Dakshin Gujarat

ઝઘડિયામાં ધંધાકીય અદાવતમાં બે જૂથ વચ્ચે ગેંગવોર, પાંચ રાઉન્ડ ફાયરિંગ, 10 ગાડીની તોડફોડ

ભરૂચ, ઝઘડિયા: ઝઘડિયા GIDCમાં બે જૂથ વચ્ચે ધંધાકીય હરીફાઈમાં શનિવારે ગેંગવોરમાં (Gangwar) સામસામે ખૂની ખેલમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ (Firing) કરાયું હોવાની ઘટના બની છે. ઘણા સમયથી ઉદ્યોગોમાં ધંધાકીય તીવ્ર સ્પર્ધા હોવાથી બે રાજકીય પાર્ટીનાં જૂથ વચ્ચે ભારે લડાઈ ઉદભવે એવા અણસાર દેખાતા હતા. અંકલેશ્વરનો જયમીન પટેલ અને સામે માજી ધારાસભ્ય છોટુ વસાવાના ભાણેજ પુત્ર રજની વસાવાની ધંધાકીય સ્પર્ધામાં શનિવારે ઝઘડિયા GIDCમાં ગેંગવોર ઊભી થઇ હતી. આ રમખાણમાં ૧૦થી વધુ કારના કાચ અને અન્ય વસ્તુઓ તોડી નાંખી હતી. આ લોહિયાળ જંગમાં પ્રાથમિક માહિતી અનુસાર એકને તીક્ષ્ણ હથિયાર મારી દેતાં હોસ્પિટલાઈઝ છે. જો કે, સમગ્ર ઘટનાના પગલે પોલીસ વિભાગે ઘટના સ્થળે દોડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • અંકલેશ્વરના જયમીન પટેલ અને માજી ધારાસભ્ય છોટુ વસાવાના ભાણેજના પુત્ર રજની વસાવાના જૂથ વચ્ચે હિંસક અથડામણ
  • એક શખ્સને ધારિયું વાગતાં ઢળી પડ્યો, તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરાયો

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર શનિવારે ઝઘડિયા GIDCમાં બપોરે બે જૂથો વચ્ચેની ગેંગવોરમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના બની છે. ખાસ કરીને અંકલેશ્વરનો જયમીન પટેલ તેમજ તેમની સામે રજની વસાવા વચ્ચે ઘણા સમયથી ધંધાકીય સ્પર્ધા હતી. ઉદ્યોગોમાં કન્સ્ટ્રક્શનનાં કામો લેવાના મુદ્દે ગજગ્રાહ હતો. ઔદ્યોગિક વિસ્તારમાં ધંધો હકારાત્મકની જગ્યાએ નકારાત્મક રીતે જમાવવા માંગતા હતા. શનિવારે બપોરે ઝઘડિયા GIDCમાં બંને જૂથ રોડ પર ભેગાં થતાં લગભગ ૧૦ ગાડીના કાચ અને મારક હથિયાર વડે અન્ય નુકસાન થયું હતું, જેમાં આ રમખાણમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. આ જંગમાં એક શખ્સને ધારિયું વાગતાં ઢળી પડતાં તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનાની જાણ થતાં અંકલેશ્વર DYSP તેમજ LCB પોલીસે ઘટના સ્થળે દોડી આવીને તમામ માહિતી મેળવી વધુ કાર્યવાહી હાથ ધરશે એમ લાગી રહ્યું છે. આ ઘટના બનતાં આખો વિસ્તાર સ્તબ્ધ થઇ ગયો છે. જો કે, રાજકીય આકાઓ પોતાના જૂથને બચાવવા માટે તંત્ર પર દબાણ લાવવામાં સક્રિય થાય એવું લાગી રહ્યું છે.

Most Popular

To Top