Charchapatra

વસ્તીવધારો બન્યો છે માથાનો દુખાવો

સમગ્ર વિશ્વમાં 11 જુલાઇના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વ માટે માથાનો દુખાવો બનેલા પ્રશ્નો પૈકી એક છે વધતી વસ્તી. આથી આ સમસ્યા પ્રત્યે લોકો જાગૃત બને એ હેતુથી સંયુકત રાષ્ટ્રસંઘના પ્રયત્નોથી સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ સંચાલન પરિષદ દ્વારા 1989 થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જયારે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે અનુભવાતા પ્રશ્નોનો વિચાર કરીએ તો વસ્તીનો પ્રશ્ન આપણા મનમાં આવે જ નહિ.

આપણો દેશ આઝાદ થયો ત્યારે દેશની વસ્તી અંદાજે 36 કરોડ જેટલી હતી જે આજે વધીને અંદાજે 136 કરોડ જેટલી થઇ ગઇ છે. કહેવું મુશ્કેલ છે કે એ કયાં જઇને અટકશે? અને થોડા જ સમયમાં આ મામલે આપણે ચીનથી આગળ નીકળી જઇશું. સામાન્ય વ્યકિત સાથે વાતચીત કરીએ તો એવો નિષ્કર્ષ નીકળે કે તે સમય જતાં વસ્તી તો વધવાની જ છે! થોડો વિચાર કરીએ તો જણાય કે આજે દેશમાં કેટલાંય લોકો વસ્તીવધારો નિયંત્રણમાં ન હોવાને લીધે ભૂખેથી પીડાય છે.

કુપોષણનો ભોગ બને છે. વળી બેરોજગારી, શિક્ષણનો નીચો દર જીવનની નીચી ગુણવત્તા વગેરે કયાંક ને કયાંક આ બાબત સાથે જોડાયેલી છે. પછાત કુટુંબમાં વધુ બાળકો એમ રોજગારીનો વધુ સ્રોત એમ ગણાય છે, પરંતુ કયાંક ને કયાંક તેની પાછળ થતી હાલાકીથી તેઓ અજાણ છે અને આજે પણ કુટુંબનિયોજન અંગે અજાગૃતિ વર્તાઈ રહી છે. હાલમાં જ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ‘વસ્તી નિયંત્રણ ખરડા’નો મુસદ્દો તૈયાર કરાયો, જે અંતર્ગત બે કરતાં વધુ બાળકો હશે તો સરકારી નોકરી, સબસીડી વગેરે બાબતોનો લાભ નહિ મળે એવું જાહેર કરાયું અને વિપક્ષો દ્વારા તેનો વિરોધ પણ થયો. પરંતુ ‘નાનું કુટુંબ’ વિશે વિચારીએ તો આ નિર્ણય ખોટો ગણી ન શકાય. કુટુંબના વિકાસનું પ્રથમ પગથિયું સમગ્ર દેશ માટે વિકાસની સીડી બની શકે એમ કહેવું ખોટું નથી. કારણ કે પછી આપણે જ કહીએ છીએ કે સરકાર દ્વારા લેવાતાં પગલાં અને યોજનાઓ અપૂરતી છે પરંતુ સામે વસ્તીવધારો પણ  અમર્યાદિત છે ને! મોટા વરાછા – યાશિકા કિ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top