Top News

More Posts

   The Latest

Most Popular


ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પ્રાઈસ વિજેતા વૈજ્ઞાનિક સી.વી.રામન પોતાના વિભાગમાં મદદનીશ તરીકે કામ કરવા માટે યુવાન વૈજ્ઞાનિકની પસંદગી કરી રહ્યા હતા.ઘણા યુવા વૈજ્ઞાનિકો દૂર દૂરથી આવ્યા હતા.બે દિવસ વિવિધ કસોટીઓ હતી અને બધા વૈજ્ઞાનિકોની રહેવા, ખાવા-પીવાની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવી હતી અને દરેક વૈજ્ઞાનિકને આવવા જવા માટેનું ભાડું પણ આપવામાં આવ્યું હતું.
વિવિધ રીતની કસોટીઓ અને પ્રયોગો અને લેખિત પરીક્ષા બાદ ત્રણ જણને પસંદ કરી લેવામાં આવ્યા અને બાકી બધા યુવા વૈજ્ઞાનિકોને પાછા જવાની સૂચના આપી દેવામાં આવી.

જે વૈજ્ઞાનિકોની પસંદગી નહોતી થઇ તે બધા એક પછી એક પોતાનું આવવા જવાનું ભાડું લઈને ઘરે પાછા ફરવા નીકળી ગયા.મોદી સાંજે માત્ર એક યુવાન ભૌતિકશાસ્ત્રના વિભાગની ઓફીસ બહાર આમથી તેમ આંટા મારી કોઈને શોધી રહ્યો હતો.એટલામાં શ્રી સી.વી.રામન ત્યાંથી પસાર થયા. તેમની નજર આ યુવાન પર ગઈ.તેમને થયું આ યુવાનની પસંદગી નથી થઇ છતાં તે અહીં શું કરે છે.તેઓ યુવાનની પાસે ગયા અને પૂછ્યું, ‘યુવાન, તારી પસંદગી થઈ નથી અને હવે કોઈ અરજી કે કોઈ વિનવણી સાંભળવામાં નહિ આવે. તું અહીં શું કરે છે?’ યુવાને કહ્યું, ‘સર, મને ખબર છે અને હું કોઈ ખાસ મને પસંદ કરી લેવાની વિનવણી માટે નથી આવ્યો. આ તો મને ઘરે જવાના ભાડાના પૈસા આપવામાં ક્લાર્કથી બે સો ની નોટ ભૂલથી વધારે અપાઈ ગઈ છે તે હું તેમને શોધીને પાછી આપવા આવ્યો છું. સાંજની બસ તો જતી રહેશે એટલે હવે હું રાતની બસમાં જઈશ.’

યુવાન વૈજ્ઞાનિકની વાત સાંભળી સી.વી.રામન બોલ્યા, ‘યુવાન ક્લાર્ક તમને પહેલે માળે મળશે.તેને બધા પૈસા પાછા આપી દેજો અને ક્યાં રહેવાનું છે તે પૂછી લેજો. હવે તમારે રાતની બસ નહિ પકડવી પડે. તમારી ખાસ પસંદગી હું હમણાં જ કરું છું.’ યુવાનને નવાઈ લાગી. તે આશ્ચર્યચકિત નજરે સી.વી.રામનને જોઈ રહ્યો.મહાન વૈજ્ઞાનિક બોલ્યા, ‘યુવાન દોસ્ત, તારામાં ભૌતિકશાસ્ત્રનું જ્ઞાન થોડું કાચું છે તે તો હું શીખવાડી દઈશ.પણ જે સાચા સંસ્કાર અને ઈમાનદાર ચરિત્રની ખૂબી તારામાં છે તે તારી સૌથી મોટી યોગ્યતા છે અને તે હું કે અન્ય કોઈ શીખવાડી નહિ શકે, માટે તારી હું ખાસ મારા મદદનીશ તરીકે પસંદગી કરું છું.’

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top