Top News

More Posts

   The Latest

Most Popular

બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના તાજપોર ગામની સીમમાં એક સાથે ચાર દીપડા (Panther) ફરી રહ્યા હોવાનો વિડીયો વાઇરલ થતાં ગ્રામજનોમાં દહેશતનો માહોલ ફેલાયો છે. બારડોલીથી નવસારી જતાં રોડ પર તાજપોર કોલેજની આજુબાજુમાં જ મંગળવારે રાત્રે દીપડા દેખાયા હતા. બીજી તરફ આજે બપોરે સર્વે કરવા ગયેલી ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેરની ટીમે પણ ચાર દીપડા ખેતરમાં (Farm) રખડતા જોયા હતા. મીંઢોળા નદી (Mindhola River) કિનારાનો વિસ્તાર ખૂબ જ મોટો અને જંગલવાળો વિસ્તાર છે. જે દીપડા માટે વધારે અનુકૂળ છે. દીપડા ઘણા સમયથી આ વિસ્તારમાં વસવાટ કરતાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

બારડોલી તાલુકાના તાજપોર ગામની (Tajpore Village) સીમમાં આવેલા એક ખેતરમાં મંગળવારે રાત્રે લેવલિંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે રાત્રિના 8 થી 9 વાગ્યાના અરસામાં જે.સી.બી.ના ચાલકને ખેતરમાં એક સાથે ચાર દીપડા જોવા મળ્યા હતા. તેણે પોતાના મોબાઇલ ફોનમાં દીપડાના વિડીયો (Video) ઉતારી લીધા હતા. બાદમાં તેણે તાજપોર ગામમાં પાનનો ગલ્લો ચલાવતા કલ્પેશ ગામીતને જાણ કરતાં કલ્પેશે બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતિન રાઠોડને જાણ કરી હતું. જતિન રાઠોડ અને તેમની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં તેમને ગુરુવારે બપોરના સમયે તાજપોર ગામની સીમમાં આવેલા સલિમભાઈના ખેતરમાં એક દીપડો જોવા મળ્યો હતો.

દીપડો આઠ મિનિટ સુધી બેસી રહ્યો, જ્યારે ઉઠ્યો તો તેની પાછળ બીજા બે દીપડા દોડતા દેખાયા
જતિનભાઈના જણાવ્યા અનુસાર આ દીપડો આઠ મિનિટ સુધી બેસી રહ્યો હતો. જ્યારે તે ઉઠ્યો તો તેની પાછળ બીજા બે દીપડા દોડતા દેખાયા હતા, જ્યારે એક દીપડો તેમની પાછળની બાજુ જોવા મળ્યો હતો. બારડોલીને અડીને આવેલા તાજપોર ગામનો મીંઢોળા નદી કિનારાનો વિસ્તાર ખૂબ જ મોટો અને જંગલવાળો વિસ્તાર છે. જે દીપડા માટે વધારે અનુકૂળ છે. દીપડા ઘણા સમયથી આ વિસ્તારમાં વસવાટ કરતાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. એક મહિના પહેલા પણ આ વિસ્તારમાં એક દીપડાએ એક બકરીનો શિકાર કર્યો હતો. જ્યાં વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. બાદમાં દીપડો તાજપોર ગામ તરફ દેખાતા ત્યાં પાંજરું મૂક્યું હતું. પરંતુ હજી સુધી દીપડા પાંજરામાં પુરાઈ શક્યા નથી.

To Top