National

સરહદે ચીની દળોની ચાલુ રહેલી જમાવટ ચિંતાજનક: CDS

પુણે: ભારતની ઉત્તરીય સરહદોએ ચીનના લશ્કર પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ)ના (PLA) દળોની ચાલુ રહેલી મોટી સંખ્યામાં તૈનાતી એક પડકાર છે અને આપણા સશસ્ત્ર દળો અંકુશ હરોળ પરના દેશના દાવાની કાયદેસરતાને જાળવી રાખવા માટે પ્રતિબધ્ધ છે એમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ (CDS) અનિલ ચૌહાણે આજે જણાવ્યું હતું.

નેશનલ ડીફેન્સ એકેડેમીની ૧૪૪મી કોરની પુણેમાં યોજાયેલ પાસીંગ આઉટ પરેડ સમયે સંબોધન કરતા તેમણે એમ પણ જણાવ્યું હતું કે સશસ્ત્ર દળો આપણા નજીકના જ નહીં પરંતુ દૂરના પાડોશી દેશોમાં પણ શાંતિ અને સ્થિરતા જાળવવામાં રચનાત્મક ભૂમિકા ભજવવા માટે પ્રતિબધ્ધ છે. બાદમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ઉત્તરીય સરહદોએ પીએલએની તૈનાતી દિવસે દિવસે વધતી તો નથી, પરંતુ તે ૨૦૨૦માં જે સ્તરે હતી તે જ સ્તરે છે. અને તેથી એક પડકાર છે અને સશસ્ત્ર દળો તમામ પ્રકારના પગલા લઇ રહ્યા છે જેથી કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં એમ તેમણે કહ્યું હતું. સમગ્ર વાતનો ખયાલ એ છે કે આપણે અંકુશ હરોળની કાયદેસરતાના આપણ દાવાને જાળવી રાખવામાં સક્ષમ બની રહીએે. આપણે તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી શકવા સક્ષમ હોવા જોઇએ તે જ્યાં આપણે ૨૦૨૦માં કટોકટી સર્જાઇ તે પહેલા પેટ્રોલિંગ કરી શકતા હતા એમ તેમણે કહ્યું હતું.

આપણે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ કે જ્યારે વૈશ્વિક સુરક્ષા સ્થિતિ બહુ સારી નથી અને આંતરરાષ્ટ્રીય ભૂરાજકીય સ્થિતિ અચોક્કસ છે. યુરોપમાં યુદ્ધ ચાલી રહ્યું છે, આપણી ઉત્તરીય સરહદોએ પીએલએની તૈનાતી ચાલુ રહી છે અને આપણા પાડોશી દેશમાં આર્થિક વમળો છે. આ તમામ બાબતો ભારતીય લશ્કર સામે જુદા જુદા પ્રકારના પડકાર સર્જે છે એમ તેમણે કહ્યું હતું. સીડીએસ ચૌહાણે જણાવ્યું હતું કે આપણે તમામ સ્થળો ચીની લશ્કર પાસેથી પાછા મેળવવામાં સફળ રહ્યા છીએ, સિવાય કે બે – ડેમચોક અને દેપસાંગ. મંત્રણાઓ ચાલી રહી છે અને આશા છે કે તે પણ પાછા મળી જશે.

Most Popular

To Top