માનવસમાજમાં એક કહેવત પ્રચલિત રહી છે- ‘‘મારે તેની તલવાર.’’ હવે તો તલવારને બદલે વધુ હિંસક શસ્ત્રો અજમાવાય છે. આર્યોએ ત્યારે સમાજના ચાર વર્ગો દર્શાવ્યા હતા, તે અનુસાર બ્રાહ્મણ પાસે પ્રભાવશાળી જ્ઞાનની સત્તા હતી. વૈશ્યો વેપાર-ઉદ્યોગ જેવી આર્થિક સ્વરૂપની સત્તા ધરાવતા હતા અને ક્ષત્રિયો લડાયક શક્તિ સાથે પ્રભાવશાળી સત્તા ભોગવતા હતા, રાજસત્તા પણ પ્રાપ્ત કરી શકતા હતા અને શુદ્રો પાસે શ્રમશક્તિનો પ્રભાવ હતો, જેને અન્ય વર્ગો અસ્પૃશ્ય તથા ઉપેક્ષાની નજરે જોતાં હતાં.
નવા જમાનામાં શ્રમશક્તિનું મહત્ત્વ વધ્યું અને મહેનતનાં કામો માટે તેમની વિશેષ આવશ્યકતા જણાઈ. મઝદૂર સંગઠનો રચાયાં, પોતાની માગણીઓ માટે સામુહિક અવાજ ઊઠવા માંડ્યો, હડતાળો થવા લાગી, રાષ્ટ્રપિતા ગાંધીજીએ સત્ય, પ્રેમ, અહિંસાનો માર્ગ બતાવ્યો અને એ માર્ગ સાચો પ્રભાવશાળી, સત્તાસ્વરૂપ સિદ્ધ થયો. આ નવીન પ્રકારની જનશક્તિવાળી સત્તાની સામે તો વિશ્વવ્યાપી અંગ્રેજ સત્તાએ પણ ઝૂકી જવું પડ્યું. સ્વસ્થ અને નૈતિક કામેચ્છાનાં બળ અને પ્રભાવ થકી પણ સત્તાવાહી ક્ષમતા જન્મે છે.
રોગમુક્તિ માટેની ક્ષમતાને મેડિકલ ક્ષેત્રમાં હીલિંગ પાવર કહે છે. હકારાત્મક વલણ, સ્વસ્થ જીવનશૈલી, પ્રાર્થના અને ધ્યાનનું મહત્ત્વ પણ માનવજીવનની પ્રભાવશાળી સત્તા બને છે. વન્યજીવનની સંસ્કૃતિ જ્યારે સભ્યતાના રંગે રંગાઈ ત્યારે માનવસમાજ શસ્ત્રધારી પૂરી રીતે બન્યો. નિર્ભય સત્યવાદી શસ્ત્રોથી ડરતો નથી કારણ કે તેની માણસાઈમાં તો સત્ય, પ્રેમ, અહિંસા પ્રબળ, પ્રભાવશાળી સત્તા હોય છે. આવા માણસમાં ક્ષમા દેવાનો જે ગુણ રહેલો હોય છે તે પણ પ્રેમાળ સત્તા પુરવાર થાય છે. સાચી લોકશાહીમાં રાજસત્તા માત્ર કલ્યાણકારી સેવા જ બની શકે છે. જ્યાં સત્તાનાં સાચાં કેન્દ્રો હોય છે શુદ્ધ મન અને પવિત્ર હૃદય.
સુરત – યૂસફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.