અમેરિકા પોતાની જાતને દુનિયાનો જમાદાર સમજે છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં જો અમેરિકાનાં હિતોને ઊની આંચ આવતી હોય તો તે વિરોધ કર્યા વિના રહેતું નથી. વળી અમેરિકાનો વિરોધ નાકાબંધીના રૂપમાં હોવાથી પથારી ફેરવી નાખનારો હોય છે. હાલમાં ઇરાનના ચાબહાર બંદર બાબતમાં ભારતે ઇરાન સાથે જે દસ વર્ષનો કરાર કર્યો તેને કારણે અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. નારાજ અમેરિકાએ ભારતને આ કરારને લઈને પ્રતિબંધોની ધમકી પણ આપી છે. ઈરાન સાથેની નિકટતા માટે અમેરિકા ભારતને ચેતવી રહ્યું છે. જો અમેરિકાને લાગતું હોય કે બંને દેશો વચ્ચેના સંબંધો નવા છે તો એવું નથી. ઈરાન એક એવો દેશ છે જેની સાથે ભારતનો સંબંધ હજારો વર્ષો જૂનો છે. ભારત વર્તમાન રાષ્ટ્ર બન્યું તે પહેલાં બંને દેશોની સરહદો વહેંચાયેલી હતી.
ભારત અને ઈરાનની સરહદો ૧૯૪૭ સુધી વહેંચાયેલી હતી. બંને દેશો ભાષા, સંસ્કૃતિ અને ઘણી સમાન લાક્ષણિકતાઓ પણ ધરાવે છે. ઇરાન ૧૫ માર્ચ ૧૯૫૦ના રોજ આઝાદ થયું ત્યાર બાદ ભારતે ઈરાન સાથે રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા. ૧૯૫૬માં ઈરાનના શાહે ભારતની મુલાકાત લીધી અને ૧૯૫૯માં તત્કાલીન ભારતીય વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ ઈરાનની મુલાકાત લીધી. બંને દેશોએ ઘણા મહત્ત્વના કરાર કર્યા હતા. જવાહરલાલ નેહરુ પછી ઈન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈ પણ વડા પ્રધાન હતા ત્યારે ઈરાનની મુલાકાતે ગયા હતા.
ઈરાનમાં વર્ષ ૧૯૭૯માં ઈસ્લામિક ક્રાંતિ થઈ તે પછી ભારત અને ઈરાન વચ્ચે જોડાણનો નવો તબક્કો શરૂ થયો હતો. બંને દેશોના મોટા નેતાઓની મુલાકાત ચાલુ રહી હતી. દક્ષિણ એશિયામાં બંને દેશો વ્યાપારી, ઊર્જા અને સાંસ્કૃતિક ક્ષેત્રે મજબૂત સંબંધો ધરાવે છે. ભારત અને ઈરાન વચ્ચેના આર્થિક અને વ્યાપારી સંબંધો પણ જૂના છે. ભારત ઈરાની ક્રુડ ઓઈલનો મોટો ખરીદદાર રહ્યો છે. ૨૦૦૯-૧૦માં ભારત ઈરાની ક્રુડ ઓઈલ માટે ત્રીજું સૌથી મોટું બજાર હતું. ઈરાનમાં ભારતની નિકાસમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, ચોખા, મશીનરી અને સાધનો, ઉત્પાદનનો સમાવેશ થાય છે. ભારત અને ઈરાન આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ કોરિડોર પ્રોજેક્ટના સભ્ય પણ છે.
ભારત ઓમાનની ખાડી પાસે ઈરાનના દક્ષિણ કિનારે બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત ચાબહાર બંદરનો વિકાસ કરી રહ્યું છે. પ્રાદેશિક વેપારને વેગ આપવા માટે ભારત ચાબહાર પોર્ટ માટે કામ કરી રહ્યું છે. તેના દ્વારા ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં પ્રવેશ મળશે અને તે પાકિસ્તાનને બાયપાસ કરી શકશે. આ પહેલાં ભારતને અફઘાનિસ્તાન પહોંચવા માટે પાકિસ્તાનની જરૂર હતી.
આ વ્યૂહાત્મક બંદરને પાકિસ્તાનમાં ચીનની મદદથી વિકસાવવામાં આવી રહેલા ગ્વાદર પોર્ટના વિકલ્પ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. ચાબહાર પોર્ટ અને ગ્વાદર વચ્ચે દરિયાઈ માર્ગે માત્ર ૧૦૦ કિલોમીટરનું અંતર છે. તેને આગળ ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) સાથે જોડવાની યોજના છે. આ ૭,૨૦૦ કિલોમીટર લાંબો કોરિડોર ભારતને ઈરાન અને અઝરબૈજાન થઈને રશિયાના સેન્ટ પીટર્સબર્ગ સાથે જોડશે.
ભારત માટે આ બંદરનું મહત્ત્વ એ વાત પરથી પણ સમજી શકાય છે કે ચૂંટણીના વ્યસ્ત સમયમાં મોદી સરકારે આ કરાર માટે પોતાના મંત્રીને ઈરાન મોકલ્યા હતા. કરાર પર હસ્તાક્ષર સાથે, બંને દેશોએ ચાબહારમાં લાંબા ગાળાની ભાગીદારીનો પાયો નાખ્યો છે. કરાર હેઠળ, રાજ્યની માલિકીની IPGL કંપની ચાબહાર બંદરમાં આશરે ૧૨ કરોડ ડોલરનું રોકાણ કરશે, જ્યારે વધારાના ૨૫ કરોડ ડોલર ધિરાણના રૂપમાં પ્રદાન કરવામાં આવશે, જે કરારનું મૂલ્ય ૩૭ કરોડ ડોલર સુધી લઈ જશે.
ચાબહાર પોર્ટ ભારત માટે ઘણી રીતે ફાયદાકારક રહેશે. ચાબહાર ભારતને મધ્ય એશિયાના દેશો ખાસ કરીને અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન સાથે વેપાર વધારવાની તક આપશે. તે ભારતને રશિયા અને યુરોપમાં પણ પ્રવેશ અપાવશે. તેનાથી ભારતને આ ક્ષેત્રમાં તેની દરિયાઈ સુરક્ષા મજબૂત કરવામાં મદદ મળશે. ચાબહારના વિકાસને ભારત દ્વારા ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)નો સામનો કરવાના માર્ગ તરીકે જોવામાં આવે છે, જેને ઘણાં લોકો આ ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવ માટે જોખમ માને છે.
આ સમજૂતીને કારણે ચીન અને પાકિસ્તાન બંને વચ્ચે તણાવ વધી ગયો છે. આ બંદરનો ઉપયોગ તાલિબાન સરકાર પણ કરી શકશે. ભારતની હવે મધ્ય એશિયા સુધી પહોંચવા માટે પાકિસ્તાન પર નિર્ભરતા રહેશે નહીં. ચાબહારના કારણે પાકિસ્તાનના ગ્વાદર અને કરાચી બંદરોનું મહત્ત્વ પણ ઘણી હદ સુધી ઘટી શકે છે. ગ્વાદર પોર્ટને લઈને ચીનની નીતિ શરૂઆતથી જ આક્રમક રહી છે અને ઘણા સંરક્ષણ નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે અહીંથી ચીનની જાસૂસી ગતિવિધિઓ વધશે. ગ્વાદર ભારત માટે એક પડકારની સાથે જોખમથી ઓછું નથી. હવે ચીન અને પાકિસ્તાનને ચાબહાર દ્વારા જવાબ મળ્યો છે અને તેની અસર પણ જોવા મળી છે.
ભારતમાં અટલબિહારી વાજપેયીની સરકાર દરમિયાન ભારત અને ઈરાન વચ્ચે આ અંગેની વાતચીત શરૂ થઈ હતી અને લગભગ બે દાયકા બાદ મોદી સરકાર તેમાં સફળ થઈ છે. ૨૦૧૬માં નરેન્દ્ર મોદીની ઈરાન મુલાકાત દરમિયાન ચાબહાર પોર્ટને વિકસાવવા માટે સમજૂતી થઈ હતી. ૨૦૧૮ માં જ્યારે ઈરાનના તત્કાલીન રાષ્ટ્રપતિ હસન રુહાની દિલ્હી આવ્યા હતા ત્યારે આ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની તેહરાન મુલાકાત દરમિયાન પણ તેને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. વિદેશ પ્રધાન એસ. જયશંકરે સોમવારે જણાવ્યું હતું કે ભારત અને ઈરાન વચ્ચે લાંબા ગાળાના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી ચાબહાર બંદર ચોક્કસપણે વધુ રોકાણ અને જોડાણ જોશે.
આ કરાર બાદ અમેરિકા પણ ચિંતિત થઈ ગયું છે. અમેરિકાએ કહ્યું છે કે ઈરાન સાથે વ્યાપારી સોદો કરનાર કોઈ પણ દેશ પર પ્રતિબંધોનું જોખમ રહેલું છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ જાણતા હતા કે ઈરાન અને ભારતે ચાબહાર પોર્ટ સંબંધિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના નાયબ પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે અમને ખબર છે કે ઈરાન અને ભારતે ચાબહાર પોર્ટ સંબંધિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હું ઈચ્છું છું કે ભારત સરકાર ચાબહાર પોર્ટ અને ઈરાન સાથેના તેના દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં તેની વિદેશ નીતિના ઉદ્દેશો વિશે વાત કરે.
વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ચાબહાર પોર્ટ પર ઈરાન સાથે ભારતની સમજૂતી અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે હું એટલું જ કહેવા માંગુ છું કે તે સમજૂતી અમેરિકાની ચિંતા વધારે છે. ઈરાન પર અમેરિકી પ્રતિબંધો છે અને અમે તેને જાળવી રાખીશું. ઈરાન સાથે વેપાર સોદા અંગે વિચારણા કરનાર કોઈ પણ દેશ સંભવિત જોખમો અને પ્રતિબંધોથી વાકેફ હોવા જોઈએ. અમેરિકાને ભારત અને ઈરાન બંને સાથે ગંભીર સમસ્યા છે. અમેરિકા ઈચ્છતું નથી કે કોઈ દેશ ઈરાન સાથે વેપાર કરે, કારણ કે ઈરાન સાથે અમેરિકાના સંબંધો સારા નથી. અમેરિકાએ પોતાના અંગત સ્વાર્થ માટે ઈરાન પર પ્રતિબંધો લગાવ્યા છે. હવે તે દબાણ કરી રહ્યું છે કે બાકીની દુનિયાએ પણ આ પ્રતિબંધોનું સન્માન કરવું જોઈએ અને ઈરાન સાથે કોઈ વેપાર ન કરવો જોઈએ.
બીજી તરફ ભારતનું શરૂઆતથી જ વલણ રહ્યું છે કે તે યુનોના પ્રતિબંધો સિવાય અન્ય કોઈ પણ પ્રતિબંધોને સ્વીકારતું નથી. અમેરિકા પણ નથી ઈચ્છતું કે ઈરાન સાથેની મિત્રતાથી ભારતને કોઈ ફાયદો થાય. તેનાથી ભારતની અમેરિકા પર નિર્ભરતા ઘટી શકે છે અને તે અમેરિકાના દુશ્મન દેશોના જૂથની નજીક જઈ શકે છે. આ જૂથમાં ચીન અને રશિયાનો સમાવેશ થાય છે. જો ભારત, ચીન, રશિયા અને ઇરાનની ધરી રચાય તો લાંબા ગાળે અમેરિકાને ફટકો પડે તેમ છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.