Comments

પ્રજા મોંઘવારીમાં પીસાય છે, ભાજપ નો-રિપીટમાં રાચે છે ને સરકાર એકડા ઘૂંટે છે

પેટ્રોલ-ડીઝલ-ગેસ સહિતની જરૂરી ચીજવસ્તુઓના ભાવવધારાથી (Price Rise) ગુજરાતના લોકો ત્રસ્ત થયેલા છે. શાકભાજી, ખાદ્યતેલ, અનાજ-કઠોળ સહિતની વસ્તુઓના વધતા ભાવ વચ્ચે એવી લોલીપોપ દેખાડાઇ રહી છે કે ભારતીય અર્થતંત્ર 2022માં વિશ્વનું સૌથી ઝડપી વૃદ્ધિ ધરાવતું અર્થતંત્ર બનવાનું છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ જેવી સંસ્થા દેશની ઇકોનોમી માટે આવી આગાહી કરે એ આપણા માટે સારું જ કહેવાય પણ આજે સામાન્યજનને તો એવી આગાહી સાંભળવાની ઇન્તેજારી છે કે આ મોંઘવારી (Inflation) ક્યારે ઘટશે? 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Election) પણ છે ને 2024માં દેશની લોકસભાની ચૂંટણી છે.

બીજી તરફ રાજ્યની નવી વરાયેલી સરકારના નવા નક્કોર મંત્રીઓ પોતપોતાના વિસ્તારોમાં જનઆશીર્વાદ યાત્રઓ કાઢી રહ્યા છે. પ્રજાના આશીર્વાદની એમને અત્યાર જરૂર લાગી રહી છે. મોંઘવારીમાં ત્રસ્ત પ્રજા આશીર્વાદ આપવાને પણ હોશમાં રહી નથી. હાલના મંત્રીઓ જનઆશીર્વાદ માગી રહ્યા છે, પણ પ્રજા જ્યારે આશીર્વાદ આપવા હાથ લંબાવશે ત્યારે તો તેઓની ખુરશી કદાચ નહીં બચી હોય. રાજ્યના ભાજપ પ્રમુખ પાટીલ સાહેબ જ્યાં જાય છે ત્યાં નો-રિપીટના અને ગુણવત્તાયુક્ત પરફોર્મન્સના દંડા પછાડતા રહે છે.

હમણાં ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં પાર્ટીના પેજપ્રમુખોના કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમમાં તેમણે એવો દિલધડક ઇશારો આપ્યો કે વિધાનસભાની આગામી ચૂંટણીમાં 100 નવા ચહેરાઓને ઉતારાશે. હવે હાલની સ્થિતિએ ભાજપના 117 ધારાસભ્યો છે, તે જોતાં એમની આ વાત માટે શું સમજવું ? જૂના જોગીઓની મોટાપાયે સાફસૂફ થવાની એ નક્કી છે. પાટીલસાહેબ અત્યારથી આવું બોલી બોલીને નેતાઓને માનસિક રીતે તૈયાર કરી રહેલા લાગે છે કે બસ, હવે તો નો-રિપીટ. તેઓ કહે છે કે  મારી પાસે ટિકિટ માગવા આવવાનું નહીં.

હું કંઇ નક્કી કરતો નથી. જે કોઇ ફરિયાદો હોય તે ઉપર સાહેબને કહેવી. જે રીતે નો-રિપીટની ધૂમ મચેલી છે, તે જોતાં લાગે છે કે હાલના 60-70 ધારાસભ્યોનાં પત્તાં કપાશે. જેમની ઉંમર 60 વર્ષથી વધી હોય એમણે તો હવે વિધાનસભાની ટિકિટની અપેક્ષા જ નહીં રાખવાની. ત્રણ ટર્મ કરતાં વધુ સમયથી જીતતા આવેલા ધારાસબ્યોને પણ પડતા મૂકવાની વાતે કંઇકના પેટમાં તેલ રેડાયું છે. એક તરફ એવું કહેવાઇ રહ્યું છે દરેક કાર્યકર ટિકિટ માગી શકે છે ને બીજી તરફ કહેવાય છે કે કોને ટિકિટ આપવી ને કોને નહીં, તે હાઇકમાન્ડ નક્કી કરે છે.

સિનિયર નેતાઓને સાવ વેતરી નાખવા માટે અત્યારથી ધાર કઢાઇ રહી છે. જોવાની વાત એ છે કે કોઇ ક્યાંય કંઇ બોલતું નથી. વાત તો એવી કહેવાઇ રહી છે કે પ્રજાકીય કામો કરવામાં જે કાર્યદક્ષ નહીં હોય એમની ટિકિટ કપાશે. સવાલ થાય છે કે કાપાકાપી કેટલી ચાલશે? બસ, કાપાકાપી જ ચાલશે? સહકારી ક્ષેત્રવાળાને તો કહે છે કે એવી ચીમકી આપી દેવાઇ છે કે સહકારી ક્ષેત્રે નોકરીઓમાં ભાજપના કાર્યકર્તાઓને અગ્રતા આપો, નહીંતર તેની ચૂંટણીઓમાં મેડેન્ટ મળશે નહીં. કમળની પાંદડીઓ બહારથી ભલે સરસ મજાની ખીલેલી લાગે, પણ અંદર ઘણો ઘૂંધવાટ જરૂર હશે, જે બહાર આવતાં ડરી રહ્યો છે.

 આ સ્થિતિની વચ્ચે રાજ્યમાં ત્રીજા બળ તરીકે ઊભા થવા માગતી આમઆદમી પાર્ટી ગાંધીનગરના ચૂંટણીની અડબોથ ખાધા પછી નિરાશ થવાને બદલે વધુ કમર કસવા માગતી હોય એવું લાગી રહ્યો છે. તેના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાતના એકમના હોંશીલા નેતાઓને નવી દિલ્હી તેડાવીને એમને બરાબરનો પાનો ચડાવ્યો છે કે ચિંતા નહીં કરતા, આપણી પાર્ટી રાજ્ય વિધાનસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની બધી બેઠકો પર ઝુકાવશે. આપણી પાર્ટીએ ગાંધીનગરની ચૂંટણીમાં 22 ટકા વોટ મેળવ્યા છે. આટલા ટૂંકા ગાળામાં આટલા વોટ મેળવવા એ એક નોંધપાત્ર દેખાવ જરૂર છે. સાથે કેજરીવાલે ગુજરાત એકમના સાથીદારોને એવી પણ શીખામણ આપી છે કે પ્રલોભનોમાં આવશો નહીં. વિધાનસભાની ચૂંટણી વવખતે થોડા પૈસા કે પદ માટે વેચાઇ ન જવા પાર્ટીના કાર્યકરોને કેજરીવાલે શીખામણ આપી છે. એનો અર્થ એ થયો કે આ ઝાડુવાળાઓને પણ ક્યાંક પ્રલોભનો અપાઇ રહ્યાં હશે !

 રાજ્યની નવી સરકાર પોતાના કાર્યકાળના 100 દિવસની સિદ્ધિઓ ગણાવવા માટે રોડમેપ બનાવી રહી છે. અનેક પોપ્યુલર પગલાં ભરીને એ લોકોમાં પોતાની સ્વીકૃતિ વધારવાના પ્રયાસો કરે છે. મુખ્યમંત્રી કોઇ કાર્યક્રમમાં જાય તો સામાન્ય લોકોને પોતાનાથી અગવડ ન પડે એવું ધ્યાન રાખે છે. સરકારી નોકરીઓમાં ભરતી માટેની વયમર્યાદામાં એક વર્ષની છુટ આપીને નોકરીવાંચ્છુ યુવાનોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ મોંઘવારી અને ભાવવધારા સામે સરકાર લોકોને ક્યારે ખુશ કરશે અને જનઆશીર્વાદ મેળવશે એની ગુજરાતના જનસામાન્યને ઇન્તેજારી છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top