Charchapatra

વિકાસના અગ્રદૂતો: પારસીઓના આવ્યાના 1392 વર્ષ

શાંતિપ્રિય, શાણી, ધીરગંભીર, મીઠી જબાનવાળી ધર્મનિષ્ઠ પારસી પ્રજાને ઇરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે રક્ષણ કરવાનું અશકય લાગતાં આજથી આશરે 1392 વર્ષ પહેલાં ઇ.સ. 711 માં ભારત-સંજાણ બંદરે ઊતર્યાં ત્યારે ગુજરાતમાં હિંદુ જાદી રાજાનું રાજ હતું. દૂધમાં સાકર ભળે તેમ ભળી જઇશું એ સંકલ્પ તેમણે આજ સુધી પાળ્યો. તેઓ ઇરાનથી સાથે અગ્નિ લાવેલા. તેની ઉદવાડામાં સ્થાપના કરી તે આતશ બહેરામ કહેવાય છે. આગાના વડ, માર્કેટ પાસે પણ આતશ બહેરામ છે. નર્મદનગરી સુરતના અને રાષ્ટ્રના વિકાસમાં પારસી મિત્રોનો નોંધપાત્ર ફાળો છે. સુરતમાં સોરાબજી જે.જે. ટ્રેનિંગ કોલેજ, ટાવર, એન્ડ્રુઝ લાયબ્રેરી, પારસી પંચાયતની શૈક્ષણિક સંસ્થાઓ, મસ્કતિ હોસ્પિટલ વગેરે નોંધપાત્ર છે.

અરે, આપણું દોઢ સદીથી વધુ સમયથી ગમે તે મુશ્કેલીમાં પણ નિયમિત પ્રગટ થતું અગ્રિમ અખબાર ‘ગુજરાતમિત્ર’ પણ પારસી સજ્જને શરૂ કર્યાનું યાદ છે. રતન તાતા, જમશેદજી તાતા, ફિલ્ડ માર્શલ જનરલ માણેકશા, પીલુ મોદી, મેડમ કામા, ડો. હોમી ભાભા, સુરતના ડો. રતન માર્શલ, પદ્મશ્રી યઝદીભાઇ કરંજીયા, જીમી પાતલવાલા, જમશેદજી દોટીવાલા, સોલી કાટપીટીયા, ગુસ્તાદ વાડિયા, ડોલીબેન કોન્ટ્રાકટર, દોરદીબેન (પીએ) વગેરેનું સ્મરણ થાય છે. વ્યાયામ શાળાઓ અને નાટક મંડળીઓ પારસીઓએ શરૂ કરેલી. પારસી સજ્જનોના પવિત્ર તહેવાર પતેતી નવા વર્ષની શુભેચ્છાઓ. એમની મીઠી બોલી, શાંત સ્વભાવ, મિલનસારપણું ને અહુરમઝદ પિતાની નિષ્ઠાભરી ભકિત ઘણું શીખવા જેવું છે.
સુરત     – ભગુભાઇ પ્રે. સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top