન મોદીએ 2014માં વિશ્વના સૌથી મોટા યુદ્ધક્ષેત્ર સિયાચીનમાં દિવાળીની ઉજવણી કરી હતી. ત્યાર બાદ 2015માં પંજાબના અમૃતસરમાં અને 2016માં હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 2017માં વડાપ્રધાન મોદી જમ્મુ અને કાશ્મીરના ગુરેઝ પહોચ્યા હતાં. આ સાથે જ 2018માં ઉત્તરાખંડમાં કેદારનાથ અને 2019માં જમ્મુ વિભાગના રાજોરીમાં સૈન્યના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

વડાપ્રધાન મોદીએ વર્ષ 2020માં રાજસ્થાનના જેસલમેરમાં, વર્ષ 2021માં જમ્મુ વિભાગના રાજોરી જિલ્લાના નૌશહરામાં અને વર્ષ 2022માં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના કારગીલમાં દિવાળીની ઉજવણી કરી હતી. તેમજ આ વર્ષે તેઓ તિબેટ બોર્ડર પહોંચ્યા હતાં સાથે જ દેશવાસીઓને પણ શુભકામનાઓ પાઠવી છે.

કારગીલમાં મોદીએ કહ્યું હતું- ભારતે હંમેશા યુદ્ધ ટાળવાનો પ્રયાસ કર્યો છે
કારગીલમાં સૈનિકોને સંબોધન કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત હંમેશા શાંતિને સમર્થન કરતુ રહ્યું છે. ભારતે હંમેશા યુદ્ધને ટાળવાના પ્રયાસો કર્યા છે. ​​​​​પરંતુ ભારત યુધ્ધને છેલ્લો ઉપાય માને છે. સાથે જ ભારત પાસે પોતાના વિરોધી દેશોને જડબાતોડ જવાબ આપવાની પણ તાકાત છે.

વધુમાં વડાપ્રધાને કહ્યું હતું કે અમારા સૈનિકોની દિવાળી અને અમારી આતશબાજી અલગ પ્રકારની હોય છે. તમારી આતશબાજી અને ધડાકા પણ અલગ હોય છે. આ સાથે જ મોદીએ મહાકાવ્ય રામાયણ અને મહાભારતનો ઉલ્લેખ કર્યો હતો. અને કહ્યું હતું કે ભારતીય પરંપરા છે કે યુદ્ધ લંકામાં હોય કે કુરુક્ષેત્રમાં તેને છેલ્લી ઘડી સુધી સ્થગિત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. અમે વિશ્વ શાંતિના પક્ષમાં છીએ. આજે સમગ્ર વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે જે આજે એક ‘સંતુિલત શક્તિ’ છે.

Most Popular

To Top