Top News

More Posts

   The Latest

Most Popular



દૂષિત પાણીના પ્રશ્નોનાં નિરાકરણ માટે મહાનગરપાલિકા પાસે કોઈ બ્લુ પ્રિન્ટ જ નથી

પ્રતિનિધિ, વડોદરા, તા. ૨૨
છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરના કેટલાય વિસ્તારોના નાગરિકો તેમને મળી રહેલ દૂષિત પીવાના પાણીની તકલીફો થી ત્રસ્ત છે. અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ફક્ત નાગરિકો દ્વારા અને મ્યુનિસિપલ કાઉન્સિલરો દ્વારા મળતી ફરિયાદો પર જ કામ કરી રહ્યું છે. દૂષિત પાણીના પ્રશ્નનું નિવારણ કેવી રીતે લાવવું તેની માટે વડોદરા મહાનગરપાલિકા પાસે કોઈ બ્લુ પ્રિન્ટ જ નથી. રાબેતા મુજબ જૂની પાઇપો પર ઠીકરું ફોડી દેવામાં આવ્યું હતું.

આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં વડોદરા શહેરનાં વિવિધ વિસ્તારોના નાગરિકોને જે દૂષિત પીવાના પાણીની સમસ્યા છે તેને કેવી રીતે દૂર કરી શકાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી.

સવાલ તો એ ઉભો થાય છે કે શું અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં હતું? શું મહાનગરપાલિકા પાસે એવી માહિતી નથી કે કયા વિસ્તારોની પાણીની પાઇપલાઇનનો જૂની થઈ ગઈ છે અને તેને પહેલેથી જ બદલી નાખવામાં આવે જેથી નાગરિકોને દૂષિત પાણી પીવાની ફરજ ન પડે. શહેરના નાગરિકો પાસેથી અબજો રૂપિયાનો વેરો વસૂલ કર્યા પછી પણ વડોદરા મહાનગરપાલિકા નું તંત્ર શહેરના નાગરિકોને શુદ્ધ પાણી નથી આપી શકતું અને મતદારોના કીંમતી વોટ લીધા પછી પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ અપાવવામાં નિષ્ફળ નીકળ્યા છે તેવું કહી શકાય.

સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ જણાવ્યા મુજબ શહેરના કેટલાય વિસ્તારોની પીવાના પાણી માટે વિતરણ કરવાની પાઈપ લાઈનો ઘણી જૂની અને જર્જરિત થઈ ચૂકી છે. જે કારણે નાગરિકોને દૂષિત પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ જેમ નાગરિકો પાસેથી અને મ્યુનિસિપલ કાઉન્સિલરો પાસેથી ધંધા પાણીની ફરિયાદો આવી રહી છે તે મુજબ પાઇપલાઇનોનું રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે. અને તે વિસ્તારના લોકોને ટેન્કરો વડે પાણી વિતરણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ પ્રશ્નોના નિવારણ માટે જ આજરોજ મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને નાગરિકોને આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની કાળજી લેવામાં આવશે.

To Top