જેની દેશમાં ભારે આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને રાજકીય રીતે જેની ભારે ચર્ચા છે તેવી બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં આજે એટલે કે તા.6ઠ્ઠી નવેમ્બરના રોજ મતદાન થશે. પ્રથમ તબક્કાના આ મતદાનમાં 18 જિલ્લાની કુલ 121 બેઠકો પર વોટિંગ કરવામાં આવશે. આ 18 જિલ્લાઓમાં પટના, નાલંદા, બક્સર, ભોજપુર, ગોપાલગંજ, સિવાન, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, દરભંગા, સમસ્તીપુર, મધેપુરા, સહરસા, ખગરિયા, બેગુસરાય, મુંગેર, લખીસરાય અને શેખપુરા વિધાનસભા વિસ્તારોમાં મતદાન થશે. આ બેઠકો પર કુલ 1314 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.
જેમાં આશરે 45431 બુથ પર 3.75 કરોડથી વધુ મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે. આ મતદારોમાં 7.37 લાખ મતદારો એવા છે કે જેઓ પહેલી વખત મતદાન કરશે. બિહારની ચૂંટણીમાં ભાજપ દ્વારા આક્રમક પ્રચાર કરવામાં આવ્યો છે. જ્યારે ભાજપની સામેના પક્ષો દ્વારા બિહારને બદલે ગુજરાતને ભાજપ દ્વારા પ્રાધાન્ય આપવામાં આવે છે તેવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. બિહાર એવું રાજ્ય છે કે જેમાં ચૂંટણી લોહિયાળ નહીં બને તો જ નવાઈ હોય ત્યારે હવે આજે મતદાન દરમિયાન શું થાય છે તેની પર સૌની નજર છે.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ચૂંટણી પંચે બે તબક્કામાં ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ તબક્કામાં 121 બેઠકો હશે, જ્યારે બીજા તબક્કામાં 122 બેઠકો હશે. બીજા તબક્કાનું મતદાન 11મી નવેમ્બરના રોજ થશે. બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠકો છે. પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.જે પક્ષ કે ગઠબંધનને 122 બેઠકો મળશે તેની બિહાર વિધાનસભામાં બહુમતિ ગણાશે. બિહાર વિધાનસભામાં મુખ્ય મુકાબલો એનડીએ અને મહાગઠબંધન વચ્ચે છે.
પ્રચારના અંતિમ દિવસે મંગળવારે ભાજપ, જેડીયુ, આરજેડી અને કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના અગ્રણી નેતાઓએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જોરશોરથી પ્રચાર કર્યો અને જીતનો દાવો કર્યો. પ્રચાર હવે સમાપ્ત થયા પછી જે ઉમેદવાર મતદાન મથક સુધી વધુ મતદારો પહોંચાડી શકે છે તેનો જ વિજય થશે. બિહારમાં દરેક પક્ષ અને ઉમેદવારો દ્વારા પોતાના મતદારોને પોલિંગ બુથ સુધી લઈ જવા માટે ભારે તૈયારીઓ કરવામાં આવી છે.
બિહારમાં થનારા મતદાન પર આંતરિક ગઠબંધન રાજકારણ અને જાતિ આધારિત રાજકારણ કેટલીક અસર કરશે. બિહારની ચૂંટણી મોટાભાગે જાતિવાદ પર લડાતી આવી છે પરંતુ આ વખતે પ્રથમ વખત બિહારની ચૂંટણીમાં આરજેડી અને પ્રશાંત કિશોરની જનસ્વરાજ પાર્ટી દ્વારા બિહાર અને ગુજરાતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આ બંને પક્ષ દ્વારા ભાજપ પર એવા આક્ષેપો મુકવામાં આવી રહ્યા છે કે ભાજપ દ્વારા જ્યારે આપવાનું હોય ત્યારે ગુજરાતને આપવામાં આવે છે અને જ્યારે વોટ લેવાના હોય ત્યારે બિહારમાં આવે છે.
બિહારમાં લોકસભાની 40 બેઠકો છે. જેને કારણે બિહારને કેન્દ્રમાં સરકાર બનાવવા માટે મહત્વનું રાજ્ય માનવામાં આવે છે. બિહારમાંથી વધુ બેઠકો મળે તે પક્ષની કેન્દ્રમાં સરકાર બની શકે છે. આ વખતે પણ ભાજપની આગેવાની હેઠળની એનડીએની કેન્દ્રમાં સરકાર બનાવવામાં બિહારનો મોટો ફાળો છે. બિહારમાંથી નિતીશકુમારની જેડીયુ પાર્ટી દ્વારા જો ભાજપને ટેકો કરવામાં નહીં આવ્યો હોત તો ભાજપ માટે કેન્દ્રમાં સત્તા પર આવવું ઘણું અઘરૂં બની ગયું હોત.
બિહારની ચૂંટણી લોકસભાની ચૂંટણી બાદ ભાજપ માટે ખૂબ જ મહત્વની છે. આ કારણે જ ભાજપે પોતાનું તમામ જોર બિહારની ચૂંટણી જીતવા માટે લગાડી દીધું છે. ગુજરાતમાં ભાજપને વિક્રમી જીત અપાવનાર સીઆર પાટીલને ભાજપે બિહારમાં સહપ્રભારી બનાવ્યા છે. તો અમિત શાહ ઘણા સમયથી બિહારમાં ધામો નાખીને બેઠા છે. મોદીએ પણ બિહારમાં પ્રચાર કરવામાં કોઈ જ કસર બાકી રાખી નથી. બિહારની ચૂંટણી જો ભાજપ હારશે તો કેન્દ્રમાં સરકાર ટકાવવી પણ મુશ્કેલ બની શકે છે. ભાજપ માટે બિહારની ચૂંટણી એ રાજકીય રીતે જીવનમરણનો પ્રશ્ન છે એ નક્કી છે.