Gujarat

પીએમ મોદી વિશે અપમાનજનક ટિપ્પણી બદલ ભાજપના નેતાઓ આપ પર લાલઘૂમ

ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરવાના મામલે આપના ગોપાલ ઈટાલિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયો છે, જેના પગલે ભાજપ (BJP) તથા આપની (AAP) નેતાગીરી આમને -સામને આવી ગઈ છે. કેન્દ્રિય મહિલા આયોગ દ્વારા પણ ગોપાલ ઈટાલિયાને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે ભાજપની નેતાગીરી પણ લાલઘૂમ થઈ ગઈ છે. ભાજપની નેતાગીરીએ કહ્યું છે કે પીએમ મોદી વિશે ગોપાલ ઈટાલીયાએ કરેલી ટિપ્પણીથી આખા ગુજરાતના લોકોને ભારે દુ:ખ થયું છે, જેનો જવાબ વિધાનસભાની ચૂંટણીમાં પ્રજા હવે આપને આપશે.

પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી તથા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી માટે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ લાંછન પહોંચે તેવા હિન શબ્દો વાપર્યા છે તેને ગુજરાત તેમજ દેશના નાગરિકો વતી અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. રાજનીતિમાં વિચારઘારાના મતમંતાર હોઇ શકે પરંતુ રાજનીતિક મુલ્ય સાથે ક્યારેય પણ છેડ છાડ યોગ્ય નથી. ગોપાલ ઇટાલીયાએ વાપરેલી ભાષા અને શબ્દોનું સંજ્ઞાન આમ આદમી પાર્ટીના કેજરીવાલે લઇને આ શબ્દો માટે કડકમાં કડક કાર્યવાહીની ગુજરાતની પ્રજા માંગણી કરી રહી છે.

હાલમાં જ કેજરીવાલના મંત્રીએ ધર્માતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને હિન્દુ દેવી દેવતાઓના અપમાનને સમર્થન આપ્યું હતું. તેના પડઘા રૂપે તેમના મંત્રીનું રાજીનામું લઇ લેવામાં આવ્યું તો ગોપાલ ઇટાલીયાને શા માટે આમ આદમી પાર્ટી છાવરે છે તેનો જવાબ ગુજરાતની જનતા સમક્ષ કેજરીવાલે આપવો જોઇએ. શું કામ ગોપાલ ઇટાલીયાને બચાવવા દિલ્હી અને રાજયમાં પત્રકાર પરિષદને સંબોઘવામાં આવે છે તેનો જવાબ ગુજરાતની પ્રજા માંગે છે.

આપના અડધો ડઝન નેતા જેલમાં જઈ આવ્યા છે કે જેલમાં છે: ગોરધન ઝડફિયા
તેમણે કહ્યું હતું કે નૈતિકાતાની વાતો કરનાર આમ આદમી પાર્ટીના અડધો ડઝન જેટલા મંત્રીઓ અને ડઝન જેટલા ધારાસભ્યો અને નેતાઓ જેલમાં જઇ આવ્યા છે કે જેલમાં છે અને બેલ પર છે. રાજનૈતિક મુલ્યોનું પતન એ જ આમ આદમી પાર્ટીની માનસિકતા છે. કેજરીવાલે સર્જીકલ સ્ટ્રઇક, એર સ્ટ્રાઇકના સબુત માંગીને ભારતીય સેનાનું મનોબળ તોડવાનું કામ કર્યુ તે તેમની દેશ વિરોધી માનસિકતા છતી કરે છે. જેઅનયુમાં દેશ વિરોઘી સુત્રોચ્ચાર કરનાર ટુકડે ટુકડે ગેંગના લોકોની પડખે ઉભા રહેનાર કેજરીવાલની દેશ વિરોધી પ્રવૃતિઓથી દેશના લોકો માહિતગાર છે. આ દેશે કોમ્યુનિસ્ટ વિચારધારા, સમાજવાદી વિચારધારા, કોંગ્રેસી વિચારઘારા વાળા રાજકીય પક્ષો જોયા છે પરંતુ પ્રથમ વખત દેશ વિરોધી માનસિકતા વાળા, ખાલિસ્તાની વિચારઘારા અને ભાગલાવાદી પ્રવૃતિ કરનાર આમ આદમી પાર્ટી દેશ સમક્ષ પોત પ્રકાશી રહી છે.

મારી ભાષા ખરાબ હોય તો મને ફાંસીએ ચડાવી દો : ગોપાલ ઈટાલિયા
બીજી તરફ ગોપાલ ઈટાલિયાએ વાઈરલ વિડીયો અંગે કહ્યું કે હું પાટીદાર છું, પટેલ છું એટલે મારા પર ભાજપ સીધો ટાર્ગેટ કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી તરફ અત્યારે પાટીદાર સમાજ આકર્ષાઈ રહ્યો છે તથા બીજી બાજુ ભાજપથી સમગ્ર સમાજ નારાજ ચાલી રહ્યો છે. આને જોતા મને હેરાન કરવા માટે જૂના, સાચ્ચા-ખોટા વિડીયો વાઈરલ કરીને ટાર્ગેટ કરાઈ રહ્યો છે. વળી આ વિડીયો સાચ્ચો છે કે ખોટો કોને ખબર…..જો મારી ભાષા ખરાબ હોય તો મને ફાંસીએ ચઢાવી દો. મને જેલ ભેગો કરો પરંતુ એ જવાબ ભાજપે જરૂર આપવો પડશે કે જનતાના કલ્યાણનું શું થશે. ભાજપ રોજગારી, શિક્ષણ અને લઠ્ઠાકાંડ મુદ્દે કોઈપણ પગલા ભરી રહી નથી. તેવામાં હવે મુદ્દા પરથી ભટકાવવામાં આવી રહ્યા છે. અત્યારે ચૂંટણી દરમિયાન વિકાસનો મુદ્દો હોવો જોઈએ આ જૂના અથવા ફેક વિડીયોના મુદ્દાથી ભાજપ ભટકાવવા પ્રયત્ન કરી રહી છે.

Most Popular

To Top