Top News

More Posts

   The Latest

Most Popular

સત્તાધિશો દ્વારા પ્રજા પર અનેક દમન થતાં હોવા છતાં પણ પ્રજા શાંત બેસી રહે તો તેવી પ્રજાનું અમીર મરી ગયું છે તેમ માની લેવું જોઈએ. ભારતમાં પણ અનેક તકલીફો સહન કરીને પ્રજા સત્તાધિશોનો ત્રાસ વેઠે છે. ભારતમાં અનેક સમસ્યા છે કે જે મુદ્દે પ્રજા સરકારને ભીંસમાં લઈ શકે છે. પરંતુ ભારતીય પ્રજાનો વિદ્રોહ જાગતાં સમય લાગે છે પરંતુ પ્રજા કેવી હોવી જોઈએે તેનું જો કોઈએ હાલમાં ઉદાહરણ પુરૂં પાડ્યું હોય તો તે ઈન્ડોનેશિયાના લોકો છે. ઈન્ડોનેશિયામાં પ્રદૂષણને કાબુમાં લેવામાં નિષ્ફળ રહેવા બદલ ત્યાંના રાષ્ટ્રપતિ સહિત ત્રણ કેબિનેટ મંત્રી સામે કેસ કરી દેવામાં આવ્યાં છે. હાલમાં કોરોનાના સમયમાં પ્રદૂષણ મહામારીને વધુ વકરાવી શકે છે ત્યારે ઈન્ડોનેશિયાની પ્રજાએ શાંત રીતે વિદ્રોહની શરૂઆત કરી છે.

ઈન્ડોનેશિયાના જાકાર્તામાં રહેતા 36 વર્ષના વિડીયોગ્રાફર અદિથો હરિનુગ્રોહો, જાકાર્તાના શિક્ષક ઈસ્તુ પાયોગી સહિતના પક્ષકારો દ્વારા સત્તાધિશો સામે કેસ કરવામાં આવ્યો છે. અદિથોનું કહેવું છે કે જ્યારે હું ઈન્ડોનેશિયામાં જાકાર્તાના ટ્રાફિકજામ ધરાવતા રસ્તા પરથી પસાર થઉં છું, ત્યારે મને ખાંસી આવવા લાગે છે. પરંતુ મોં પર માસ્ક હોવાના કારણે સારી રીતે ખાંસી પણ નથી શકતો. એ પછી જ્યારે પણ હું મોં રૂમાલથી લૂછું છું ત્યારે તેના પર કાળો કચરો દેખાય છે. જો ચહેરાની આવી સ્થિતિ હોય, તો વિચારો કે ફેફસાંમાં કેટલો કાળો ધુમાડો જતો હશે! આજ રીતે જાકાર્તાના શિક્ષક ઈસ્તુએ પાંચ વર્ષ પહેલા પોતાના ફેફસાની તપાસ કરાવી હતી ત્યારે તેમને ખબર પડી કે સિગારેટ પીવા કરતાં પણ વધુ નુકસાન તેમને પ્રદૂષણને કારણે થયું છે. ઈસ્તુ પોતે સિગારેટ પીતા નથી છતાં પણ તેમના ફેફસાને ભારે નુકસાન થયું હતું.
હકીકતમાં આશરે 3 કરોડની વસતી ધરાવતાં ઈન્ડોનેશિયાના પાટનગર જાકાર્તાની ટ્રાફિક જામની સમસ્યા ખુબ મોટી છે.

ટ્રાફિક જામમાં કલાકો સુધી વાહનો ફસાયેલા રહેવાને કારણે ભારે વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે. વાહનોની સાથે લોકો પણ ટ્રાફિક જામમાં ફસાયેલા રહેતાં હોવાથી આ પ્રદૂષણ તેમના શ્વાસ દ્વારા ફેફસામાં જાય છે અને લોકોને નુકસાન થઈ રહ્યું છે. દુનિયાનાં 576 શહેરમાં પર્યાવરણની સ્થિતિ અંગે અભ્યાસ કરનારી ફર્મ વેરસિક મેપલક્રાફ્ટ દ્વારા તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કરાયો હતો. આ રિપોર્ટ પ્રમાણે જાકાર્તાની હાલત ખુબ ખરાબ છે. પ્રદૂષણ છે અને સાથે સાથે ભૂકંપ અને પૂરનો મોટો ખતરો રહેલો છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ઈન્ડોનેશિયામાં પ્રદૂષણને કારણે ત્યાં રહેતાં લોકોને ભારે અસર થશે, સાથે સાથે કોરોનાના કેસ વણ વધવાની સંભાવના રહેલી છે. પ્રદૂષણનો ભોગ બાળકો બનતાં તેઓ વધુ ઝડપથી કોરોના સંક્રમિત થવાની સંભાવનાઓ રહેલી છે.


આ તમામ સ્થિતિઓને કારણે ત્યાંની પ્રજા દ્વારા આખરે પોતાના જ સત્તાધિશો સામે વિદ્રોહ કરવાની ફરજ પડી છે. પ્રજા દ્વારા ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો, આરોગ્ય મંત્રી અને પર્યાવરણ મંત્રીને કેસમાં ભીંસમાં લેવામાં આવ્યાં છે. આ ઉપરાંત ત્રણ પ્રાંતના ગવર્નરને પણ આરોપી બનાવવામાં આવ્યાં છે. આ કેસમાં આમ તો કુલ 32 પ્રજાજનો પક્ષકાર છે. સ્થાનિક કોર્ટના જજ દ્વારા પણ આ કેસની સુનાવણી શરૂ કરવામાં આવી છે. પ્રદૂષણની સમસ્યા ભારતની સાથે વિશ્વના અનેક દેશોમાં છે. ત્યારે તેની પ્રજાએ પણ ઈન્ડોનેશિયા પરથી ધડો લઈને ત્યાં સત્તાધિશો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આજના સમયમાં ચૂંટાયેલી પાંખના પ્રજાનો સ્હેજેય ડર નથી ત્યારે આવા સંજોગોમાં સરકારોને પ્રજાનો ડર ઊભો થશે તો જ લોકશાહી ટકશે તે નક્કી છે.

To Top