Gujarat

ભ્રષ્ટાચાર પર કાતર મારવી એ મારી સર્જરી છે : મોદી

અમદાવાદ : પીએમ (PM) મોદીએ મેડિસિટી (સિવિલ હોસ્પિટલ) અમદાવાદ (Ahmedabad) ખાતે રૂ. ૧૨૭૫ કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. તેમણે આ સમારંભમાં કહ્યું હતું કે, શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે ક્ષેત્રો એવા છે જે માત્ર વર્તમાન જ નહીં પરંતુ ભવિષ્યને પણ સુરક્ષિત કરવાનું સમાર્થ્ય ધરાવે છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે સંસાધનોમાં સંવેદના જોડાય ત્યારે તેનો ઉપયોગ પરિણામલક્ષી બની શકે છે. જેનો લાભ ગરીબ, મધ્યમવર્ગ, મહિલાઓ અને બાળકોને મળે છે. સંસાધનો સાથે સંવેદના જોડાતા સંસાધનો સેવાનું ઉત્તમ માધ્યમ બને છે.

અમદાવાદ સિવિલ મેડિસિટીમાં વિવિધ આરોગ્ય પ્રકલ્પોને ખુલ્લા મુકતા પીએમ મોદીએ કહ્યું હતું કે અમદાવાદ-ગુજરાતમાં વિશ્વની સૌથી એડવાન્સ મેડિકલ ફેસિલિટી ધરાવતી મેડિસિટી કાર્યાન્વિત થતાં અમદાવાદ આજે મેડિકલ ટુરિઝમનું હબ બન્યું છે. મેડિસિટી માત્ર આરોગ્યની એક સંસ્થા જ નહીં પરંતુ ગુજરાતના સામર્થ્યનું પ્રતિક છે. વડાપ્રધાનએ આ પ્રસંગે ૮૫૦ બેડની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ, સિવિલ મેડિસિટીમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્ટિટ્યૂટના 1-સી બ્લોક તથા યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની નવનિર્મિત ઇમારતનું લોકાર્પણ, સોલા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ન્યૂ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભીલોડા અને અંજાર ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા અસારવા સિવિલ કેમ્પસમાં મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ અને રૈનબસેરાનું ખાતમુહૂર્ત કર્યુ હતું.

તેમણે રાજ્ય સરકારના “વન ગુજરાત-વન ડાયાલિસિસ” કાર્યક્રમ અંતર્ગત કુલ ૧૮૮ ડાયાલિસિસ સેન્ટર તથા રાજ્યમાં જિલ્લા મથકો પર ૨૨ (બાવીસ) ડે કેર કિમોથેરાપી સેન્ટરનો શુભારંભ કરાવ્યો અને નવિન ૧૮૮ ડાયાલિસિસ સેન્ટર સાથે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (GDP) અંતર્ગત રાજ્યમાં કુલ ૨૭૦ નિઃશુલ્ક ડાયાલિસિસ સેન્ટરો કાર્યરત કરાવ્યા હતા.
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, આજથી ૨૦થી 25 વર્ષ પહેલા રાજ્યની વ્યવસ્થાઓને અનેક બીમારીઓએ જકડી રાખી હતી. આરોગ્ય ક્ષેત્રે અપૂરતી સુવિધાઓ, શિક્ષણની વ્યવસ્થાઓમાં અભાવ, વીજળીમાં અવરોધ, પાણીની તંગી, કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અને સૌથી વિશેષ વોટ બેંકના રાજકારણે ગુજરાતના વિકાસને અવરોધી રાખ્યો હતો. આજે ગુજરાત આ બધી બિમારીથી સ્વાસ્થ્ય થઇ આગળ વધી રહ્યુ છે.

આજે હાઇટેક હોસ્પિટલની ચર્ચા થાય ત્યારે ગુજરાતનું નામ સૌથી પહેલા લેવાય છે. ગુજરાતમાં વિજળી, પાણી એને કાયદાની સ્થિતિ સુઘરી ગઇ છે. આજે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસ વાળી સરકાર સતત ગુજરાતની સેવા માટે કામ કરે છે. આજે અમદાવાદમાં હાઇટકે મેડીસીટી અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સેવાથી ગુજરાતને નવી ઓળખ મળશે. સરકારની નિયત ચોખી ન હોય, જનતા જનાર્દન માટે સંવેદના ન હોય તો રાજયની સ્વાસ્થ્ય સુવિધા પણ નબળી પડી જાય છે. પહેલા ગુજરાતના લોકોએ આ પીડા વેઠી છે.

મોદીએ જણાવ્યું હતું કે આજે અમદાવાદમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સેવાઓએ ગુજરાતને નવી ઉંચાઈ આપી છે. મેડિસિટીમાં ગુજરાતના લોકોને સારી સુવિધાઓ અને સારવાર મળશે, મેડિકલ ટુરિઝમ ક્ષેત્રમાં વૃદ્ધિ થશે. ભ્રષ્ટાચાર પર કાતર મારવી એ મારી સર્જરી છે. ૨૦ વર્ષ પહેલા રાજ્યમાં માત્ર ૯ મેડિકલ કૉલેજ હતી આજે ૩૬ મેડિકલ કૉલેજ કાર્યરત બની છે. જેમાં અગાઉ યુ.જી,પી.જીની ૨૨૦૦ બેઠકો હતી જે પણ વધીને આજે ૮૫૦૦ થઇ છે. ગુજરાતમાં જે કાર્યસંસ્કૃતિ વિકસાવી તેની રાહ પર સમગ્ર દેશમાં પણ વિકાસ કાર્યો હાથ ધર્યા તેના પરિણામે ૮ વર્ષમાં દેશમાં નવી ૨૨ એઇમ્સની શરૂઆત કરી છે. જેમાંથી ગુજરાતના રાજકોટમાં પણ એક એઇમ્સ કાર્યરત બની છે. સાથે સાથે સરકારી હોસ્પિલમાં જે-તે સમયે ૧૫૦૦૦ બેડ હતાં જે આજે વધીને ૬૦ હજાર થયા છે. એટલું જ નહીં. પી.એચ.સી., સી.એચ.સી. અને વેલનેસ સેન્ટરનું સુદ્રઢ નેટવર્ક ગુજરાતમાં તૈયાર થયું છે.

8 વર્ષમાં દેશના જુદા જુદા હિસ્સામાં 22 નવી એઇમ્સ આપી છે જેનો લાભ પણ ગુજરાતને મળ્યો છે. રાજકોટમાં ગુજરાતની પહેલી એઇમ્સ મળી છે. એ દિવસ દુર નથી કે જ્યારે ગુજરાત મેડિકલ રિસર્ચ, ફાર્મા રિસર્ચ, બાયોટેક રિસર્ચમાં સમગ્ર દુનિયામાં પરચમ લહેરાવશે. ગુજરાત સરકાર ડાયાલિસીસ જેવી સેવા તાલુકા સ્તરે આપી રહી છે. સરકાર સંવેદનશીલ હોય ત્યારે તેનો સૌથી મોટો લાભ સમાજના નબળા અને ગરીબ વર્ગના પરિવારને મળે છે.

તેમણે કહ્યું હતું કે, સર્જરી દ્વારા જુની સરકારી વ્યવસ્થાઓમાં સમૂળગું પરિવર્તન, દવાઓ સ્વરૂપે નવી વ્યવસ્થાઓ ઉભી કરવાના નિત્યનવા પ્રયાસો અને સારસંભાળ સ્વરૂપે લોકોની તકલીફો-પીડાઓ દૂર કરવા સંવેદનશીલતા અને પારદર્શિતાથી કામ કર્યું છે. આ યજ્ઞથી ગુજરાત આજે સુખ સુવિધાઓમાં અગ્રેસર બન્યું છે. વડાપ્રધાન મોદીએ વન અર્થ, વન હેલ્થ મિશનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ અભિગમથી કામ કરીશું તો જ વિશ્વમાં સુખાકારી વધશે. કોરોનાના સમયમાં કેટલાય દેશોમાં વેક્સિનનો એક પણ ડોઝ મળ્યો ન હતો ત્યારે આ અભિગમથી જ આપણે દુનિયામાં અનેક દેશોમાં જ્યાં જરૂર હતી ત્યાં સ્વદેશી વેક્સિન પહોંચાડી હતી. કોરોના સામેની લડતમાં હોલિસ્ટિક એપ્રોચ સાથે બહુઆયામી પ્રયાસો ભારતે હાથ ધર્યા હતા.

જ્યાં સંસાધનો સાથે સંવેદનાઓ જોડાય છે ત્યારે સંસાધન સેવાનું ઉત્તમ માધ્યમ બને છે તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ચિંરજીવી યોજના, ખિલખિલાટ યોજના, મિશન ઇન્દ્રધનુષ, માતૃવંદના યોજનાના અસરકારક અમલીકરણના પ્રયાસોથી માતા અને શીશુ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનના પરીણામે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત દીકરાઓના સાપેક્ષે દીકરીઓની સંખ્યામાં વધારો થયો છે. ડબલ એન્જિન સરકારથી ગુજરાતના લોકોને થતા લાભનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, વિશ્વની સૌથી મોટા આરોગ્ય વીમા કવચ પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અને ગુજરાતની મા યોજનાનું સંકલન આજે ગુજરાતના ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારોની ચિંતા દૂર કરીને આરોગ્ય સુખાકારીમાં વધારો કરી રહ્યું છે.

Most Popular

To Top