Editorial

પાક.-ચીન ભેગા થઇને કાશ્મીરમાં ત્રાસવાદ વધુ ભડકાવવા પ્રયાસો કરી રહ્યા છે?

પાકિસ્તાન અને ચીન વચ્ચે પાકી દોસ્તી છે અને આ બંને દેશો ભારતને ભીંસમાં લેવા માટે ભેગા મળીને અનેક ગતકડાઓ કરી ચુક્યા છે. હાલમાં એવા અહેવાલ બહાર આવ્યા છે કે હાલ થોડા દિવસ પહેલા કાશ્મીરના પૂંચમાં    ચાર સૈનિકોનો ભોગ લેનાર જે ત્રાસવાદી હુમલો થયો હતો તેમાં પણ આ બંને દેશોની સાંઠગાંઠ જણાઇ આવે છે. ગુરુવારે કાશ્મીરના પૂંચમાં પાંચ સૈનિકોનો ભોગ લેનાર થયેલા હુમલામાં ચીન અને પાકિસ્તાનની વ્યુહાત્મક સાંઠગાંઠ હોવાનું સંરક્ષણ સૂત્રોને જણાયું છે.

ચીન લડાખમાંથી ભારતીય દળોની હાજરી ઓછી કરાવવા માટે પાકિસ્તાનની મદદથી કાશ્મીરમાં ત્રાસવાદ ભડકાવવા પ્રયાસ કરી રહ્યું છે.પૂંચમાં થયેલ હુમલો એ કાશ્મીર ખીણમાં, ખાસ કરીને    પૂંચ એ રાજૌરી સેકટરોમાં ભારતીય દળોને નિશાન બનાવીને કરવામાં આવતા હુમલાઓમાં આવેલા ઉછાળામાં એક નવો હુમલો છે. સૂત્રો કહે છે કે હિંસામાં આ ઉછાળો એ પાકિસ્તાન અને ચીનની સંકલિત વ્યુહરચનાનો ભાગ છે.    હાલમાં પાકિસ્તાને આ વિસ્તારમાં બે ડઝનથી વધુ ત્રાસવાદીઓ ઘૂસાડ્યા હોવાનું મનાય છે.

ગલવાન ખીણમાં ૨૦૨૦ની લડાઇ પછી ભારતે લડાખમાં પોતાના દળોની હાજરી વધારી દીધી છે. આનાથી હતાશ થયેલ ચીન ભારતીય દળો અને સ્ત્રોતોને લડાખમાંથી કાશ્મીર તરફ વાળવા માગે છે એમ સૂત્રોએ જણાવ્યું હતું.    તેઓ માને છે કે પાકિસ્તાન, ખાસ કરીને ચીનના ટેકા સાથે ભારતને પૂર્વીય મોરચે દબાણ ઘટાડવાની ફરજ પાડવા પશ્ચિમી મોરચે ત્રાસવાદ ફરી ભડકાવી રહ્યો છે. આની શંકા એના પરથી ઉદભવી કે ભારતે ૨૦૨૦માં રાષ્ટ્રીય    રાઇફલ્સની ઘણી ટુકડીઓને પૂંચથી લડાખ ખસેડી હતી. રાષ્ટ્રીય રાઇફલ્સ એ ભારતીય લશ્કરનું એક ખાસ ત્રાસવાદ વિરોધી દળ છે.

આનાથી લડાખ મોરચે તો ભારતીય દળોની શક્તિ વધી પરંતુ પૂંચમાં ત્રાસવાદ વિરોધી દળો    ઘટી ગયા. આથી હવે આ દળોને ફરીથી પૂંચ તરફ વાળવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કલમ ૩૭૦ની નાબૂદીને સુપ્રીમ કોર્ટની મંજૂરીથી પણ પાકિસ્તાન અને ચીન વ્યથિત થયેલા જણાય છે અને તેથી પણ બંને    મળીને પૂંચમાં ત્રાસવાદ ભડકાવવા માગે છે એ મુજબ સૂત્રોએ જણાવ્યું હતું. બની શકે કે બંને દેશો ભારતને વધુ ભીંસમાં લેવા માટે હજી કોઇ મોટા હુમલા કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય. આમ પણ ચીન અને પાકિસ્તાન   બીઆરઓ પ્રોજેકટના ભાગરૂપે સીપીઇસી કોરિડોર પીઓકેમાંથી પસાર કરીને ભારતને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી જ ચુકયા છે. આ બંને દેશો ભારત વિરોધી બદમાશી કરવામાં કોઇ કસર બાકી રાખે તેવા નથી.

વળી, કાશ્મીરમાં હુમલો કરવા આવતા ત્રાસવાદીઓને વધુ અત્યાધુનિક શસ્ત્રો મળી રહ્યા છે એવા પણ સંકેતો છે જે વળી એક નવી ચિંતાજનક બાબત છે. કાશ્મીરના પૂંચમાં પાંચ સૈનિકોનો ભોગ લેનાર ત્રાસવાદી હુમલામાં    અમેરિકી બનાવટની અત્યાધુનિક એમ-ફોર કાર્બાઇન એસોલ્ટ રાઇફલોનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું છે. પૂંચના આ હુમલાની જવાબદારી પીપલ્સ એન્ટિ ફાસિસ્ટ ફ્રન્ટ (પીએએેફએફ) દ્વારા લેવામાં આવી છે અને તેણે    સોશ્યલ મીડિયા પર હુમલાના સ્થળની તસવીરો પણ મૂકી છે જેમાં આ રાઇફલ પણ જોઇ શકાય છે.

એમ-૪ કાર્બાઇન એ હળવા વજનની, ગેસથી ચાલતી, મેગેઝીન ફેડ કાર્બાઇન છે જે ૧૯૮૦ના દાયકામાં અમેરિકામાં વિકસાવાઇ    હતી. તે અમેરિકાના પાયદળોનું એક મુખ્ય શસ્ત્ર હતીઅને અન્ય ૮૦ કરતા વધુ દેશોએ પણ અપનાવી છે. તે એક સચોટ અને વિશ્વાસપાત્ર રાઇફલ ગણાય છે. અહેવાલો મુજબ, એવી પણ અકટળ સેવવામાં આવે છે કે    ઉગ્રવાદીઓએ પોતાના આ હુમલાનું રેકર્ડિંગ કરવા તાલીમ બધ્ધ સૈનિકો વાપરે છે તેવા હેલ્મેટ કેમેરાઓનો પણ ઉપયોગ કર્યો છે, એનાથી એવી ચિંતાઓ સર્જાઇ છે કે આ હુમલાઓના ફૂટેજનો ઉપયોગ તેઓ પોતાના પ્રચાર માટે કરી શકે છે.

પાડોશીઓ કેવા મળે તે આપણા હાથની વાત નથી અને કમનસીબે આપણને બે અદકપાંસળી પાડોશીઓ મળ્યા છે જેઓ આપણને સતત એક યા બીજી રીતે પરેશાન કરવાના પ્રયાસો કરતા રહે છે. જો કે ભારત  બંનેને પહોંચી વળવા સક્ષમ છે. પરંતુ આપણને ગફલતમાં રહેવાનું પાલવે તેમ નથી. ચીન અને પાકિસ્તાનની હરકતો પર સતત નજર રાખીને સાવધ રહેવું ખૂબ જરૂરી છે.

Most Popular

To Top