Top News

More Posts

   The Latest

Most Popular

ભારતે એન્ટિ-મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ આજે આંશિક રીતે ઉઠાવી લીધો હતો જેના પરિણામે આ દવા અમેરિકા તથા કોરોનાવાયરસના રોગચાળાથી સખત અસરગ્રસ્ત અન્ય દેશોને મોકલવા માટેનો માર્ગ મોકળો થયો હતો.

સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત હાઇડ્રોક્સિક્લોરોક્વિન તથા પેરાસીટામોલ ઘરઆંગણેની જરૂરિયાતો પુરી થયા બાદ તે દેશોને કેસ બાય કેસ ધોરણે આ દવા મોકલશે જેમણે આ દવાઓ માટે ઓર્ડર મૂકી જ દીધો છે. હાઇડ્રોક્સિક્લોરોક્વિન પરનો પ્રતિબંધ આંશિક રીતે ઉઠાવી લેવાનો આ નિર્ણય એના કેટલાક કલાકો પછી આવ્યો હતો જ્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ભારત આ દવા પુરી પાડવાની તેમની વિનંતી સાંભળશે નહીં તો વળતા પગલા લેવાઇ શકે છે. આ પહેલા રવિવારે ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે ટેલિફોનિક વાતચીત દરમ્યાન આ દવાની અમેરિકાને નિકાસ કરવામાં આવે તેવી માગણી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨પમી માર્ચે ભારતે આ દવાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારત આ દવાનું સૌથી મોટું નિકાસકાર છે. એમ માનવમાં આવે છે કે ગઇ રાત્રે મળેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ બે દવાઓ પરનો પ્રતિબંધ આંશિક રીતે ઉઠાવી લેવાનો નિર્ણય લેવાયો હતો. ભારતને શ્રીલંકા અને નેપાળ જેવા પાડોશીઓ સહિત ઓછામાં ઓછા ૨૦ દેશો તરફથી આ દવાની નિકાસ કરવા માટેની વિનંતીઓ મળી હોવાનું કહેવાય છે.

To Top